2024માં થયેલા વિવાદ .
- 2024ના વર્ષમાં હોલિવુડમાં થયેલા અનેક વિવાદોમાં કેટલાક એવા પણ નીવડયા જેને પગલે તેમાં સંડોવાયેલી હસ્તીઓની જબરી બદનામી થઈ. આવો જાણીએ હોલિવુડના મોટા વિવાદો અને તના કારણે પતન પામેલી હસ્તીઓની વાત.
ધ બ્રોન્કસ વિવાદ -જેનિફર લોપેઝ
વીતેલાં વર્ષની શરૂઆતમાં જેનિફર લોપેઝ દ્વારા એમઝોેન પ્રાઇમ ડોક્યુમેન્ટરી ધ ગ્રેટેસ્ટ લવ સ્ટોરી નેવર ટોલ્ડ રજૂ કરાઇ હતી. જેના કારણે સોશ્યલ મિડિયા પર મોટો વિવાદ ઉભો થયો હતો. તેમાં પણ જેનિફર લોપેઝે જ્યારે એમ કહ્યું કે આ ડોક્યુમેન્ટરી મને યાદ અપાવે છે, હું જ્યારે ૧૬ વર્ષની વયે બ્રોન્ક્સમાં બ્લોકની ફરતે દોડયા કરતી હતી. એક નાનકડી છોકરી જે ઘેલી બની તમામ મર્યાદાઓ છોડી સ્વપ્નોમાં જ રાચતી હતી. વિડિયો ટીકાકારોને તો દોડવું હતું અને ઢાળ મળી ગયો. ટિકટોક પર તારા માટે એમ જણાવી જાત જાતના ઢગલો વિડિયો મુકવામાં આવ્યા. જેમાં તેની મજાક ઉડાવવામાં આવી હતી.
પી. ડીડી અને કેસીનો વિવાદ
સપ્ટેમ્બર ૨૦૨૪માં શોન પી ડીડીનું અબજો ડોલર્સનું સામ્રાજ્ય જાતીય સતામણી, સેક્સ ટ્રાફિંકિંગ અને હિંસાના આરોપો મુકાવાને પગલે તહસનહસ થવા માંડયું હતું. ન્યુ યોર્કમાં તેની સામે અગાઉ કેસ નોંધવામાં આવ્યો હતો. આ ફિલ્મ સ્ટાર પર મહિલાઓને સેક્સ કરવાની ફરજ પાડવાના આક્ષેપો થયા હતા તેમાં પણ નવેમ્બર ૨૦૨૩માં કેસી યાને કાસાન્ડ્રા વેન્ચુરાએ ફેડરલ લો સૂટ નોંધાવી બળતામાં પેટ્રોલ છાંટયુ હતું. આ દાવા અનુસાર ડીડીએ કેસીને ફ્રિક આઉટ તરીકે જાણીતી પાર્ટીઓમાં ભાગ લેવાની ફરજ પાડી હતી.
'ઇટ એન્ડ્સ વીથ અસ' ફિલ્મનો વિવાદ બ્લેક લાઇવલી
ડોમેસ્ટિક વાયોલન્સ અને તેના કારણે સર્જાતા વિષાદની વાત કહેતી આ ફિલ્મનો હેતુ આ મુદ્દે ચર્ચા શરૂ કરવાનો હતો. પણ આ ચર્ચા બાજુએ રહી અને લોકો બ્લેક લાઇવલીની મુલાકાતોની ચર્ચા વધારે કરવા માંડયા. આ ગોસિપ ગર્લે બાકી હતું તે તેની પ્રેસ ટુર્સમાં તેના રંગીન વસ્ત્રોની વાત કરવા માંડી અને તેની હેરકેર લાઇનની વાતો કરવા માંડી. જેના પરિણામે તેની આકરી ટીકાઓ થવા માંડી હતી.
કાન્યે વેસ્ટનું પતન
હવે સત્તાવાર રીતે યે તરીકે ઓળખાતા એક સમયના કાન્યે વેસ્ટને વિવાદ સાથે ઘેરો સંબંધ છે. કાન્યેએ યહૂદી વિરોધી ટિપ્પણી કરતાં સંખ્યાબંધ બ્રાન્ડના સોદા તેણે ગુમાવવા પડયા હતા. એ પછી તેણે અમેરિકન રેપર સિંગર લિઝ્ઝોના મેદસ્વીપણાં વિશે એલફેલ બોલી વિવાદ ઉભો કર્યો હતો. તેમાં પણ ટીએમઝડને આપેલી મુલાકાતમાં અમેરિકામાં ગુલામોના ઇતિહાસ વિશે તેણે દાવો કર્યો હતો કે ૪૦૦ વર્ષ માટે ગુલામી એ જાણે પસંદગીનો સવાલ હોય તેમ લાગે છે. આમ બોલીને કાન્યે વેસ્ટે મોટો વિવાદ ઉભો કરી પોતાના જ પગ પર કુહાડી મારી હતી.