પિરીયડ દરમ્યાન રજા આપવા બાબત હીના ખાનની જાહેરાતથી છેડાયો વિવાદ

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
પિરીયડ દરમ્યાન રજા આપવા બાબત હીના ખાનની જાહેરાતથી છેડાયો વિવાદ 1 - image


માસિક સ્રાવ દરમિયાન કામ કરવાના પડકારો વિશે અભિનેત્રી હીના ખાનની નિખાલસ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે સમગ્ર મનોરંજન ઉદ્યોગમાં વ્યાપક સંવાદ છેડાયો છે.  તાજેતરની મુલાકાતમાં, હીનાએ મૂડ સ્વિંગ, અસ્વસ્થતા અને શારીરિક પીડાને કારણે પિરીયડના સમયગાળાના શરૂઆતના દિવસોમાં શૂટિંગ ટાળવાની વિનંતી ખુલ્લેઆમ શેર કરી હતી. હીનાની આ પોસ્ટે વિવિધ કલાકારોને વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓ અને માસિક સ્વાસ્થ્ય વચ્ચેના સંતુલન અંગે તેમના દ્રષ્ટિકોણો રજૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. ચર્ચા હવે તેના પર કેન્દ્રિત છે કે શું સ્ત્રીઓ માટે તેમના માસિક સ્રાવના પ્રથમ બે દિવસ દરમ્યાન કામથી દૂર રહેવાનો કોઈ વિકલ્પ હોવો જોઈએ કે કેમ. લગભગ તમામ મહિલા કલાકારો સ્વીકારે છે કે પિરીયડ દરમ્યાન કામ કરવાથી શારીરિક અને ભાવનાત્મક પરેશાની થઈ શકે છે. આ સંવાદ મહિલાઓ માટે વધુ સહાનુભૂતિપૂર્ણ અને અનુકૂળ કામના વાતાવરણને ઉત્તેજન આપવા માટે નિર્ણાયક છે, જે સંભવિતપણે નીતિમાં ફેરફારો તરફ દોરી જાય છે, જેમાં માસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને ટેકો આપવા મહિલા કલાકારોને પિરીયડના પ્રથમ બે દિવસો દરમ્યાન રજાનો વિકલ્પ મળી શકે છે.

આહના કુમરા

મેં હમેંશા પીરીયડ દરમ્યાન કામ કર્યું છે. મને પીડા થાય છે પણ હું તે સહન કરી લઉં છું. મને એ સમયે કામ કરવામાં કોઈ હરકત નથી. કેટલીક મહિલાઓને વધુ પીડા થતી હોય છે પણ મને તેવું નથી થતું. જે મહિલા કલાકારોથી પીડા સહન ન થતી હોય તેમને પ્રોડયુસરોએ વિકલ્પ આપવો જોઈએ. મને પહેલેથી જ પીરીયડ દરમ્યાન પણ સક્રિય રહેવાની તાલીમ આપવામાં આવી છે. આ કોઈ રોગ નથી. મારા મતે પીરીયડ દરમ્યાન પણ મહિલાઓએ કાર્યરત રહેવું જોઈએ. એનાથી પીડા પરથી ધ્યાન હટે છે. પણ કેટલીક મહિલાઓને એન્ડોમેટ્રિયોસીસ જેવી સ્થિતિમાં તીવ્ર પીડા થતી હોય છે, આથી તેમને રજા માગવાનો અધિકાર છે. તમામ કિસ્સા અલગ હોય છે. નિર્માતાઓએ વિકલ્પ આપવા જોઈએ. પણ પીરીયડ નિશ્ચિત નથી હોતા આથી શૂટીંગ અટકી જાય તો ક્રુના સભ્યો માટે સ્થિતિ પડકારજનક બની શકે.

કવિતા કૌશિક

મારા મતે પીરીયડના પ્રથમ બે દિવસ દરમ્યાન શૂટીંગ અથવા કામમાંથી રજા લેવાનો વિકલ્પ મળવો જોઈએ. આ નિયમ તમામને લાગુ નહિ પડે, પણ મારા સહિત મોટાભાગની મહિલા કલાકારો માસિકના પ્રથમ બે દિવસ દરમ્યાન તીવ્ર પીડા અને ભારે બ્લીડીંગનો સામનો કરતી હોય છે. મને યાદ છે કે એફઆઈઆરમાં એક્શન દ્રશ્યો દરમ્યાન ટ્રકમાંથી કૂદકો મારતી વખતે અથવા કેબલ પર લટકતી વખતે મને કેટલી પીડા અને અસ્વસ્થતા થઈ હતી. એ સમયે મારી પીડા અને બ્લીડીંગનું પ્રમાણ તીવ્ર હતું. મને જો ત્યારે વિકલ્પ મળ્યો હોત તો મેં ચોક્કસ રજા લીધી હોત. હું ઈચ્છું છે કે આવા વિકલ્પ મળે.

