ચિરાગ પાસવાન: તે અભિનય નહીં, અકસ્માત હતો
- 'ફિલ્મમાં સાથે કામ કરતી વખતે હું અને કંગના ખરેખર સારાં મિત્રો બની ગયાં હતાં. હું સંસદમાં એને મળવા માટે ખૂબ ઉત્સુક હતો. છેલ્લાં ત્રણ વર્ષથી હું એટલો વ્યસ્ત હતો કે મેં તેની સાથેનો સંપર્ક જ ગુમાવી દીધો હતો.'
ચિરાગ પાસવાને તાજેતરમાં જ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના પ્રધાન તરીકે શપથ લીધા, પણ તેઓ લાઈમલાઈટમાં તો ઘણા લાંબા સમયથી છે. તેઓ ભૂતપૂર્વ અભિનેતા પણ છે, જેની જાણ ઘણા ઓછાને હશે. તેઓ રામવિલાસ પાસવાનના પુત્ર છે અને મુંબઈમાં અભિનેતા તરીકે તેમની ફિલ્મનું મુહૂર્ત થયું ત્યારે તેમના પિતા પણ એ પ્રસંગે ખાસ હાજર હતા. ચિરાગ પાસવાને તો અભિનેત્રી-રાજકારણી કંગના રનૌત સાથે ફિલ્મ 'મિલે ના મિલે હમ' (૨૦૨૧)માં કામ કર્યું હતું. જોકે હવે ચિરાગ પાસવાનને બ્રહ્મજ્ઞાન લાદ્યું છે કે તેમનો એક્ટિંગનો પ્રયાસ એક મોટી 'આપતિ' હતી, હોનારત હતી. આ સાથે ચિરાગ પાસવાન સ્વીકારે છે કે 'બોલિવુડ મારા માટે ક્યારેય હતું જ નહીં.'
આ વાતને આગળ વધારતા ચિરાગ કહે છે, 'બેશક, તે એક અલગ સમય હતો. હું કહી શકતો નથી કે તે અભિનય કરવો મુશ્કેલ હતું કે સરળ. મારા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ ક્યારેય બોલિવુડનો ભાગ નથી રહ્યો. ફિલ્મી રીતે હું કહી શકું છું કે 'મેરી સાત પુશ્તાંે કા ફિલ્મ સે કોઈ નાતા નહીં. હા, હું પહેલો હતો જેણે તેમાં સાહસ કરવાનો પ્રયાસ કર્યો હતો,' એવું તેણે એક પત્રકારના એએનઆઈ પોડકાસ્ટમાં જણાવ્યું હતું. આ સાથે જ પાસવાને ઉમેર્યું હતું, 'ખૂબ જ ટૂંક સમયમાં મને સમજાયું કે તે મારું આ લાઇનમાં આવવું એક દુર્ઘટના સમાન હતું! પહેલાં મને સમજાયું ને પછી જેણે જેણે મારી ફિલ્મ તે સૌને સમજાઈ ગયું કે અભિનય કળા સાથે મારે કશી લેવાદેવા નથી. મારા માટે આ લાઇન છે જ નહીં.'
આ સાથે જ ૪૧ વર્ષના આ ભૂતપૂર્વ અભિનેતાએ ઉમેર્યું હતું કે અભિનેતા અને સાથી-સાંસદ કંગના રનૌત સાથેની મિત્રતા તેના બોલિવુડના કાર્યકાળની 'એકમાત્ર સારી બાબત' હતી. 'અમે ખરેખર સારા મિત્રો બની ગયાં હતાં. તેથી હું સંસદમાં કંગનાને મળવા માટે ખરેખર ખૂબ ઉત્સુક હતો. આનું કારણ એ પણ છે કે છેલ્લાં ત્રણ વર્ષથી હું એટલો વ્યસ્ત હતો કે મેં તેની સાથેનો સંપર્ક જ ગુમાવી દીધો હતો.'
ચિરાગ પાસવાન અને કંગના રનૌતનો એક ફોટો વાઇરલ થયો ત્યારે તાજેતરમાં જ તે હેડલાઈન્સ બન્યો હતો. બંને તાજેતરમાં સંસદ બહાર તેઓ એકબીજાને ઉષ્માભેર મળ્યા હતા તેનો ફોટો પણ તાજેતરમાં વાઇરલ થયો હતો. તે વેળા પાસવાનને સવાલ પૂછાયો કે સાંસદ તરીકે કંગના રનૌત શો બદલાવ લાવી શકે છે તો પાસવાને કહ્યું, 'એક વાત તો હું સારી રીતે જાણું છું કે મોટે ભાગે કંગનાની વાતો પોલિટિકલી ઇનકરેક્ટ હોય છે, પણ આ એની તાકાત છે.... તે જાણે છે કે શું બોલવાનું છે, ક્યારે બોલવાનું છે. અબ વો સહી હો યા ગલત... વો ડિબેટેબલ હો સકતા હૈ...'