મહાકુંભમાં સેલિબ્રિટીઓની આસ્થાની ડૂબકી
અનુપમ ખેરે ત્રિવેણી સંગમ ખાતે પૂરેપૂરી શ્રદ્ધા સાથે સ્નાન કર્યું હતું. સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરીને આ ૬૯ વર્ષીય અભિનેતાએ લખ્યું કે, 'મહાકુંભમાં સ્નાન કરીને જીવન સફળ થઈ ગયું. મેં પહેલી વખત આ સ્થાન પર આવીને મંત્રોચ્ચાર કર્યાં છે.'
હાલ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં દેશના સાધુ-સંતો અને સામાન્ય લોકો ઉપરાંત મનોરંજન જગતની સેલિબ્રિટીઓ પણ ત્રિવેણી સંગમ પર આસ્થાની ડૂબકી મારી રહી છે. કઈ કઈ હસ્તીઓએ મહાકુંભ ખાતે સ્નાન કર્યું? આવો જાણીએ.
રેમો ડિ'સોઝા : કોરિયોગ્રાફર અને ફિલ્મ સર્જક રેમો ડિ'સોઝાએ પત્ની અને ફિલ્મ સર્જક લિઝેલે ડિ'સોઝા સાથે કુંભમેળામાં જઈને ત્રિવેણી સંગમ ખાતે આસ્થાની ડૂબકી લગાવી હતી. રેમોએ સોશ્યલ મીડિયા પર મૂકેલી ક્લિપમાં તે ધ્યાનસ્થ મુદ્રામાં નાવમાં સવાર હોવાનું દેખાઈ રહ્યું હતું.
શંકર મહાદેવન : ગાયક-સંગીતકાર શંકર મહાદેવને એક નહીં, બબ્બે વખત મહાકુંભ ખાતે પરફોર્મ કર્યું છે. પહેલી વખત ૧૬મી જાન્યુઆરીએ થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમના ઉદ્ઘાટન દરમિયાન અને બીજી વખત ૨૮મી જાન્યુઆરીએ.
હેમા માલિની : પીઢ અભિનેત્રી અને રાજકીય નેતા હેમા માલિનીએ ૨૮મી જાન્યુઆરીએ કુંભ મેળાની મુલાકાત લીધી હતી. અદાકારા-નૃત્યાંગનાએ કહ્યું હતું કે અગાઉ ક્યારેય મેં આવી અનુભૂતિ નથી કરી.
કબીર ખાન : ફિલ્મ સર્જક કબિર ખાને પણ મહાકુંભની મુલાકાત લીધી હતી. ૫૬ વર્ષીય કબિર ખાને કહ્યું હતું કે આ આસ્થા હિન્દુ કે મુસ્લિમની નથી, બલ્કે ભારતીયોની છે. આ આપણી મૂળભૂત નાગરિકતા સાથે સંકળાયેલી છે. જો તમને એમ લાગતું હોય કે તમે ભારતીય છો તો તમારે આવી દરેક બાબતની અનુભૂતિ કરવી જોઈએ.
સુનીલ ગ્રોવર : ૪૭ વર્ષીય અભિનેતા-કોમેડિયને કહ્યું હતું કે મહાકુંભમાં સ્નાન કરીને હું પૂર્ણતા અનુભવી રહ્યો છું. મને અહીં સુધી પહોંચવામાં જે લોકોએ મદદ કરી એ બધાનો હું આભારી છું.
અનુપમ ખેર : પીઢ અભિનેતા અનુપમ ખેરે ૨૩મી જાન્યુઆરીએ ત્રિવેણી સંગમ ખાતે શ્રધ્ધા સાથે સ્નાન કરતાં કરતાં મંત્રોચ્ચાર કર્યાં હતાં. ઈન્સ્ટાગ્રામ પર મૂકેલા પોતાના આ ફોટા સાથે ૬૯ વર્ષીય અભિનેતાએ લખ્યું હતું કે 'મહાકુંભમાં સ્નાન કરીને જીવન સફળ થઈ ગયું. પહેલી વખત આ સ્થાન પર આવીને મંત્રોચ્ચાર કર્યાં.'
ગુરુ રંધાવા : ગાયક ગુરુ રંધાવાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની મહાકુંભમાં સ્નાન કરતી તસવીર મૂકીને લખ્યું હતું કે 'પ્રયાગરાજ ખાતે ગંગાસ્નાન કરીને હું ધન્ય થઈ ગયો. અહીં શ્રધ્ધા અને અધ્યાત્મ હાથમાં હાથ પરોવીને ચાલે છે. હું મા ગંગાના આશિર્વાદ સાથે મારી નવી યાત્રા શરૂ કરી રહ્યો છું. હર હર ગંગે.'
અદા શર્મા : અભિનેત્રી અદા શર્માએ પહેલી વખત કુંભ મેળાની મુલાકાત લીધી હતી અને એક કાર્યક્રમ દરમિયાન મંચ પર શિવ તાંડવ સ્રોત ગાઈ સંભળાવ્યું હતું. અદાકારાએ કહ્યું હતું કે મહાકુંભ ખાતે લાખો લોકો એકઠા થયા હતાં. મહાદેવ સાથેની મારી આસ્થાની અનુભૂતિનું વર્ણન કરવું અઘરું છે. હું તે શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી.
મિલિન્દ ઉષા સોમણ : ૫૯ વર્ષીય અભિનેતા-મોડેલે ૨૮મી જાન્યુઆરીએ સંગમ સ્થાને સ્નાન કર્યાની સંખ્યાબંધ તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેણે આ તસવીરો સાથે લખ્યું હતું કે મેં મારી પત્ની કોનવાર સાથે અહીં આસ્થાની ડૂબકી લગાવી. અધ્યાત્મથી છલકાતી આ પાવન ગંગા મને જાણે કે કહી રહી છે કે હું કેટલો વામણો છું. પૃથ્વી પર આપણે શ્વસી રહ્યાં છીએ એ પ્રત્યેક ક્ષણ ઈશ્વરની કૃપાને આભારી છે.
પૂનમ પાંડે : હમેશાં નકારાત્મક કારણોસર ચર્ચામાં રહેતી અભિનેત્રી-મોડેલ પૂનમ પાંડેએ પણ ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી. કાળા રંગના 'મહાકાલ' અને 'ઓમ' લખેલા ટોપમાં સ્નાન કરતી હોવાની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં ૩૩ વર્ષીય પૂનમે લખ્યું હતું કે અહીં આવીને મેં ધન્યતા અનુભવી છે. આ પવિત્ર સ્થાન પર ૭૦ વર્ષીય વૃધ્ધો પણ ઉઘાડા પગે ચાલે છે, કલાકો સુધી. અહીં શ્રધ્ધાને કોઈ મર્યાદા નથી.