ભૂમિને સ્ક્રીન પર અબલા નારી બનવામાં રસ નથી
- 'મને સમાજના પરંપરાગત ખ્યાલોને પડકારતી કથાઓનો હિસ્સો બનવાનું ગમે છે. આ પ્રકારની ફિલ્મો દ્વારા ચર્ચા છેડાય છે અને મહત્ત્વના મુદ્દાઓ વિશે લોકો સભાન બને છે.'
ભારતમાં કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધે માથે પછડાય તે પછી તેની સાથે કોઇ પ્રકારનો સંબંધ રાખવાનું એક્ટર્સને ગમતું નથી. મોટાભાગના એકટર્સ એમ માને છે કે તેમણે આવી ફિલ્મમાં કામ કરવાનું પસંદ કરીને ભૂલ કરી હશે. તેઓ ફ્લોપ ફિલ્મને ભૂલી જવામાં જ સાર જુએ છે. ભૂમિ પેડણેકર જોકે આમાં અપવાદ છે. ભૂમિ પેડણેકર માને છે કે ફિલ્મ સારી છે કે નહીં તે બોક્સ ઓફિસ પરના પરફોર્મન્સ પરથી નક્કી ન થાય. આવી એક ફિલ્મ છે 'અફવાહ'. સુધીર મિશ્રા દિગ્દર્શિત આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને સુમિત વ્યાસ સાથે કામ કરવાની ભૂમિને તક મળી હતી. ફિલ્મને સમીક્ષકોએ વખાણી હતી, પણ પ્રેક્ષકોએ જાકારો આપ્યો. ઓટીટી પર તે રિલીઝ થઈ ચૂકી છે એટલે આ નવું ઓડિયન્સ તેના માટે શું કહે છે તેની આપણને હવે ખબર પડશે.
ભૂમિ કહે છે, 'મારી કારકિર્દીમાં 'અફવાહ' એ મહત્વની ફિલ્મ છે. તેનાં ઘણાં કારણો છે. એક તો સુધીર મિશ્રા જેવા ડિરેક્ટર અને નવાઝુદ્દીન જેવા મંજાયેલા કળાકારો સાથે કામ કરવાની તક મળી. પણ તેનાથી વધારે મહત્વની બાબત એ છે કે મારું પાત્ર આ ફિલ્મમાં એક મજબૂત મહિલાનું છે.'
ભૂમિએ આ ફિલ્મમાં નિવેદિતા નામની યુવતીની ભૂમિકા ભજવી છે, જે તેના ભાવિ વરની રાજકીય ચુંગાલમાંથી છટકીને આત્મબળે જીવન જીવવાનું પસંદ કરે છે. ભૂમિ કહે છે, 'આ ફિલ્મ મારા માટે એટલા માટે મહત્ત્વની છે કે તે સમાજ સામે અરીસો ધરે છે. સમાજનો અમુક વર્ગ ખોટી માહિતી ફેલાવી પોતાનો સ્વાર્થ સાધે છે તે આ ફિલ્મમાં બખૂબી રજૂ કરવામાં આવ્યું છે. એક અભિનેત્રી તરીકે મને સમાજના પરંપરાગત ખ્યાલોને પડકારતી કથાઓનો હિસ્સો બનવાનું ગમે છે. આ પ્રકારની ફિલ્મો દ્વારા ચર્ચા છેડાય છે અને મહત્ત્વના મુદ્દાઓ વિશે લોકો સભાન બને છે. મારી કારકિર્દીની શરૂઆતમાં હું અલગ પ્રકારની ફિલ્મો કરતી હતી જે દર્શકો માટે ફીલ ગુડ પ્રકારની હતી.'
ભૂમિ ઉમેરે છે, 'મારી આગામી ફિલ્મ અજય બહેલની ફિલ્મ 'લેડી કિલર'માં પણ એક એવી મહિલાની વાત રજૂ કરવામાં આવી છે જે આત્મવિનાશના માર્ગે આગળ વધી રહી છે. બીજી ફિલ્મ ગૌરી ખાનની 'ભક્ષક' છે, જેમાં હું એક હિંમતબાજ પત્રકારની ભૂમિકામાં દેખાઇશ. આ પત્રકાર પાસે એક એક વિસ્ફોટક સ્ટોરી આવે છે જેનો ઉલ્લેખ કરતાં પણ તેને ડર લાગે છે.'
ભૂમિ સમાપન કરતાં કહે છે, 'જેમાં મહિલાઓને સશક્ત અને આત્મવિશ્વાસથી છલોછલ દેખાતી હોય તેવી ભૂમિકાઓ જ મારે ભજવવી છે. મહિલાઓની શક્તિ અને મોહકતા રજૂ કરતી ફલ્મોમાં ભૂમિકા ભજવવાની મને મોજ આવે છે.'
બિલકુલ.