ભૂમિ પેડણેકરનો સ્ટાઈલ મંત્રઃ ફેશન, આત્મવિશ્વાસ અને સ્વ-અભિવ્યક્તિ
- ભૂમિના મતે ફેશન સૌંદર્યશાસ્ત્રથી એક ડગલુ આગળ સ્વ-અભિવ્યક્તિનું શક્તિશાળી સાધન પણ છે. ભૂમિ માને છે કે ફેશન માન્યતા અને મૂલ્યો પ્રદર્શિત કરવાનો પણ એક માર્ગ છે.
બો લીવૂડની વર્સેટાઈલ અભિનેત્રી ભૂમિ પેડણેકર તેની અભિનય પ્રતિભા ઉપરાંત તેની સતત વિકસતી સ્ટાઈલની જાણકારી માટે પણ પ્રસિદ્ધ છે. અભિનય માટે તેની ધગશ તો મજબૂત છે જ, પણ પેડણેકર હવે ફેશનના વિશ્વમાં પણ પોતાની છાપ છોડવા સક્રિય થઈ છે. આત્મવિશ્વાસભર્યા વ્યક્તિત્વ અને બેબાક પસંદગી માટે જાણીતી પેડણેકરે છેલ્લા થોડા વર્ષો દરમ્યાન તેની સ્ટાઈલમાં થયેલા પરિવર્તન અને ફેશનના ક્ષેત્ર વિશે મંતવ્યો રજૂ કર્યા છે. યુવા વયથી જ ભૂમિ ફેશનથી પ્રભાવિત હતી. સ્ક્રીન પર આકર્ષક પહેરવેશ જોઈને તે અંજાઈ જઈને માતાપિતા પાસે પણ એવા પોષાકની માગણી કરતી. તેની માતા પણ ફેશનની શોખીન હોવાથી ભૂમિને પોતાના કપડા રિસાઈકલ કરીને રચનાત્મક ફેરફાર કરવા પ્રોત્સાહિત કરતી. ફિલ્મમાં પ્રસિદ્ધિ મેળવવા અગાઉ ભૂમિ દિલ્હીના સરોજિની બજારમાંથી પોષાય તેવા સ્ટાઈલીશ પોષાક ખરીદતી.
પ્રત્યેક વીકએન્ડમાં તે આવી આઈટમોમાં દરજી પાસે ફેરફાર કરાવતી અને પોતાની પસંદગી મુજબના વિશિષ્ટ આઉટફિટનું સર્જન કરતી. ભૂમિ માટે ફેશન પોષાક ઉપરાંત રચનાત્મક્તા અને સ્વ-અભિવ્યક્તિનું માધ્યમ છે અને આવી જ વિભાવના તેના ઉછેરમાં પણ વ્યક્ત થાય છે.
ભૂમિના મતે ફેશન સૌંદર્યશાસ્ત્રથી એક ડગલુ આગળ સ્વ-અભિવ્યક્તિનું શક્તિશાળી સાધન પણ છે. ભૂમિ માને છે કે ફેશન માન્યતા અને મૂલ્યો પ્રદર્શિત કરવાનો પણ એક માર્ગ છે. આવો અભિગમ ખાસ કરીને વૈશ્વિક ફેશન ક્ષેત્રમાં વિશેષ કરીને જોવા મળે છે જ્યાં કાન રેડ કારપેટ જેવા કાર્યક્રમો વ્યક્તિઓ માટે પોતાનો અભિપ્રાય અને મત વ્યક્ત કરવાનો તેમજ તેમના કાર્યો માટે સમર્થન મેળવવાનો મંચ બની ગયા છે.
ભૂમિ ખાસ કરીને ચેર જેવી હોલીવૂડ સ્ટાર અને ભારતીય આઈકન રેખાની ચાહક છે જેમણે પોતાની બેબાક સ્ટાઈલ સાથે ઐતિહાસીક ગણી શકાય તેવા પોષાક ધારણ કર્યા હતા અને નારીવાદ અને સશક્તિકરણનું પ્રતીક બની ગયા હતા. ભૂમિએ રેખા પાસેથી અનેક પ્રેરણા લીધી છે ખાસ કરીને રેખાની ફેશન પસંદગીની ભૂમિ વિશેષ પ્રશંસક છે. ભૂમિ રેખાના સ્વતંત્રતા અને આત્મવિશ્વાસના ગુણો આત્મસાત કરવા માગે છે. રેખા ઉપરાંત ભૂમિ સોનમ કપૂર, નતાશા પૂનાવાલા અને ઈશા અંબાણીની ફેશન સ્ટાઈલથી પણ પ્રભાવિત થઈ છે.
રેખા ભૂમિની પસંદગીની ફેશન પ્રેરણામૂર્તિ છે જેની તે ભરપૂર પ્રશંસા કરે છે. ફિલ્મ ઉદ્યોગમાં રેખાની સફર, પોતાની ઓળખ બાબતે તેનો બેબાક અંદાજ અને ગ્લેમર પ્રતિ તેની ચાહ ભૂમિની જીવન અને ફેશન પ્રત્યેના દ્રષ્ટિકોણ સાથે મેળ ખાય છે. ભૂમિએ અનેકવાર જાહેરમાં રેખાની પ્રશંસા કરી છે અને તેના કેટલાક ગુણો આત્મસાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, ખાસ કરીને તેની સ્વતંત્રતા અને આત્મવિશ્વાસથી તે ખૂબ જ પ્રભાવિત છે.
