ભૂમિ પેડણેકર હું પણ દબંગ... .
- 'હું ભારપૂર્વક માનું છું કે ભારતની તમામ સ્ત્રીઓએ મક્કમ મનોબળ સાથે જીવન જીવવું જોઇએ. એક જાગૃત, હિંમતવાન, સુશિક્ષિત મહિલા અનેક લોકોને પ્રેરણા આપી શકે છે. સૌને પોતાની જિંદગી પોતાની રીતે જીવવાનો અને પોતાનાં સપનાં પૂરાં કરવાનો હક્ક છે.'
ભૂ મિ પેડણેકર એટલે હિન્દી ફિલ્મજગતની એક ભરપૂર પ્રતિભાશાળી અને મહેનતુ અભિનેત્રી, જેને હટ કે ફિલ્મો કરવામાં સૌથી વધારે મોજ પડે છે. 'દમ લગા કે હઇસા', 'સોનચિરીયા', 'ટોઇલેટઃ એક પ્રેમકથા', 'સાંડ કી આંખ' વગેરે જેવી મજેદાર અને અર્થપૂર્ણ ફિલ્મોમાં સરસ પર્ફોર્મન્સ આપનારી ભૂમિ હવે વધુ એક વિશિષ્ટ ભૂમિકામાં આવી રહી છે. આ રોલ પોલીસ ઓફિસરનો છે. આમ તો મહિલા પોલીસને આપણે સ્ક્રીન પર ઘણી વખત જોઈ છે, પણ ભૂમિ માટે આ પ્રકારનો રોલ કરવાનો આ પહેલો અવસર છે. ફિલ્મનું નામ છે, 'દલદલ'. પહેલી જૂનથી તેનું શૂટિંગ શરૂ પણ થઈ ગયું.
ભૂમિ કહે છે, 'સાચું કહું, 'દલદલ'ની ભૂમિકા મારી અત્યાર સુધીની કારકિર્દીની સૌથી પડકારરૂપ અને કઠિન ભૂમિકા છે. હું રીટા ફરેરા નામની પોલીસ ઓફિસરનું પાત્ર ભજવું છું. મેં અત્યાર સુધીમાં ક્યારેય પોલીસ ઓફિસરનું પાત્ર ભજવ્યું નથી. દિગ્દર્શક અમૃત રાજ ગુપ્તા છે. મુંબઇની એક મહિલા પોલીસ અધિકારી લોખંડી આત્મવિશ્વાસથી કેવી રીતે તમામ પ્રકારના પડકારોનો સામનો કરે છે તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં હિંસા, રોમાંચ, ભેદ-ભરમ બધું જ છે. એકદમ અસલામત માહોલમાં પણ રીટા ફરેરા મક્કમ મનોબળથી કોઈની પણ પરવા કર્યા વગર અસામાજિક તત્ત્વોનો સામનો કરીને તેમનો સફાયો કરી નાખે છે.'
યશરાજ ફિલ્મ્સના કાસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં થોડાં વર્ષ કામ કર્યા બાદ અભિનયના ક્ષેત્રમાં પગલાં માંડનાર ભૂમિ કહે છે, 'મારું રીટા ફરેરાનું પાત્ર એક બાહોશ, જાંબાઝ અને ફરજપરસ્ત પોલીસ ઓફિસરનું છે. એ ખૂંખાર ગુનેગારોને પકડવા માટે કાચની છત તોડી નાખીને ઘરમાં ઘૂસી શકે છે. હું અંગત રીતે ભારપૂર્વક માનું છું કે ભારતની તમામ સ્ત્રીઓએ આવા જ મક્કમ મનોબળથી જીવન જીવવું જોઇએ. એક જાગૃત, હિંમતવાન, સુશિક્ષિત મહિલા અનેક લોકોને પ્રેરણા આપી શકે છે. સૌને પોતાની જિંદગી પોતાની રીતે જીવવાનો અને પોતાનાં સપનાં-ઇચ્છા પૂરાં કરવાનો હક્ક છે.'
ભૂમિને છેલ્લે આપણે 'ભક્ષક'નામની ફિલ્મમાં એક બહાદૂર પત્રકારના રૂપમાં જોઈ હતી. ભૂમિનું કિરદાર એક અનાથાલયમાં બાળકો સાથે થતા જાતીય અત્યાચારના સિલસિલાનો પર્દાફાશ કરી નાખે છે. ભૂમિ પેડણેકર સમાપન કરે છે, 'હું મારી જાતને નસીબદાર માનું છું કે મને સ્ત્રીની અપાર શક્તિને દર્શાવતાં પાત્રો ભજવવાની તક વારંવાર મળતી રહે છે.'
વાત તો સાચી.