ભૂમિ પેડણેકરને ક્લાઇમેટ ચેન્જની ચિંતા કનડે છે...
- 'મારાં અત્યાર સુધીનાં પાત્રોમાં ભાગ્યે જ ગ્લેમર આવ્યું છે. વ્યક્તિગત રીતે મને ગ્લેમરસ દેખાવું ગમે છે. જોકે ગ્લેમરસ રોલમાં મહિલાઓનું ઓબ્જેક્ટિફિકેશન મને મંજૂર નથી.'
ભૂમિ પેડણેકર જેટલી પોતાના અભિનય માટે ખ્યાતનામ છે એટલી જ જાણીતી છે ક્લાઇમેટ ચેન્જની પ્રત્યેની ખેવના બાબતે. તે હંમેશા જલવાયુ પરિવર્તન અને તેને લગતાં મુદ્દે ચિંતા વ્યક્ત કરતી રહે છે. તે કહે છે કે મને હંમેશાંથી દિલ્હીનો શિયાળો અત્યંત પ્રિય હતો, પણ આજની તારીખમાં દિલ્હીની ઠંડી લોકોને ડરાવે છે. હવે મને ત્યાંની ટાઢ માણવાનો કોઇ ઉત્સાહ નથી રહ્યો.
ભૂમિ કહે છે કે આપણને એ વાત સમજવી પડશે કે આપણી પાસે દિલ્હીની પ્રદૂષિત હવામાં શ્વાસ લેવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી રહ્યો. મને એ વાત કનડે છે કે થોડાં વર્ષ પછી દિલ્હીના બાળકોને શ્વસન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડશે. ત્યાંની હવા ઝેરીલી બનતાં શાળાઓ બંધ રાખવાની નોબત આવશે. આપણે આગામી પેઢી માટે કેવી દુનિયા છોડી રહ્યાં છીએ? આપણને હમણાંથી જ ઊનાળામાં તીવ્ર ગરમી અને શિયાળામાં તીવ્ર ટાઢનો સામનો કરવો પડી રહ્યો છે તો આગામી સમયમાં આ બંને મોસમ કેવી હશે તેની કલ્પના કરવી અઘરી નથી. આમ છતાં આઘાતજનક વાત એ છે કે લોકો એમ માનીને ચાલી રહ્યાં છે કે જલવાયુ પરિવર્તન હજી ઘણું દૂર છે. વાસ્તવમાં તેનો આરંભ થઇ ચૂક્યો છે. તીવ્ર ગરમી,તીવ્ર ટાઢ અને ક્યાંક પૂર, ક્યારેક આ બધું એક સાથે તો ક્યાંક દુકાળ... હવે સામાન્ય થઇ ગયાં છે. જો આપણે હજી પણ એમ માનતાં હોઇએ કે ક્લાઇમેટ ચેન્જની આપણા ઉપર કોઇ અસર નથી થવાની તો તે આપણી સૌથી મોટી ભૂલ છે. દિલ્હીમાં છવાયેલા ગાઢ ધુમ્મસને કારણે કશું જ દેખાતું ન હોવાથી અમને અમારું શૂટિંગ અટકાવવું પડયું હોવાનું પણ બન્યું છે.
ભૂમિ વધુમાં કહે છે કે દિલ્હીના એક શૂટ પછી હૉટલ પર આવતાં જ મને તીવ્ર એલર્જી થઇ ગઇ હોવાનું પણ મને યાદ છે. તે વખતે હોટેલથી બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાની મારી જરાય ઇચ્છા નહોતી. આમ છતાં મને માસ્ક પહેરવું જ પડે એવું વાતાવરણ હતું. હકીકતમાં આ વાત બહુ સંવેદનશીલ છે.
આવું હોવા છતાં ભૂમિને દિલ્હી બહુ પ્રિય છે. તે કહે છે કે મને દિલ્હીમાં એકઠો થયેલો વિવિધ સંસ્કૃતિઓનો શંભુમેળો બહુ ગમે છે. અહીં મારા મિત્રો અને આપ્તજનો પણ છે. હું લુટીઅન્સ દિલ્હીમાંથી પસાર થાઉં ત્યારે ઉત્સાહમાં આવી જાઉં છું. મને અહીંની પાર્લામેન્ટ અને એમ્બેસીઓ પાસેથી પસાર થવાનું બહુ ગમે છે. અહીંથી પસાર થતાં થતાં જ તમે દિલ્હીનાં ઐતિહાસિક સ્થળો અને તેની આસપાસ થયેલા વિકાસને એક સાથે જોઇ શકો. આ જ અહીંનું સૌંદર્ય છે. અલબત્ત, મને અહીંની વાનગીઓ પણ બહુ ભાવે છે.
અભિનેત્રી તરીકે ભૂમિને ગ્લેમરસ રોલ કરવાની બહુ ઇચ્છા છે. તે કહે છે કે મારા અત્યાર સુધીનાં પાત્રોમાં ભાગ્યે જ ગ્લેમર આવ્યું છે. વ્યક્તિગત રીતે મને ગ્લેમરસ દેખાવું ગમે છે. આમ છતાં ગ્લેમરસ રોલમાં મહિલાઓનો વસ્તુની જેમ ઉપયોગ કરવામાં આવે તે મને મંજૂર નથી. હું આવા રોલ કરવાનું ક્યારેય પસંદ ન કરું. આપણે દિવંગત શ્રીદેવીના 'ચાંદની'ના રોલની જ વાત કરીએ તો તેમાં તે શિફોનની સાડીમાં કેટલી સુંદર દેખાતી હતી. મને પણ આવી ભૂમિકા ભજવવાના ઓરતા છે. પણ અફસોસની વાત એ છે કે આપણે આવાં મહિલા પાત્રોનું મહત્વ ગુમાવી ચૂક્યા છીએ. જોકે હવે એ વીતેલો સમય પાછો ફરી રહ્યો હોવાનું જણાઇ રહ્યું છે.
કહેવાની જરૂર નથી કે ભૂમિને પડકારજનક પાત્રો ભજવવાનું ગમે છે. તેણે એવાં જ કિરદાર અદા કરવાનું જારી રાખ્યુ ંછે. તે કહે છે કે એક અભિનેત્રી તરીકે હું પડદા પર માત્ર ગ્લેમરસ દેખાવા નથી માગતી. આમ છતાં મને ગ્લેમરસ રોલ કરવા છે એ વાત ચોક્કસ. જોકે મને એ વાતની ખુશી છે કે મારી પહેલી ફિલ્મ 'દમ લગા કે હઇશા' હતી. તે વખતે મને ફિલ્મોમાં કામ કરવાનો ચસકો લાગ્યો હતો. એટલું જ નહીં, હટકે રોલ કરવાની કિંમત પણ સમજાઇ હતી. આ સમજને પગલે જ બોલિવુડમાં મેં મારી કેડી કંડારી છે. મને એ વાતની ખુશી છે કે મારી ફિલ્મોને પગલે બહારની દુનિયામાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. હું મારી કળાથી સમાજને સુંદર બનાવવા માગું છું. હું ઇચ્છું છું કે અન્ય મહિલાઓ પણ મારા આ વિચારો, મારા આ કામ સાથે સંકળાય.