Get The App

બહુત પ્યાર કરતે હૈં તુમ કો સનમ...

Updated: Apr 24th, 2025

GS TEAM


Google News
Google News
બહુત પ્યાર કરતે હૈં તુમ કો સનમ... 1 - image


- 'મેરા દિલ ભી કિતના પાગલ હૈ...'  ગીત વાસ્તવમાં ડયુએટ છે. કુમાર સાનુ સાથે અલકા યાજ્ઞિાકનો કંઠ છે, પણ ફિલ્મ ફેર એવોર્ડ માત્ર કુમાર સાનુને મળ્યો છે

ભારતીય સંગીતમાં રાગ દરબારી રજવાડી રાગ ગણાય છે. મિયાં તાનસેને આ રાગ બનાવ્યો હોવાની માન્યતા છે. બડા બડા ઉસ્તાદોએ આ રાગને ખૂબ લાડ લડાવ્યા છે. ખૂબ ગંભીર અને કેટલેક અંશે કરુણ સૂરાવલિ ધરાવતા આ રાગમાં ફિલ્મ સંગીતકારોએ પણ સરસ ગીતો આપ્યાં છે. જેમ કે ઓ દુનિયા કે રખવાલે... (ફિલ્મ 'બૈજુ બાવરા', સંગીત નૌશાદ), 'ઝનક ઝનક તોરી બાજે પાયલિયા...' (ફિલ્મ 'મેરે હુઝૂર', સંગીત શંકર-જયકિસન), 'તોરા મન દર્પણ કહલાયે...' (ફિલ્મ 'કાજલ', સંગીત રવિ) વગેરે. આ દરેક ગીતમાં તમે કરુણ સ્વરોનો અહેસાસ કરી શકો. આવા ગંભીર રાગમાં પ્યાર-મુહબ્બતનું હૃદયસ્પર્શી ગીત સાંભળવા મળે ત્યારે દિલ ડોલી ઊઠે. એવો એક અનુભવ આ લખનાર સહિત લાખો સંગીત રસિકોએ ૧૯૯૧માં અનુભવેલો. એ ગીતનું મુખડું તમારી સમક્ષ મૂકું એટલી જ વાર છે. તમે પણ ગણગણતા થઇ જશો. એ ગીત એટલે 'બહુત પ્યાર કરતે હૈં તુમ કો સનમ, બહુત પ્યાર કરતે હૈં તુમ કો સનમ, કસમ ચાહે લે લો, ખુદા કી કસમ, બહુત પ્યાર કરતે હૈં તુમ કો સનમ...' 'આશિકી'એ ૧૯૯૦માં ધૂમ મચાવી એ પછી ગુલશનકુમાર અને મહેશ ભટ્ટ સંગીતકાર બેલડી નદીમ-શ્રવણને લઇને વધુ એક ફિલ્મ બનાવે એ પહેલાં લોરેન્સ ડિસોઝાએ તક ઝડપી લીધી અને ૧૯૯૧માં 'સાજન' બનાવી. 'બહુત પ્યાર કરતે હૈં...'ગીત એક વાર એસપી બાલાના અને બીજીવાર અનુરાધા પૌડવાલના કંઠે રજૂ થાય છે. આ ફિલ્મે ૧૯૯૧ના વર્ષમાં સૌથી વધુ કમાણી કરી અને સતત બીજે વરસે નદીમ શ્રવણે બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મેળવ્યો.

'સાજન'ની કથામાં પ્રણય ત્રિકોણ હતો. શ્રીમંત દંપતીનો એક છેલબટાઉ છોકરો. આ પરિવાર એક ગરીબ દિવ્યાંગ છોકરાને પોતાનો કરીને રાખે છે. આ દિવ્યાંગ યુવક સાગર તખલ્લુસ રાખીને સરસ ગીતો રચે છે. એ ગીતો વાંચીને એક યુવતી એને મનોમન પ્રેમ કરતી થઇ જાય છે. પોતે દિવ્યાંગ છે એટલે પેલી યુવતી કદાચ પોતાને પસંદ ન કરે એવા ડરથી આ ગીતકાર પોતાના ભાઇ જેવા પેલા છેલબટાઉને સાગર બનાવીને પેલી યુવતી પાસે મોકલે છે. પછી તો તમે સમજી ગયા હશો. ઘીના ઠામમાં ઘી પડી જાય છે. છેલબટાઉ એટલે સલમાન ખાન, ગીતકાર દિવ્યાંગ એટલે સંજય દત્ત અને પ્રેમઘેલી યુવતી એટલે માધુરી દીક્ષિત. કથા નવી નહોતી પણ લોરેન્સ ડિસોઝાની માવજત ખરેખર સરસ હતી. સોનામાં સુંગધ જેવાં ગીત-સંગીત હતાં. સમીરનાં ગીતોને નદીમ-શ્રવણે સ્વરાંકિત કર્યાં હતાં. શક્ય છે, શાીય સંગીતના ગહન અભ્યાસી શ્રવણે આ ગીતોની આઉટલાઇન તૈયાર કરી હોય અને નદીમે એને ઇન્ટ્રો, પેડિંગ અને ઇન્ટરલ્યુડથી સજાવી હોય. કદાચ બંનેએ સાથે મળીને સહિયારું સર્જન કર્યું હોય. એક વાત પાક્કી કે સંગીતે રીતસર દેકારો મચાવ્યો હતો. 

