બમન ઇરાની અને રાજકુમાર હિરાણી આ જોડી ખરેખર જબરદસ્ત છે!

Updated: May 16th, 2024


Google NewsGoogle News
બમન ઇરાની અને રાજકુમાર હિરાણી આ જોડી ખરેખર જબરદસ્ત છે! 1 - image


- 'ધ મહેતા બોય્ઝ' સાથે એક્ટર બમન ઇરાની હવે લેખક-દિગ્દર્શક બન્યા છે

૨ ૦૦૩માં આવેલી 'મુન્નાભાઇ એમબીબીએસ'થી માંડી ૨૦૨૩માં આવેલી 'ડન્કી' સુધીની બે દાયકાની સફરમાં રાજકુમાર હિરાણી અને બમન ઇરાની માટે 'થ્રી ઇડિયટ્સ' મહત્વનો પડાવ હતો. સફળ દિગ્દર્શક રાજકુમાર હિરાણી અને એક્ટર બમન ઇરાનીની જોડીએ આ ફિલ્મમાં અનોખો રંગ જમાવ્યો હતો. આ ફિલ્મ સાથે તેમના અંગત સંભારણાં પણ સંકળાયેલાં છે. 

તાજેતરમાં કોલકાતામાં એક સમારોહમાં રાજકુમાર હિરાણી અને બમન ઇરાનીએ એક સ્ટેજ પરથી દર્શકોને મોજ કરાવી હતી. આ સમારોહમાં હિરાણીએ 'થ્રી ઇડિયટ્સ'ના સંભારણાં વાગોળતાં જણાવ્યું હતું કે, 'ફિલ્મમાં ઘણી બાબતો એવી હતી જે મારા અંગત જીવનમાં પણ ઘટી હતી. હું એન્જિનિયર બનવા માંગતો હતો પણ મારા કાકાએ સલાહ આપી એટલે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા નીકળી પડયો હતો. 'થ્રી ઇડિયટ્સ'માં એક સીન છે. જેમાં આર. માધવન તેના પિતા પરિક્ષિત સહાનીને કહે છે કે તે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર બનવા માંગે છે. આ સીન મારી જિંદગીમાં પણ ભજવાયો હતો. મેં ખૂબ હિંમત એકઠી કરીને મારા પિતાને કહી દીધું હતું કે સીએ એ મારી લાઇન નથી. એ પછી તેમણે મને તેમની સાથે જોડાવા માટે જણાવ્યું હતું. તમે નહીં માનો, પણ મને આ કહ્યા બાદ મને જે આનંદ અને રાહત અનુભવાયા હતા તે અભૂતપૂર્વ હતા. એ પછી મેં મારા પિતા સાથે દિવસે કામ કરવાનું શરૂ કર્યું અને સાંજે હું નાટકો ભજવવા માટે જતો હતો.' 

રાજકુમાર હિરાણીએ હળવાશથી દર્શકોને તેમના જીવનની વાતો જણાવતાં ઉમેર્યું હતું, 'હું રમુજી ફિલ્મો બનાવું છું પણ ઘરે મારું જીવન એક્શન અને ડ્રામાથી ભરપૂર હોય છે. મારી પત્ની પાઇલટ છે. જ્યારે બધા તેને પાઇલટની નોકરી છોડી દેવાની સલાહ આપે ત્યારે તે તેમને કહી દે છે કે હું પતિને છોડી શકું પણ વિમાન ઉડાવવાની મોજને  છોડી શકું નહીં.'   

જ્યારે બમન ઇરાનીને તેમના રાજકુમાર હિરાણી સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે  ઠાવકું મોં રાખી પારસી અભિનેતાએ જણાવ્યું હતું કે, 'અમે પહેલાં દિવસે મળ્યા ત્યારે જેવા હતા તેવા જ આજે પણ છીએ. અમને એકબીજા સાથે કામ કરવાનું ફાવે છે. આટલાં વર્ષોથી અમે એકબીજાને સારી રીતે સહી લઇએ છીએ. એ વખતે પણ મને જોક કરવાની પરવાનગી નહોતી અને આજે હજી પણ મને જોક કરવા દેવાતી નથી!'  