રેખા ઉપરાંત ભૂમિ ભારતની સોનમ કપૂર, નતાશા પૂનાવાલા અને ઈશા અંબાણી તેમજ પશ્ચિમની ચેર, એન હથાવે તેમજ કારદશિયાનને પણ પોતાના આદર્શ માને છે. તેમની વિશિષ્ટ સ્ટાઈલ અને બેબાક ફેશન પસંદગી માટે આ હસતીઓ પાસેથી ભૂમિ પ્રેરણા મેળવે છે.
એક સેલિબ્રિટી તરીકે ભૂમિએ એક વિશિષ્ટ છબિમાં સમાઈ જવાના દબાણનો સામનો પણ કરવો પડે છે. કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં, ખાસ કરીને 'દમ લગા કે હૈશા' દરમ્યાન તેણે પોતાના દેખાવ બાબતે ટીકાનો સામનો કરવો પડયો હતો. મહિલાએ પોતાના ફિગર મુજબ કેવો પોષાક ધારણ કરવો તેના બાબતે સૂચનો મળ્યા કરતા હોય છે, પણ ભૂમિએ આવા તમામ પડકારોનો સામનો કર્યો. પોતાના ફિગરની પરવા કર્યા વિના પોષાક ધારણ પહેરવાની સ્વતંત્રતા બાબતે તે ખૂબ જ વાચાળ રહી છે. ભૂમિનો પરિવાર તેનો મુખ્ય આધાર સ્તંભ રહ્યો છે અને લોકોની ટીકાની પરવા કર્યા વિના મનગમતા કપડા પહેરવા પ્રોત્સાહન આપતો રહે છે. આજે ભલે ભૂમિએ પોતાની લોકપ્રિયતાને કારણે વધુ ટીકાનો સામનો કરવો પડતો હોય, પણ સ્વ-અભિવ્યક્તિ પ્રત્યે તેની પ્રતિબદ્ધતા અતૂટ રહી છે.
ભૂમિ યાદ કરે છે કે 'થેન્ક યુ ફોર કમિંગ' તેનો એવો પ્રથમ પ્રોજેક્ટ હતો જેમાં રોલ માટે વિશિષ્ટ પોષાકની જરૂર પડી હોય. અગાઉ તેની ફિલ્મોમાં પોષાક મુખ્ય ઘટક નહોતા. જો કે આ ફિલ્મ સાથે તેને ચોકલેટની દુકાનમાં ભૂલી પડેલી બાળકી જેવો અનુભવ થયો અને પ્રમોશન દરમ્યાન અનેક પ્રકારની સ્ટાઈલ દર્શાવવાની તેને તક મળી. તેની પસંદગી થોડી પરંપરાગત હતી, પણ પ્રમોશનલ કાર્યક્રમોમાં તેને વધુ પ્રયોગો કરવાની છૂટ મળી અને પોતાની પાસેના વિવિધ આઉટફિટ પ્રદર્શિત કરવાની તક તેણે ઝડપી લીધી.
ફેશન પ્રત્યેના પ્રેમ ઉપરાંત ભૂમિને મેકઅપનો પણ ખૂબ જ શોખ છે. તેણે પોતાના ટીનેજ વર્ષો દરમ્યાન જ્યારે તે પોતાની ઓળખ સાથે સંઘર્ષ કરી રહી હતી ત્યારથી જ મેકઅપ સાથે પ્રયોગો કરવાનું ચાલુ કરી દીધું હતું. મેકઅપ તેના માટે સશક્તિકરણનો સ્રોત બની ગયો, એક એવું માધ્યમ બની ગયો જેનાથી તેનેે આત્મવિશ્વાસ સાથે વ્યક્ત થવાની તક મળી. આજે મેકઅપ તેની અભિવ્યક્તિનો મહત્વનો હિસ્સો બની ગયો છે.
ભૂમિ ઉદ્યોગના પર્યાવરણીય પ્રભાવની કદર કરીને સસ્ટેનેબલ ફેશનની હિમાયતી પણ બની ગઈ છે. ભૂમિ વસ્ત્રોના રિસાઈક્લીંગ અને રિયુઝીંગમાં માને છે, જે ગુણ તેણે પોતાની માતા પાસેથી ગ્રહણ કર્યો છે. ભૂમિ માટે સસ્ટેનેબિલિટી કોઈ ટ્રેન્ડ નહિ પણ જીવનશૈલી છે. પોતાની ફેશન પસંદગી દ્વારા ભૂમિ અન્યોને પણ જવાબદારીપૂર્વક વિચારવાની અને ફેશનમાં સસ્ટેનેબિલિટીનું મહત્વ સમજવાની પ્રેરણા આપવા માગે છે.