કોમેડી કિંગ ગોવિંદાનું ત્રણ ફિલ્મો સાથે ધમાકેદાર કમબેક
'જવાન', 'પઠાન' અને 'સિંઘમ અગેન' જેવી એક્શન ફિલ્મોની ભરમાર વચ્ચે હિન્દી સિનેમામાંથી કોમેડી ગાયબ છે. રાજપાલ યાદવ જેવા નાના કલાકારો પાસેથી ફિલ્મમેકર્સ થોડીક કોમેડી કરાવી લે છે, પણ ફુલફ્લેજ્ડ કોમેડી ફિલ્મો પર જાણે કે ફુલસ્ટોપ મુકાઈ ગયું છે. અલબત્ત, સિનેમાપ્રેમીઓની આ ફરિયાદ દૂર થવામાં છે. કોમેડીમાં નંબર વન ગણાતો ગોવિંદા ત્રણ ફિલ્મોમાં આવી રહ્યો છે. પાંચ વરસ લાંબા બ્રેકમાંથી બહાર આવી ગોવિંદાએ એકીસાથે ત્રણ ફિલ્મો સાઈન કરી છે : 'બાયેં હાથ કા ખેલ', 'પિન્કી ડાર્લિંગ' અને 'લેન દેન : ઈટ્સ ઓલ અબાઉટ બિઝનેસ.'
તાજેતરની એક ઈવેન્ટમાં કેમેરા સામે પાછા ફરવાનો થનગનાટ દર્શાવતા ગોવિંદા કહે છે, 'મેં 'આ ગયા હીરો' (૨૦૧૯) બાદ કોઈ નવી ફિલ્મની જાહેરાત નહોતી કરી. બટ નાઉ ધ ટાઈમ ઈઝ રાઈટ, અત્યારે તો મારા નવા પ્રોજેક્ટ્સ વિશે હું માત્ર એટલું કહી શકું કે અમે આ ફિલ્મો માટે બેસ્ટ સ્ક્રીપ્ટ્સ પસંદ કરી છે.'
પહેલી ઓક્ટોબરે ૫૫ વરસનો હીરો નંબર વન દેશ-દુનિયાના મીડિયામાં ચમક્યો હતો. ગોવિંદાની ગનમાંથી અજાણતા જ ગોળી છુટતા એને પગમાં ઈજા થઈ અને હોસ્પિટલમાં ટ્રિટમેન્ટ લેવી પડી હતી. હવે તમે પૂરેપૂરા રિકવર થઈ ગયા છો કે હજુ કોઈક પ્રોબ્લેમ છે? એવી મીડિયાની પૃચ્છાના જવાબમાં વેટરન એક્ટર કહે છે, 'લોકો આ એક્સિડન્ટ પછી જાતજાતની શંકા કુશંકા કરતા હતા. હું પહેલાની જેમ ડાન્સ કરી શકીશ કે કેમ એ વિશે કેટલાંકને ડાઉટ હતો, એમની શંકા દૂર કરવા જ હું કપિલ શર્માના કોમેડી શોમાં ગયો અને એમાં ડાન્સ પણ કર્યો. શોમાં મેં હસી-મજાકમાં મારી ઈજા વિશે વાત પણ કરી. હકીકતમાં એ દિવસે (૧ ઓક્ટોબરે) હું મહાકાળીના સ્પેશિયલ દર્શન કરવા જવા કોલકત્તાની મોર્નિંગ ફ્લાઈટ પકડવાનો હતો. મારી રિવોલ્વરનું કેસ (કવર) પ્લાસ્ટિકનું હતું. કેસમાંથી અચાનક રિવોલ્વર નીકળીને જમીન પર પડી અને અકસ્માતે એમાંથી ગોળી નીકળી મારા પગમાં વાગી. હવે હું એકદમ સાજો થઈ ગયો છું એટલે જેની પણ માનતા માની છે એ બધા મંદિરના દર્શન કરવા જઈશ.' બોલીવૂડમાં છેલ્લા ઘણાં વખતથી સફળ ફિલ્મોનો સિકવલ્સનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એનો લાભ લઈ ગયા મહિને શેમારુ એન્ટરટેઇનમેન્ટે ૨૦૦૬માં આવેલી કોમેડી ફિલ્મ 'ભાગમ ભાગ'ની સિકવલ બનાવવાની એનાઉન્સમેન્ટ કરી દીધી. પ્રિયદર્શન દિગ્દર્શિત 'ભાગમ ભાગ'માં અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ રાવલની ત્રિપુટી મુખ્ય ભૂમિકામાં હતી એટલે એવું ધારી લેવાયું કે સિકવલમાં પણ તેઓ પોતાના રોલ્સને આગળ લઈ જશે. અહીંયા જ સ્ટોરીમાં ટ્વિસ્ટ આવે છે. ગોવિંદા કહે છે કે મને આ ફિલ્મની ઓફર થઈ જ નથી. 'કોઈએ મારો 'ભાગમ ભાગ-૨' માટે સંપર્ક નથી કર્યો અને નથી મારી સાથે એ બાબતમાં ચર્ચા થઈ. હકીકતમાં, ફક્ત 'ભાગમ ભાગ' જ નહિ, પરંતુ 'પાર્ટનર' જેવી બીજી મૂવીઝની સિકવલ્સમાં પણ હું કામ કરવાનો હોવાની વાતો વહેતી થઈ છે. એમાં કશું નક્કર નથી,' એવો ખુલાસો એક્ટર કરે છે.
'ભાગમ ભાગ-૨' નવ વરસમાં ફ્લોર પર જવાની ધારણાં રખાય છે. સવાલ એ છે કે ગોવિંદાને આ ફિલ્મ સાથે જોડાવાનું ગમશે કે કેમ? સવાલના જવાબમાં કોમેડી કિંગ પોતાની અમુક શરતો મુકવાના ઇરાદા સાથે કહે છે, 'મેં જાનતા હું કિ આજકલ સિકવલ્સ બહોત પોપ્યુલર હૈં, પરંતુ મને સંબંધ છે ત્યાં સુધી હું ફિલ્મની પોપ્યુલારિટી કે કોઈના સૂચનોથી દોરવાઈ જવાનું પસંદ નહિ કરું. હું કોઈ પ્રોજેક્ટ હાથમાં લઉં એ પહેલા મારે મારી પ્રાઈસથી માંડી સ્ક્રીપ્ટ અને મારા કેરેક્ટરથી લઈ ડિરેક્ટર સુધીની તમામ વિગતો જાણી લેવી પડે. બાકી, આટલા વરસો પછી આંધળુકિયા કરવાનું મને ન શોભે.'