બમન ઇરાનીએ પોતાની અંગત વાત દર્શકો સાથે શેર કરતાં જણાવ્યું હતું કે, 'મારી માતાની લગની અને મહેનતને કારણે મને આ એક્ટિંગ અને પ્રસિદ્ધિ મળ્યા છે. ભણવા માટે મારે ખૂબ  સંઘર્ષ કરવો પડતો હતો. મને બોલવાની સમસ્યા હોઇ હું જ્વલ્લેજ મોં ખોલતો હતો. પણ જ્યારે હું મંચ પર હોઉં ત્યારે મારો આત્મવિશ્વાસ વધી જતો હતો. મારી માતાને આ ખબર પડી ગઇ હતી.' 

માતાની દીર્ઘદૃષ્ટિનો પરિચય આપતો એક કિસ્સો બમને દર્શકોને જણાવતાં કહ્યું, 'એકવાર અમારી દુકાને એક ગ્રાહક આવ્યો. તે જાણવા માંગતો હતો કે નજીકના સિનેમાગૃહમાં કઇ ફિલ્મ ચાલે છે. મારી માતાએ મને તે માણસને સિનેમાગૃહમાં લઇ જવા જણાવ્યું. આ માણસ જોઇ શકતો નહોતો એટલે માએ મને કહેલું કે જ્યારે ફિલ્મ રજૂ થાય ત્યારે તું એને સ્ટોરી કહેતો જજે. એક બાળક તરીકે મને એ વખતે જે આત્મવિશ્વાસ અનુભવાયો હતો તે અભૂતપૂર્વ હતો.' 

આ આત્મવિશ્વાસના જોરે અભિનેતા બમન ઇરાની હવે 'ધ મહેતા બોયઝ' નામની ફિલ્મ બનાવી લેખક અને દિગ્દર્શક પણ બન્યા છે. આ ફિલ્મ કેવી રીતે બની તેની કથા પણ રોમાંચક છે.એમેઝોન પ્રાઇમ વિડિયો પર આ ફિલ્મનું ટીઝર રિલિઝ કરવામાં આવ્યું તે પ્રસંગે બમને જણાવ્યું હતું કે, 'વર્ષો અગાઉ આ ફિલ્મનો વન-લાઇન આઇડિયા એ સમયે પ્રોડકશનમાં કામ કરતી એક યુવતી સમક્ષ વર્ણવ્યો હતો. એક પિતા અને પુત્ર છે જેમને એકમેક સાથે ઉભાં રહે પણ બનતું નથી, પણ તેમને ૪૮ કલાક સાથે જ ગાળવા પડે તેવી  પરિસ્થિતિ સર્જાય છે અને તેમાં જે બને છે તે આ ફિલ્મ.  તેને આ આઇડિયા એટલો બધો ગમી ગયો હતો કે તેણે મને જણાવેલું કે હું જ્યારે પણ આ ફિલ્મ બનાવું ત્યારે તેને આ ફિલ્મ સાથે કોઇપણ રીતે જોડાવું ગમશે. એ પછી તો ઘણાં વર્ષ વીતી ગયા અને હવે આ ફિલ્મ બની પણ ગઇ છે. એ યુવતી એટલે આજે પ્રાઇમ વિડિયોની ઇન્ડિયા અને સાઉથ એશિયા હેડ અપર્ણા પુરોહિત.' 