કુબરા સૈત

મારા મતે આ આદર્શ પગલુ ગણાશે. મહિલાઓ શારીરિક રીતે અસક્ષમ નથી પણ આ સમયે મૂડ અને હોર્મોનની અસર હોય છે. સેટ પરની સ્થિતિને ધ્યાનમાં લઈએ તો સ્થિતિ ખૂબ જ પડકારજનક બને છે. એક કંસ્ટ્રક્શન સાઈટ ખાતે પીરીયડના બીજા દિવસે શૂટ કરી રહી હતી તે સમય મને યાદ છે. ત્યાં સ્થિતિ અત્યંત અસ્વચ્છ હતી અને અમે મારી વેનિટી વેનથી ઘણા દૂર હતા. મને પેડ બદલી કરવા સ્વચ્છ જગ્યા પણ નહોતી મળી. સેટ પરના લોકોમાં દયાભાવના જેવી વસ્તુ પણ નહોતી. મને વિકલ્પની જરૂર નથી, પણ જો મળશે તો હું ચોક્કસ લઈશ. સેટ પર મહિલા કલાકારો માટે જે સગવડ હાલ મળે છે અને જે સુવિધા ઊભી કરી શકાય છે તેનો પણ વિચાર કરવો જોઈએ.

શ્રિયા પિલગાંવકર

પ્રત્યેક મહિલાને પીરીયડના અનુભવ અલગ હોય છે. તમે નક્કી ન કરી શકો કે મહિલાને પીરીયડ દરમ્યાન બે દિવસની રજાની જરૂર છે. આ સમય દરમ્યાન અતિશય અસ્વસ્થતા અનુભવાય છે. મને એ સમયે પીડા થાય છે અને તેનાથી અસ્વસ્થતા પણ અનુભવાય છે, છતાં હું આ સમય દરમ્યાન સક્રિય રહું છું અને સંતુલન જાળવી શકું છું. પણ મારી કેટલીક મિત્ર છે જેમને પ્રથમ ત્રણ દિવસ તીવ્ર પીડા થાય છે. 

તેમના માટે આવા સમયે કામ કરવું પડકારજનક છે. આથી આવી મહિલા કલાકારોને આ દિવસો દરમ્યાન વિકલ્પની જોગવાઈ કરવી જોઈએ.

ટીના દત્તા

પીરીયડના પ્રથમ બે દિવસ દરમ્યાન કામ કરવું મારા માટે મુશ્કેલ રહ્યું છે. જો કે મને એ દિવસોમાં શૂટીંગ અથવા કામ ન કરવામાં કોઈ સમજદારી નથી દેખાતી. આપણે જ્યારે જાતીય સમાનતાની વાત કરીએ છીએ ત્યારે આ બે દિવસ માટે આપણે વિશેષ વર્તનની અપેક્ષા ન રાખવી જોઈએ. આજના સમયમાં આવા સમય માટે અનેક ઉપાયો હોય છે જેવા કે હીટ પેચ, પીડાશામક દવાઓ, બ્લેક કોફી, યોગા અને ઉત્તમ ક્વોલિટીના પેડ પણ ઉપલબ્ધ હોય છે જે આવા સમયમાં તકલીફ ઓછી કરી શકે છે. મને પીરીયડના પ્રથમ બે દિવસ માટે શૂટ કરવામાં તકલીફ પડે છે પણ હું એવા સમયે હીટ પેચ અથવા ગરમ પાણીના શેકનો ઉપયોગ કરું છું. એમાં કોઈ શરમ નથી.  પણ બે દિવસની રજા માગવી મને વાહિયાત લાગે છે.

હીના ખાન

હીના ખાને જ મહિલા કલાકારોને પીરીયડના પ્રથમ બે દિવસ દરમ્યાન રજાના વિકલ્પની માગણી કરીને આ ચર્ચા છેડી હતી. હીનાએ જણાવ્યું હતું કે ૪૦ ડીગ્રી તાપમાનમાં પીરીયડ દરમ્યાન આઉટડોર શૂટીંગ કરવું ત્રાસદાયક હતું. પીરીયડની પીડા, મૂડમાં ફેરફાર, અસ્વસ્થતા, લો બ્લડ પ્રેશર જેવી સમસ્યા સાથે ચેસના દ્રશ્યો કરવા માટે ભર તડકામાં દોડવું અતિશય ત્રાસદાયક હતું. 


Google NewsGoogle News