બરખા બિશ્ત હજુ લગ્નવિચ્છેદના આઘાતમાંથી બહાર આવી શકી નથી
- 'મારાં લગ્ન મારી કરોડરજ્જુ સમાન હતાં અને હવે મારી કરોડરજ્જુ જ તૂટી ગઈ છે.
- મારા છિન્નભિન્ન થઈ ગયેલા જીવનને ફરીથી ગોઠવવામાં લાંબો સમય નીકળી જશે.'
ટ ચૂકડા પડદે બબ્બે દશક સુધી કામ કરનાર અભિનેત્રી બરખા બિશ્તે હવે ફિલ્મો તરફ મીટ માંડી છે. તેની ફિલ્મ 'સફેદ' ઓટીટી પર રજૂ થઈ છે. આ સિનેમામાં બરખાએ તૃતિય પંથીની ભૂમિકા ભજવી છે. જો કે વ્યવસાયિક ક્ષેત્રે સફળતાને વરનારી આ અદાકારાનું વ્યક્તિગત જીવન નિષ્ફળ રહ્યું છે. અભિનેતા ઈન્દ્રનીલ સેનગુપ્તા સાથેના તેના ૧૪ વર્ષના વિવાહિત જીવનનો અંત આવ્યા પછી અભિનેત્રી પોતાની પુત્રીને એકલપંડે ઉછેરી રહી છે. એટલું જ નહીં, બરખા હજી પણ તેના લગ્નવિચ્છેદના દર્દ સાથે જ જીવી રહી છે.
બરખા કહે છે કે લગ્નવિચ્છેદનું દર્દ સહેવું મારા માટે તે વખતે પણ સહેલું નહોતું અને આજે પણ નથી. હું આ આઘાતમાંથી હજી સુધી બહાર નથી આવી શકી. કેટલીક વખત આ દુઃખ મારા મનમગજ પર છવાઈ જાય છે તો ક્યારેક હું તેને દબાવી દઉં છું. છૂટાછેડા થયા પછી મેં સઘળું સમય પર છોડી દીધું છે અને જીવન જે રીતે વીતી રહ્યું છે તે રીતે વિતવા દઈ રહી છું. લોકોને ભલે એમ લાગે કે હું બહુ મજબૂત મનોબળ ધરાવતી, પગભર યુવતી છું, પરંતુ આ આઘાતમાંથી બહાર આવવું જરાય આસાન નથી. ખરેખર તો મારાં લગ્ન મારી કરોડરજ્જુ સમાન હતાં અને હવે મારી કરોડરજ્જુ જ તૂટી ગઈ છે. આ છિન્નભિન્ન થયેલું જીવન ફરીથી ગોઠવવામાં લાંબો સમય નીકળી જશે. અલબત્ત, આ મુશ્કેલ સમયમાં મારા પરિવારજનો અને મિત્રો અડીખમ બનીને મારી સાથે ઊભા રહ્યાં છે. જ્યારે મારી પુત્રી મારા જીવવાનું કારણ બની ગઈ છે.
જોકે બરખા માટે પુત્રીને એકલા હાથે ઉછેરવાનું સહેલું નથી. તે કહે છે કે બાળકને સારી રીતે ઉછેરવાનું માતાપિતા માટે પણ સહેલું નથી હોતું. જ્યારે હું તો સિંગલ મધર છું. મારી ૧૨ વર્ષની દીકરી દરેક વાતનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ કરે છે. તે દરેક વાતમાં મને અનુસરે છે. તેથી મને સતત ડર રહ્યા કરે છે કે જો મારાથી કોઈ ભૂલ થઈ જશે અને મારી વ્હાલસોઈ તેને પણ અનુસરશે તો?
આજે બરખાના આપ્તજનો તેની પડખે ઊભા છે, પણ તેના પિતા ક્યારેય નહોતા ઈચ્છતા કે બરખા અભિનય ક્ષેત્રે કામ કરે. અદાકારા કહે છે કે હું મારા પિતાના વિરોધ છતાં આ ક્ષેત્રે કામ કરવા આવી. જોકે મારી સફળતા પછી જ્યારે કોઈકે તેમને અહોભાવથી પૂછ્યું કે તમે બરખાના પિતા છોને? ત્યાર પછી તેમનો મારા કામ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો હતો.
ટીવીજગતમાં પણ બરખાને ઘણી વખત લઘુતાગ્રંથિની અનુભૂતિ કરાવવામાં આવી હતી. તે કહે છે કે સૌથી પહેલા તો મારા વર્ણને કારણે મને ઉતારી પાડવામાં આવી હતી. હું શૉટ આપવા જતી ત્યારે મને વધુ બ્રાઈટ મેકઅપ કરવાનું કહેવામાં આવતું. તો શું તેમણે મને કામ આપ્યું ત્યારે તેમને મારી ત્વચાનો રંગ નહોતો દેખાયો? અભિનેત્રી વધુમાં કહે છે કે મારાં લગ્ન થયાં ત્યાર પછી પણ મને પૂછવામાં આવતું કે શું હું ઘર અને કામ વચ્ચે સંતુલન સાધી શકીશ? અને માતા બની ત્યારે પણ આવા પ્રશ્નોનો મારો ચાલતો. મને તે વખતે એમ લાગતું કે આવા સવાલ પુરુષોને કેમ નથી પૂછાતાં?
'સફેદ' ફિલ્મમાં બરખાએ તૃતિયપંથીની ભૂમિકા ભજવી છે. પરંતુ એક વખત તે એમ બોલી ગઈ હતી કે હું જેટલી સુંદર છું એ જોતાં કિન્નર જેવી નહીં લાગું. આ વાત તૃતિયાપંથીઓને બહુ ખટકી હતી. જોકે અદાકારા કહે છે કે મારી આ વાતને સંદર્ભ વિના સોશ્યલ મીડિયા પર ચગાવવામાં આવી હતી. અને આ રોલ ઓફર થયો ત્યારે મને કિન્નરોના જે રેફરન્સ બતાવવામાં આવ્યા હતા તે એટલા ડરામણા હતા કે મારા મોઢામાંથી નીકળી ગયું કે હું આ પ્રકારની ભૂમિકા શી રીતે ભજવી શકીશ? પરંતુ સોશિયલ મીડિયા પર મારી વાત ઉપરોક્ત સંદર્ભ વિના જ વાઈરલ કરી દેવામાં આવી. અને હવે જ્યારે મેં આ ફિલ્મ કરી લીધી છે, તૃતિયપંથીઓની બોડીલેંગ્વેજ શીખવા સલમા નામની કિન્નર સાથે માતબર સમય વિતાવી ચૂકી છું ત્યારે મને સમજાય છે કે ઘણા તૃતિયપંથી સામાન્ય લોકોની જેમ કામ કરીને પોતાનું પેટિયું રળવા માગે છે. પરંતુ તેમને કોઈ કામ આપવા રાજી નથી. ખરેખર તો આપણે જ તેમની સ્થિતિ બદલી શકીએ, તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવીને.