બોમન ઈરાનીને નથી બનવું 'સહારાશ્રી'
- 'હું દિગ્દર્શન ક્ષેત્રે શુભારંભ કરવા માગું છું, તેથી મારું સઘળું ધ્યાન તેમાં જ કેન્દ્રિત કરવા ઇચ્છું છું. આ ફિલ્મનું નિર્માણ, લેખન પણ હું જ કરી રહ્યો છું અને તેમાં અભિનય પણ કરવાનો છું. '
તાજેતરમાં એવી વાતો વહેતી થઈ હતી કે બોમન ઈરાની સહારાશ્રી, એટલે કે સુબ્રતો રૉયની બાયોપિક કરવાના છે. પરંતુ 'મુન્નાભાઈ એમબીબીએસ' અને 'થ્રી ઈડિયટ્સ' જેવી ફિલ્મોથી જાણીતા બનેલા ૬૪ વર્ષીય બોમન ઈરાનીએ આ વાત સદંતર ખોટી હોવાનું કહ્યું હતું. પીઢ અભિનેતાએ કહ્યું હતું કે મને આવી કોઈ ઑફર નથી આવી. મને તો તેના વિશે કશી જાણ પણ નથી. અને હું આ અથવા અન્ય કોઈ ફિલ્મમાં હમણાં કામ પણ કરવા નથી માગતો. ખરેખર તો હું દિગ્દર્શન ક્ષેત્રે શુભારંભ કરવા માગું છું તેથી મારું સઘળું ધ્યાન તેમાં જ કેન્દ્રિત કરવા ઇચ્છું છું. બોમને વધુમાં કહ્યું હતું કે આ ફિલ્મનું નિર્માણ, લેખન પણ હું જ કરી રહ્યો છું અને તેમાં અભિનય પણ કરવાનો છું. પરિણામે હું અતિવ્યસ્ત રહેવાનો છું. હું નથી ઇચ્છતો કે મારું ધ્યાન અન્યત્ર વળે તેથી મેં બીજી કોઈ મૂવી ન સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. જોકે અભિનેતાએ પોતાની આ ફિલ્મ વિશે મગનું નામ મરી નહોતું પાડયું. તેમણે કહ્યું હતું કે હજી સુધી મેં મારી આ મૂવી વિશે અધિકૃત રીતે જાહેરાત નથી કરી તેથી હાલના તબક્કે હું તેના વિશે વધુ કાંઈ કહી શકું તેમ નથી.
હમણાં હમણાં બોમન ઈરાનીના ઘરમાં ફક્ત ફિલ્મ સર્જન વિશેની ચર્ચાઓ જ થાય છે. આનું કારણ જણાવતાં બોમન કહે છે કે મારો પુત્ર કાયઝ પણ તેના દિગ્દર્શનમાં બનનારી સૌપ્રથમ ફિલ્મની તૈયારીમાં પડયો છે. તેવી જ રીતે મારો બીજો દીકરો દાનેશ નિર્માણના અન્ય કામોમાં વ્યસ્ત છે. સ્વાભાવિક રીતે જ અમે ઘરમાં ભેગા થઈએ ત્યારે માત્ર ફિલ્મ સર્જન વિશેની વાતો જ થાય છે. અમે બધા એકબીજાની આ વિષયે સલાહ લઈએ છીએ અને આઈડિયા આપીએ પણ છીએ.
તાજેતરમાં જ બોમને દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના જન્મ દિવસ પરિવારજનો અને મિત્રો સાથે ઉજવ્યો હતો. જોકે આ વખતે તેની બર્થ-ડે પાર્ટીમાં ૩૦થી ૪૦ મહેમાન વધુ હતા. આનું કારણ જણાવતાં બોમને કહ્યું હતું કે આ વર્ષે મારું મિત્રવર્તુળ વિસ્તર્યું છે. આ વર્ષ બોમન ઈરાની માટે એટલા માટે પણ ખાસ છે કે તેની સર્વાધિક લોકપ્રિય ફિલ્મ 'મુન્નાભાઈ' રજૂ થયાને ૨૦ વર્ષ થયાં. આ ફિલ્મે જ બોમનને બેહદ લોકપ્રિયતા અપાવી હતી. અભિનેતા તત્કાલીન સમય સંભારતા કહે છે કે જ્યારે મને આ ફિલ્મની કહાણી પહેલી વખત સંભળાવવામાં આવી ત્યારે મને કાંઈ ગતાગમ નહોતી પડી. પણ હું રાજુ હીરાણીને મળ્યો ત્યારે તેમણે મને સમજાવ્યું હતું કે ફિલ્મમાં ગુંડાઓ ડૉક્ટર બનવા માગે છે. જોકે તે વખતે પણ મને નવાઈ જ લાગ્યા કરતી હતી કે તેઓ આ ફિલ્મ કેવી રીતે બનાવશે. પરંતુ તેમણે મને સઘળું વિસ્તારપૂર્વક સમજાવ્યું ત્યારે હું આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો હતો. અને આ મૂવીએ જ મને દર્શકોના દિલમાં અનોખું સ્થાન અપાવ્યું છે.