શર્મન જોશી સાથે પહેલા નાટકમાં જ 'કૉમેડી' થઈ ગઈ
- 'ડેડી (અરવિંદ જોશી) કામને લઈને ક્યારેય કમ્ફર્ટ ઝોનમાં ન રહેતા. કામની બાબતમાં તેઓ ક્યારેય કોમ્પ્રોમાઇઝ ન કરતા. મારામાં એક્ટિંગ માટેનું ઝનૂન એમની પાસેથી આવ્યું છે.'
શ ર્મન જોશી થિયેટર કરે, ફિલ્મ કરે કે પછી વેબ શૉ કરે - બધામાં એક્ટર તરીકે એક અલગ છાપ છોડી જાય છે.શર્મન સતત કંઈક નવું કરવાનું વિચારતો રહે છે. બીજી જૂને એણે એક મેન્ટલિસ્ટ તરીકે તદ્ન નવા પપ્રકારનો લાઇવ શૉ કર્યો.
શર્મન કહે છે, 'સૌથી પહેલા હું એવો ખુલાસો કરી દઉં કે મેન્ટલિઝમ કોઈ જાદુનો શૉ નથી. મેન્ટલિસ્ટ વ્યક્તિની અંદર ચાલતા વિચારો અને સમસ્યાઓને સાયન્સની મદદથી સમજે છે અને એનો ઉપાય પણ કરે છે. મેન્ટલિસ્ટ બનવા માટે હ્યુમન સાઇકોલોજી અને બોડી લેંગ્વેજનો પધ્ધતિસર અભ્યાસ કરવો પડે છે. મેન્ટલિઝમના ફિલ્ડ ભૂપેશભાઈ દવે મારા ગુરુ અને મેન્ટોર છે. એમની પ્રેરણાથી જ હું આ ક્ષેત્રમાં આવ્યો. લગભગ છ વરસ પહેલા હું દવેજીનો શૉ જોવા ગયો હતો અને તેઓ જે રીતે માણસના વિચારોને જાણી લઈ એની સાથે ડિલ કરતા હતા એ જોઈ હું દંગ રહી ગયો પછી અમારી વચ્ચે ચર્ચા થઈ કે હું કઈ રીતે મેન્ટલિઝમનો ઉપયોગ એક્ટિંગમાં કરી શકું. ખરું પૂછો તો આ વિષયમાં મને પહેલેથી રસ હતો. કોવિડના સમયગાળામાં અમે નક્કી કર્યું હતું કે આપણે મેન્ટલિઝમનો એક શૉ ડિઝાઈન કરી એમાં પરફોર્મ કરીશું. મેં ત્રણથી ચાર વરસ એના માટે ડેડિકટ કર્યા છે.'
હવે મીડિયા સાથે જનરલ સવાલ-જવાબનો સિલસિલો શરૂ થયો. સૌથી પહેલા શર્મનને એની લાઈફની પહેલી મેજિકલ મોમેન્ટ વિશે પૂછાયું. એક્ટર પોતાના સંસ્મરણો શેર કરતા કહે છે, 'હું કૉલેજમાં હતો ત્યારે પપ્પા (જાણીતા રંગકર્મી અરવિંદ જોશી) પાસે ઈન્ટરકૉલેજિયન ડ્રામા કમ્પિટિશન માટે નાટકની એક સ્ક્રિપ્ટ માગી. સ્ક્રિપ્ટ મળ્ બાદ અમે કૉલેજમાં એના રિહર્સલ કરી ડ્રામા તૈયાર કર્યો. હું જ એનો ડિરેક્ટર હતો. 'ઉલ્ટી ગંગા' નામનું એ નાટક શરૂ થતાવેંત કમ્પિટિશન જોવા આવેલા લોકો જોરજોરથી હસવા લાગ્યા. અમને થયું કે- ઓડિયન્સ અમારી મશ્કરી કરે છે પછીથી બત્તી થઈ કે તેઓ અમારા નાટકના પ્રસંગો જોઈ ખડખડાટ હસી રહ્યા છે. એ મારી લાઇફની પહેલી મેજિકલ મોમેન્ટ હતી.'
બીજા સવાલમાં શર્મનને એના કરિયરના ટર્નિંગ પોઇન્ટ વિશે પૂછાયું. જોશીજી પાસે જવાબ હાજર હતો, 'આમ જુઓ તો મારા જીવનમાં ઘણા ટર્નિંગ પોઈન્ટ આવ્યા. મારી પહેલી જ ફિલ્મ 'ગોડમધર'ને પાંચ નેશનલ એવોર્ડ મળ્યા હતા. ડિરેક્ટર એન. ચન્દ્રાએ એ ફિલ્મ જોઈને મને 'સ્ટાઈલ' માટે સાઇન કર્યો ત્યાર બાદ 'રંગ દે બસંતી', 'ગોલમાલ' જેવી ફિલ્મો મળી. રાજુ હિરાણીને 'સ્ટાઈલ' ફિલ્મમાં મારું કામ બહુ ગમ્યું હતું અને એના આધારે જ પછીથી એમણે મને 'થ્રી ઈડિયટ્સ' માટે સિલેક્ટ કર્યો. 'થ્રી ઇડિયટ્સ' ખાસ ફિલ્મ બની રહી કારણ કે એના પછી જ મને ઇન્ડસ્ટ્રીમાં નક્કર ઓળખ મળી.'
પોતાના ફાધર અરવિંદ જોશી કે જે ગુજરાતીના ટોચના થિયેટર આર્ટિસ્ટ હતા અને સસરા પ્રેમ ચોપરા કે જે ફિલ્મોના ટોચના વિલન રહી ચૂક્યા છે, એમની પાસેથી શર્મન શું શીખ્યા? શર્મન કહે છે, 'ડેડી પોતાના કામને લઈને ક્યારેય કમ્ફર્ટ ઝોનમાં રહેવાનું પસંદ નહોતું કર્યું. પોતાના કામ માટે તેઓ કાયમ ઉત્સાહ અને આનંદમાં રહેતા. કામની બાબતમાં તેઓ ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહોતા કરતા. મારામાં એક્ટિંગ માટેનું ઝનૂન એમની પાસેથી આવ્યું. મારા દાદાજી ગુજરી ગયા ત્યારે ડેડી એમના અંતિમસંસ્કાર કરીને તરત નાટકનો શૉ કરવા પહોંચી ગયા હતા. શૉ મસ્ટ ગો ઓન. સસરા પ્રેમ ચોપરા પાસેથી મને વિનમ્રતાનો પાઠ મળ્યો. ઇન્ડસ્ટ્રીમાં ૪૦ વરસ કામ કર્યા પછી પણ એમની વિનમ્રતા જેમની તેમ છે. તેઓ આજે પણ જમીન સાથે જોડાયેલા છે.'