બોબી દેઓલની અંદરનો જાનવર જાગી ગયો છે...
- 'હું કલ્પના કરું છું કે 'આશ્રમ' સિરીઝ જો ફિલ્મ રૂપે સિનેમાના મોટા પડદા પર રજૂ થઇ હોત તો તેનું પરિણામ કેવું અદભુત આવ્યું હોત!'
બો બી દેઓલને ખલનાયકીમાં જબર ફાવટ આવી ગઈ છે. રણબીર કપૂર સાથે 'એનિમલ'માં વિલનવેડા કર્યા પછી, સમાચાર છે કે, સાઉથના સુપરસ્ટાર વિજય થલપતિની આગામી ફિલ્મમાં પણ એ નકારાત્મક ભૂમિકા ભજવવાનો છે. બોબી હાલ 'કંગુઆ' નામની તમિળ ફિલ્મ કરી રહ્યો હોવાથી દક્ષિણમાં આમેય એના વિશે હાઇપ ઊભી થઈ ગઈ છે. બોબી પાસે 'એનબીકે ૧૦૯' નામની એક તેલુગુ-હિન્દી ફિલ્મ પણ છે જ. આ સિવાય અનુરાગ કશ્યપની આગામી ફિલ્મમાં બોબીનું હોવું લગભગ નિશ્ચિત છે. આલિયા ભટ્ટની આગામી 'આલ્ફા'માં પણ બોબીનો દમદાર રોલ છે. સંદીપ રેડ્ડી વાંગા 'એનિમલ'ની સિક્વલ 'એનિમલ પાર્ક'નું કામકાજ વહેલા મોડું શરૂ કરી શકે છે. 'એનિમલ'માં તો બોબીનું કિરદાર મૃત્યુ પામ્યું હતું, પણ એની લોકપ્રિયતા જોતાં 'એનિમલ પાર્ક'માં પણ બોબી માટે ખાસ કોઈ નવું પાત્ર ઊભંુ કરવામાં આવે તો જરાય નવાઈ ન પામવી. ટૂંકમાં, સમજોને કે બોબી દેઓલ આવતા બે-ત્રણ વર્ષ બિઝી બિઝી રહેવાનો છે.
બોબી દેઓલ બોલિવુડનું ફિનિક્સ પક્ષી છે. 'હમરાઝ' (૨૦૦૨) બાદ આ ગ્રીક ગોડ ફિલ્મી પડદા પરથી લગભગ ગાયબ થઈ ગયો હતો. બોલિવુડના નિર્માતાઓ અને દિગ્દર્શકો જાણે કે બોબીને ઓળખતા જ ન હોય તેવો માહોલ સર્જાયો હતો. લગભગ પાંચેક વર્ષ સુધી બોબી પાસે એક પણ ફિલ્મ નહોતી! હતાશ થઇ ગયેલો બોબી શરાબમાં ડૂબી ગયો હતો. ભલું થજો ઓટીટીનું કે એને 'આશ્રમ' નામની હિટ વેબ સિરીઝ મળી ને એ ધીમે ધીમે પાછો ફોર્મમાં આવવા લાગ્યો. બોબી દેઓલ આજે રાજી રાજી છે. નિર્માતાઓ અને દિગ્દર્શકો એને ભારોભાર માન-સન્માન આપી રહ્યા છે. એમ કહો કે બોબી દેઓલ આજે મોંઘેરો કલાકાર બની ગયો છે.
'ધરમવીર' (૧૯૭૭) ફિલ્મમાં બાળ કલાકાર બનીને સિલ્વર સ્ક્રીન પર પહેલી વાર ચમકનારો બોબી કહે છે, 'દરેક એક્ટરને મોટો પડદો સૌથી વધારે આકર્ષતો હોય છે. સિનેમાની અસર અને આકર્ષણ જ જુદાં હોય છે. અલબત્ત, ઓટીટી પર મારી 'આશ્રમ' સિરીઝ સુપરહિટ થઇ તેનો મને બેહદ આનંદ અને સંતોષ છે, આમ છતાં હું કલ્પના કરું છું કે 'આશ્રમ' સિરીઝ જો ફિલ્મ રૂપે સિનેમાના મોટા પડદા પર રજૂ થઇ હોત તો તેનું પરિણામ કેવું અદભુત આવ્યું હોત!'
'બરસાત' (૧૯૯૫) ફિલ્મથી હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશ કરનારો બોબી દેઓલ કહે છે, 'હું હવે જ્યાં પણ જાઉં છું ત્યાં લોકો મારી સાથે 'આશ્રમ'ની અને 'એનિમલ'ની ભૂમિકા વિશે વાત કરે છે. મને ઝાઝા બધા સવાલ પૂછે છે. મારા માટે તો મારા ચાહકોની અને દર્શકોની ખુશી જ સૌથી મોટો એવાર્ડ છે. હું તેમને જ સાવ સાચુકલા અને અંતિમ નિર્ણાયક ગણું છું.'
સત્ય વચન.