બોલ્ડ એન્ડ બ્યુટીફુલ તમન્ના ભાટિયાને હવે કોઈ વાતનો છોછ નથી
- 'જેમ જેમ મારી વય વધતી ગઈ તેમ તેમ મને લાગવા માંડયું કે એક કલાકાર તરીકે મારી જાતને ચોક્કસ સીમાડામાં બાંધીને ન રાખી શકું. જો મને વિવિધ પ્રકારનાં પાત્રો ઓફર થતાં હોય તો મારે તે સ્વીકારવાં જોઈએ.'
દરેક કલાકારની કારકિર્દીમાં એવો તબક્કો ચોક્કસ આવે છે જ્યારે તે કમ્ફર્ટ ઝોનની પરવા કર્યા વિના પોતાના કામની પાછળ તન-મનથી લાગી જાય. ચાહે તે કામ વધારે પરિશ્રમ માગીલે એવું હોય કે પછી જુદાં જુદાં માધ્યમો વચ્ચે દોડાવનારું હોય. વર્ષ ૨૦૨૩ તમન્ના ભાટિયા માટે અલગ અલગ માધ્યમો વચ્ચે દોડનારું બની રહ્યું. એક તરફ તેની ફિલ્મ 'જેલર' ના ગીત 'કાવાલા...'એ ધૂમ મચાવી હતી ત્યાં બીજી તરફ, તેણે ઓટીટી માટે 'લસ્ટ સ્ટોરીઝ-૨' અને 'જી કરદા'માંબોલ્ડ ભૂમિકાઓ કરી. ગયા વર્ષે જ તેણે દક્ષિણ ભારતીય ફિલ્મોદ્યોગમાં 'ભોલા શંકર ' અને 'બાન્દ્રા' જેવી એક્શન મૂવીઝ પણ આપી.
તમન્ના આટલું વૈવિધ્યસભર કામ કરીને બહુ ખુશ છે. તે કહે છે કે ૨૦૨૩ની સાલમાં મેં મારી કારકિર્દીના મહત્ત્વના નિર્ણયો લીધાં. મને એવું કામ કરવા મળ્યું જેવું હું કરવા માગતી હતી. અભિનેત્રી વધુમાં કહે છે કે 'જેલર'નું મારું ગીત સંપૂર્ણપણે કમર્શિયલ હતું, જ્યારે મેં 'જી કરદા', 'આખરી સચ' અને 'લસ્ટ સ્ટોરીઝ-૨'માં જે કામ કર્યું તે આ ગીત કરતાં તદ્ન વિરોધાભાસી હતું. ટૂંકમાં, મારી દરેક ફિલ્મ કે વેબ કોન્ટેન્ટ એકમેક કરતાં બિલકુલ વેગળાં હતાં. એકસાથે જુદાં જુદાં પ્રકારના પ્રોજેક્ટ કરવાની મારી ઈચ્છા બર આવી.
અદાકારા કહે છે, 'વર્ષ ૨૦૨૨માં ફિલ્મ 'બબલી બાઉન્સર'થી વેગળા પ્રકારની ભૂમિકાઓ લેવાનો આરંભ કરી દીધો હતો. હું સારી રીતે જાણતી હતી કે લોકો મને જોઈ રહ્યા છે. મારા પ્રત્યેની ધારણા જુદાં પ્રકારની હતી.'
તમન્નાએ અગાઉ ક્યારેય પડદા પર કામોત્તેજક કે ચુંબન દ્રશ્યો નહોતા આપ્યાં. પરંતુ ગયા વર્ષે તેણે આવા સીન આપવા પડે એવી વેબ સિરીઝ કરી તેથી તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવી હતી. જોકે કેટલાંક લોકોએ તેની પ્રશંસા પણ કરી હતી. અદાકારાને ટ્રોલરોની વાતનું જરાય ખોટું નથી લાગ્યું. તે કહે છે કે દર્શકોએ મને હંમેશાથી ચોક્કસ પ્રકારના પાત્રોમાં જોઈ હતી. આવી સ્થિતિમાં એકાએક મારું બદલાયેલું સ્વરૂપ તેઓ ન સ્વીકારી શકે એ સ્વાભાવિક છે. મેં પોતે આવાં દ્રશ્યો ભજવવા માટે તૈયાર થવા વર્ષોનો સમય લીધો હતો. એક તબક્કે હું પણ કેમેરા સામે આવા સીન ભજવવા તૈયાર નહોતી થતી. પણ પછીથી મેં આગળ વધવાનો નિર્ણય કર્યો.
પણ તમન્નાએ આટલાં વર્ષે અચાનક જ પોતાના વિચારો શા માટે બદલ્યા? અભિનેત્રી કહે છે કે મેં માત્ર ૧૫ વર્ષની તરૂણ વયમાં અભિનયક્ષેત્રે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તે વખતે હું એ વાતનું ખાસ ધ્યાન રાખતી કે મારા કામને કારણે મારાં માતાપિતાને નીચાજોણું ન થાય. હું અભિનય ક્ષેત્રે આવી તેને ૧૮ વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો છે. વર્ષો સુધી હું દર્શકોના ચોક્કસ વર્ગને ગમે, તેમને રુચિકર લાગે એવી ફિલ્મો કરતી રહી, પણ જેમ જેમ મારી વય વધતી ગઈ તેમ તેમ મને લાગવા માંડયું કે એક કલાકાર તરીકે હું મારી જાતને ચોક્કસ સીમાડામાં બાંધીને ન રાખી શકું. જો મને વિવિધ પ્રકારનાં પાત્રો ઓફર થતાં હોય તો મારે તે સ્વીકારવાં જોઈએ. વળી, તમે કેમેરા સામે હો ત્યારે જે-તે કિરદાર હો છો. તમારા અંગત જીવન સાથે તેને કશું લાગતુંવળગતું નથી. તેથી તેને નીતિમત્તાના તરાજૂ પર તોળવાની જરૂર નથી હોતી. છેવટે મેં વર્ષો સુધી મારી અંદરના કલાકારને જે સીમાડાઓમાં બાંધી રાખ્યો હતો તેને આઝાદ કરી દીધો.
તમન્ના ભાટિયા તેના વિજય વર્મા સાથેના સંબંધોને કારણે પણ ખાસ્સી ચર્ચામાં છે. અભિનેત્રીએ સ્વયં તેમની રિલેશનશીપ વિશે વાતો કરી છે. તે કહે છે કે ફિલ્મો અમારા બંને વચ્ચેની જોડતી કડી છે. અમને થિયેટરમાં ફિલ્મો જોવાનું તેમ જ ઓટીટી પર વેબ સીરીઝો ે માણવાનું બહુ ગમે છે. જો કે વિજયની તુલનામાં હું વધુ ફિલ્મો જોઉં છું.