આવી જ રીતે આ ફિલ્મની પટકથા કેવી રીતે વિકસી તેની કથા પણ રસપ્રદ છે. બમન ઇરાની કહે છે, 'આ ફિલ્મ બનાવી ત્યારે મને સમજાયું કે ફિલ્મની પટકથા લખવાનું અને તેને દિગ્દર્શિત કરવાનું કામ કેટલું અઘરૃં છે. બમને આ ફિલ્મની પટકથા કેવી રીતે લખાઇ તેની વાત કરતાં એક ફિલ્મોત્સવમાં જણાવ્યું હતું કે હું આ ફિલ્મની પટકથા વિકસાવવા માટે ન્યુયોર્કમાં થોડાં લેખકોને મળ્યો હતો. તેમાં એક લેખક એવો હતો જેના નામે કોઇ ફિલ્મ બોલતી નહોતી. મને તેનામાં રસ પડયો અને મેં તેને મારી ફિલ્મની કથા સંભળાવી. તેણે પેપર નેપકિન કાઢી તેના પર એક લીટી દોરી પૂછ્યુ, આમાં બધું ખતમ થઇ ગયું એ ક્ષણ ક્યાં છે? મેં કહ્યું કે જ્યારે તેમની વચ્ચે મોટો ઝઘડો થાય છે તે. તેણે કહ્યું કે, તે આ બધું ખતમ થઇ ગયું વાળી ક્ષણ નથી. આ તો એક સામાન્ય મોટો ઝઘડો છે. આમ, તમારે તેમને પહેલાં ત્યાં લઇ જવા પડશે જ્યાંથી ખટરાગની શરૂઆત થઇ. મને આમ પટકથા વિકસાવવાની ચાવી મળી ગઇ.  પછી તો હું મુંબઇ આવ્યો અને તે લેખકને મારી સાથે ફિલ્મ લખવા જણાવ્યું. તેણે જણાવ્યું,આમ તો મારા નામે કોઇ ફિલ્મ બોલતી નથી પણ મેં હમણાં જ એક ફિલ્મ લખી છે, પણ એ આર્ટ હાઉસ ફિલ્મ છે જે આવીને જતી પણ રહેશે એટલે તેની ચિંતા કરવાની જરૂર નથી. તેણે કહેલું કે પણ મને તમારી સ્ટોરી ગમી છે. અને તેમની આંખો ઉભરાઇ આવી હતી, કારણ કે  તે તેમના  અને તેમના પિતાના સંબંધોેને પણ સ્પર્શતી કથા હતી. મારા પ્રોજેક્ટમાં નિર્માતા નક્કી હતો પણ તેને કોઇ અનુભવ વિનાના લેખકને લેવાનું રૂચતું નહોતું. પણ મંજ નિર્માતાને પડતો મુક્યો પણ લેખકને જાળવી રાખ્યો. આ લેખકે જે ફિલ્મ આવશે અને જતી રહેશે તેમ જણાવ્યું હતું તે ફિલ્મને ઓસ્કર એવોર્ડ મળ્યો. અને મેં મારી જાતને કહ્યું, હવે આ લેખક  ગયો. મેં મારો એક મિત્ર ગુમાવ્યો. આ પટકથા લેખક એટલે એલેકઝાન્ડર ડિનેલારિસ. જેમને ૨૦૧૪ની સાલમાં  બર્ડમેન ફિલ્મ માટે દિગ્દર્શક એલેજાન્દ્રો ઇનારિતુ, નિકોલા જીઆકોબોન અને અમાન્ડો બો સાથે ઓરિજિનલ સ્ક્રીનપ્લે માટે ઓસ્કર એવોર્ડ મળ્યો. એ પછી બમન ઇરાની ફરી ન્યુ યોર્ક ગયા અને ડિનેલારિસને મળ્યા અને તેમણે 'ધ મહેતા બોયઝ'ની પટકથા વિકસાવી.' 

આઠ વર્ષે ફિલ્મ લખાઇ રહી. હવે બમન ઇરાની, અવિનાશ તિવારી અને શ્રેયા ચૌધરી અભિનિત ફિલ્મ હવે રિલિઝ માટે તૈયાર છે. 

ઓલ ધ બેસ્ટ, બમન.   


Google NewsGoogle News