પરિણીતી ચોપડાના હાથમાંથી 'કબીર સિંહ' અને 'એનિમલ' બન્ને ફિલ્મો જતી રહી
- સંદીપ રેડ્ડી વાંગાની બન્ને હિન્દી ફિલ્મોમાં હિરોઈન તરીકે પરિણીતીની વરણી થઈ હતી, પણ પછી 'કબીર સિંહ'માં કિઆરા અડવાણી ગોઠવાઈ ગઈ અને 'એનિમલ'માં રશ્મિકા મંદાના.
- પરિણીતીએ તેના સુખી લગ્નજીવનનું રહસ્ય ખોલ્યું
પ રિણીતી ચોપડા ખરેખર બુંદિયાળ હિરોઈન છે. 'એનિમલ' જેવી સુપરડુપર ફિલ્મમાં રણબીર કપૂરની પત્નીનો રોલ મૂળ પરિણીતી ચોપડા કરવાની હતી. 'એનિમલ'ના મેકર સંદીપ રેડ્ડી વાંગાને પરિણીતી સાથે કામ કરવાની ખૂબ હોંશ હતી. બન્ને વચ્ચે પ્રાથમિક વાત પણ થઈ ચૂકી હતી... પણ ફિલ્મ લખાતી ગઈ અને પ્રોજેક્ટ આગળ વધતો ગયો તેમ તેમ ચિત્ર બદલાતું ગયું. સંદીપને લાગ્યું કે હિરોઈન તરીકે પરિણીતી કરતાં રશ્મિકા મંદાના વધારે સ્યુટેબલ લાગશે. એમણે પરિણીતને કહી દીધુંઃ સોરી, મેડમ. આપણે 'એનિમલ'માં નહીં, પણ ભવિષ્યમાં બીજી કોઈ ફિલ્મમાં સાથે કામ કરીશું. પરિણીતી પાસે વાત માની જવા સિવાય બીજો ક્યાં કોઈ વિકલ્પ હોવાનો? લાગલગાટ ફ્લોપ ફિલ્મો આપવાને કારણે પરિણીતીની કરીઅર ઠંડી પડી ગઈ છે. એને 'એનિમલ'માંથી એની બાદબાકી કરી નાખવાનું આ એક કમર્શિયલ કારણ હોઈ શકે.
ના, વાત આટલી જ નથી. સંદીપ રેડ્ડી વાંગાની પહેલી સુપરહિટ હિન્દી ફિલ્મ 'કબીર સિંહ'ની ફર્સ્ટ ચોઈસ પણ પરિણીતી જ હતી. તે વખતે ય કોણ જાણે શું વિઘ્ન આવી ગયું ને એ રોલ કિઆરા અડવાણીને મળ્યો. ફિલ્મ સુપરહિટ થઈ. કિઆરાની લાઇફ બની ગઈ. સંદીપ રેડ્ડી વાંગાની બન્ને હિંદી ફિલ્મો માટે પરિણીતીની નૈયા સાવ કિનારે આવીને ડૂબી ગઈ એ કેવા કમનસીબ.
ખેર, આ તો થઈ એના પ્રોફેશનલ લાઈફની વાત. બાકી પર્સનલ લાઇફમાં તો પરિણીતી મોજમાં છે. આમ આદમી પાર્ટીના તેજતર્રાર રાજકારણી રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરીને એ ઠરીઠામ થઈ ગઈ છે. સપ્ટેમ્બરમાં રાઘવ સાથે લગ્ન કર્યા બાદ તેને જ્યારે પૂછવામાં આવ્યું કે ભવિષ્યમાં તું રાજકારણમાં જોડાઇશ ખરી? ત્યારે પરિણીતીએ મોં ઠાવકું કરી જણાવ્યું હતું કે, 'હું તમને અમારા સુખી અને સફળ લગ્નજીવનનું રહસ્ય કહું? રાઘવને બોલિવુડમાં કશી સમજણ પડતી નથી અને મને રાજકારણ વિશે કશી ગતાગમ પડતી નથી! મને નથી લાગતું કે હું ક્યારેય રાજકારણમાં પડીશ.'
રાઘવ અને પરિણીતી બંને જાહેર જીવનમાં કામ કરે છે. પરિણીતી કહે છે, 'અમે બંને પબ્લિક ફિગર હોવા છતાં અંદાજ નહોતો કે લોકો અમને આટલો બધો પ્રેમ કરે છે. અમને આખા દેશમાથી વહાલ મળી રહ્યું છે. મને લાગે છે કે જો તમે યોગ્ય વ્યક્તિ સાથે હો તો પરિણીત જીવન એ એક મોટો આશિર્વાદ બની રહે છે.'
પરિણીતી હવે 'ચમકીલા' નામની ફિલ્મમાં દિલજીત દોસાંજ સાથે દેખાવાની છે. આ ભૂમિકા માટે તેણે પંદર કિલો વજન વધાર્યું હતું, પણ હવે તે ફરી નિયમિત જીમમાં પરસેવો પાડીને પૂર્વવત બની રહી છે. પરિણીતી કહે છે, 'જીવનમાં સંતુલન જાળવવું એ મહત્વની બાબત છે. લોકો ગર્વપૂર્વક કહેતા હોય છે કે તેઓ કામમાં એટલા વ્યસ્ત રહે છે કે તેઓ ખાવા અને ઉંઘવાનું પણ ભૂલી જાય છે. મારા મતે આ જીવન જીવવાની યોગ્ય રીત નથી. હું આકરી મહેનત કરવામાં માનું છું તેમ મારા મિત્રોને મળવામાં અને રજા માણવા જવામાં પણ માનું છું. હું ૮૫ વર્ષની થઇ જાઉંૅ અને પાછી વળીને જોઉં ત્યારે મને સંતોષ થવો જોઇએ કે મે મારું જીવન સંતોષકારક રીતે જીવ્યું છે.'
ઓલ ધ બેસ્ટ, પરી.