મૃણાલ ઠાકુર અને શિખર વચ્ચે હાથવેંતનું છેટું છે

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
મૃણાલ ઠાકુર અને શિખર વચ્ચે હાથવેંતનું છેટું છે 1 - image


- મૃણાલ હિન્દી બેલ્ટ અને દક્ષિણ ભારત એમ બેય જગ્યાએ ભરપૂર લોકપ્રિયતા  માણી રહી છે.  મૃણાલ એટલે જ કહે છે કે પ્રાદેશિક ઓળખ સુધી સીમિત રહેવાનો યુગ હવે પૂરો થયો.  

શોજો સમાચાર સાચા હોય તો સંજય લીલા ભણસાલીની એક આગામી ફિલ્મનું કાસ્ટિંગ નક્કી થઈ ગયું છે - હીરો સિદ્ધાંત ચતુર્વેદી. હિરોઈન - મૃણાલ ઠાકુર. અલબત્ત, આ ફિલ્મ સંજય ભણસાલી ખુદ ડિરેક્ટ નહીં કરે. તેઓ તો રણવીર સિંહ - આલિયા ભટ્ટને ચમકાવતી 'બૈજુ બાવરા' ડિરેક્ટ કરવામાં બિઝી હશે. મૃણાલવાળી ફિલ્મ ડિરેક્ટ કરશે, રવિ ઉદયાવર, કે જેમણે શ્રીદેવીને મુખ્ય ભુમિકામાં ચમકાવતી નેશનલ અવોર્ડ વિનિંગ 'મોમ'નું નિર્દેશન કર્યું હતું. 

મૃણાલ ઠાકુરે ૨૦૧૮ની ડ્રામા ફિલ્મ 'લવ સોનિયા'થી કરીઅરની શરુઆત કરી હતી. એના દિલમાં આ ફિલ્મ માટે વિશેષ સ્થાન છે, નેચરલી. મૃણાલ ભારપૂર્વક જણાવે છે કે સિનેમામાં પરિવર્તન અને જાગૃતિ લાવવાની ક્ષમતા  છે. અલબત્ત, ફિલ્મ એ ડોક્યુમેન્ટરી નથી. ફિલ્મ મૂળભૂત રીતે વાર્તાકથન છે, જેમાં  હકીકતની સાથે ખૂબ બધી કલ્પનાઓ પણ હોવાની. 

મૃણાલની સિદ્ધિઓની યાદી લંબાતી જાય છે. હૃતિક રોશન સાથે 'સુપર થર્ટી', છેલ્લે 'સીતારામમ', ઝોયા અખ્તર-રીમા કાગતીના વેબ શો 'મેડ ઈન હેવન-ટુ'માં ડોમેસ્ટિક અબ્યુઝનો ભોગ બનતી યુવતી... અધિરા અને 'સીતારામમ'માં સીતાના પાત્રો માટે દર્શકો તરફથી મળેલા પ્રેમને પોતાનો શ્રેષ્ઠ એવોર્ડ માને છે. ૩૧ વર્ષીય આ અદાકારા દર્શકો અને કલાકારો વચ્ચેના સંબંધને મહત્વ આપીને પાત્રોને જીવંત કરવા માટે તેને જે પ્રેમ અને પ્રશંસા મળી છે તેની કદર કરે છે.

ભાવિ ભણી મીટ માંડતા મૃણાલ ઠાકુરની કારકિર્દી ઊંચે જ જતી જાય છે. 'વીડી ૧૩' અને 'નાની ૩૦' જેવી તેલુગુ ફિલ્મ સાથે ઉત્સાહજનક હિન્દી ફિલ્મો પણ તેની પાસે હોવાથી મૃણાલ અખિલ ભારતીય સિનેમાની લોકપ્રિયતાને માણી રહી છે. મૃણાલના મતે હવે પ્રાદેશિક ઓળખ સુધી સીમિત રહેવાનો યુગ સમાપ્ત થયો છે. આજનો ઉદ્યોગ કલાકારોને ભાષાના અવરોધો ઓળંગીને વિવિધ ભૂમિકા ભજવવાની તક આપે છે.

'વીડી ૧૩' અને 'નાની ૩૦' જેવી તેલુગુ ફિલ્મ સાથે મસ્તમજાની હિન્દી ફિલ્મો પણ હોવાથી મૃણાલ આખા ભારતની જનતાનું અટેન્શન તેમજ પ્રેમ મેળવી રહી છે. એક ઓર ન્યુઝ એવા છે કે મૃણાલને ચિરંજીવી સામે વશિષ્ઠ દ્વારા દિગ્દર્શિત મહત્ત્વાકાંક્ષી ફેન્ટસી ફિલ્મમાં કામ કરવાની તક મળી છે. 'બિયોન્ડ ધી યુનિવર્સ' નામની આ ફિલ્મનું પોસ્ટર ચિરંજીવીના જન્મદિવસે જાહેર કરવામાં આવ્યું હતું. એનાથી ચાહકો અને ફિલ્મી રસિયાઓમાં ઉત્સાહ ફેલાઈ ગયો હતો. પોસ્ટરમાં પંચમહાભૂત પ્રતીકાત્મક રીતે પેશ કરવામાં આવ્યા છે તેથી ચાહકોમાં ફિલ્મ વિશે વધુ અપેક્ષા જાગી છે. બસ, આ ફિલ્મમાં મૃણાલ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે તેવી ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં આવે એટલી જ વાર છે. 

બોલિવુડમાં મૃણાલ હજુય  આલિયા ભટ્ટની જેમ 'એ'-લિસ્ટ એક્ટ્રેસ ગણાતી નથી. જો મૃણાલની આગળ વાત કરી તે ફિલ્મો હિટ થાય અને તેના જેવા જ અન્ય પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ્સમાં એ ચમકતી રહે તો તેના માટે 'એ'-લિસ્ટ એક્ટ્રેસ તરીકે ગણના પામવું બહુ અઘરું નથી.   


Google NewsGoogle News