તમે ફરીવાર બહુત 'પ્યાર કરતે હૈં તુમ કો સનમ...' ગણગણી જોજો. તર્જમાં અનેરી તાજગી છે. દરબારી રાગને અનુરૂપ આર્જવ છે, મૃદુતા છે,  મખમલી મુલાયમતા છે. એકવાર સાંભળીને ગીતનું મુખડું યાદ રહી જાય એવું છે. સૌથી રસપ્રદ વાત એ છે કે 'સાજન' ફિલ્મમાં એક-એક રાગમાં બબ્બે ગીતો છે અને દરેકનું સ્વરૂપ એકબીજાથી અલગ છે. રાગ આધારિત હોવા છતાં એક પણ ગીત ભારેખમ નથી, કેમ જાણે નદીમ-શ્રવણે શંકર-જયકિસનની તર્જો બનાવવાની શૈલી આત્મસાત કરી લીધી હોય. શુદ્ધ શાીયતા છતાં હળવીફૂલ અને સહેલાઇથી કોઇ પણ વ્યક્તિ બાથરૂમમાં ગાઇ શકે એવી. આ જ દરબારી રાગનો આધાર લઇને ઔર એક તર્જ નદીમ શ્રવણે આપી છે. માત્ર તાલ બદલ્યો છે. 'બહુત પ્યાર કરતે...' ગીતમાં કહરવો છે. જે ગીતનો આસ્વાદ હવે માણીશું એમાં દાદરા તાલ લીધો છે. એ ગીત આ રહ્યું- 'દેખા હૈ પહલી બાર સાજન કી આંખોં મેં પ્યાર, અબ જા કે આયા મેરે દિલકો કરાર...' આ ગીતની તર્જમાં પણ મોરપીંછ જેવી હળવાશ છે. 

અહીં નદીમ શ્રવણે ઔર એક પ્રયોગ કર્યો છે. અનુરાધા પૌડવાલ ગુલશનકુમારના પીઠબળથી પોતાના પર હાવી ન થઇ જાય એવી તકેદારી રાખીને અહીં અલકા યાજ્ઞિાક અને કુમાર સાનુની સાથે સાઉથના હોનહાર ગાયક એસપી બાલાસુબ્રહ્મણ્યમને અજમાવ્યા છે. 'દેખા હૈ પહલી બાર'માં અલકા અને એસપી બાલાનો કંઠ છે. 

હવે મજા જુઓ. દરબારીમાં બે તદ્દન અલગ તર્જ ધરાવતાં ગીત મળ્યાં એમ સદાબહાર રાગિણી ભૈરવીમાં બે નહીં, ત્રણ-ત્રણ ગીતો છે. ત્રણે ગીતોમાં તાલ તો કહેરવો જ છે. માત્ર વજન બદલાય છે. સંગીત રસિક દ્વિધામાં પડી જાય કે કઇ તર્જ કોણે બનાવી હશે. ત્રણે ગીતો લોકપ્રિય નીવડયાં હતાં. એવું પહેલું ગીત એસપી બાલાના કંઠમાં છે. એનું મુખડું છે, 'તુમ સે મિલને કી તમન્ના હૈ, પ્યાર કા ઇરાદા હૈ, ઔર એક વાદા હૈ સનમ...' એક વાત નોંધવી પડે. કુમાર સાનુ કે ઉદિત નારાયણ જેવા નીવડેલા અને હિન્દી ભાષા પર સારો કાબુ ધરાવતા ગાયકો કરતાં પોતે જરા પણ કમ નથી એવું પુરવાર કરવા એસપી બાલાએ દરેક ગીત માટે ખૂબ મહેનત લીધી છે એ દેખાઇ આવે છે. 

પ્યાર મુહબ્બત માટે જાણીતા રાગ પહાડીમાં એક  લવ ટ્રાયેન્ગલ ટાઇપનું ગીત છે. એસપી, કુમાર સાનુ અને અનુરાધા પૌડવાલે આ ગીતને કંઠ આપ્યો છે. 'જીયે તો જીયે કૈસે બિના આપ કે, લગતા નહીં હૈ દિલ કહીં બિના આપ કે...' કેટલેક અંશે જોડકણા જેવા શબ્દો છે પણ સમય અને તકદીર આ ગીતકાર સંગીતકારની જોડે હતા. પાછળથી આ ગીત હલકદાર કંઠ ધરાવતા પંકજ ઉધાસના કંઠે રિપીટ થાય છે. 

ઔર એક લવ સોંગ અલકાના કંઠે (ફરી ભૈરવી રાગિણીમાં) ઉમેરાય છે. ગીતના ગહન ભાવમાં રાચતા સંગીતરસિકને આ ગીત પણ શબ્દોના સાથિયા જેવું લાગે તો નવાઇ નહીં. 'તૂ શાયર મૈં તેરી શાયરી, તૂ આશિક હૈ મૈં તેરી આશિકી...' જો કે તર્જ અને લય એટલાં સરસ છે કે શબ્દોની મર્યાદા ઢંકાઇ જાય.

ભૈરવીનું ત્રીજું ગીત એટલે 'પહલી બાર મિલે હૈં, મિલતે હિ દિલને કહા, મુઝે પ્યાર હો ગયા, તુમને પ્યાર સે દેખા જબ સે...' ફરી એકવાર કહેવું રહ્યું કે સંગીતે શબ્દોની મર્યાદાને સરસ રીતે ઢાંકી દીધી છે. તર્જ, લય, ઇન્ટ્રો, ઇન્ટરલ્યૂડ અને વાદ્યવૃન્દ બધાંનો સરસ સમન્વય થતો અનુભવી શકાય છે.

૧૯૯૧નો બેસ્ટ મેલ સિંગરનો એવોર્ડ કુમાર સાનુને જે ગીત માટે મળ્યો એ ગીત આ રહ્યું- 'મેરા દિલ ભી કિતના પાગલ હૈ, યહ પ્યાર તો તુમ સે કરતા હૈ, પર સામને જબ તુમ આતે હો, કુછ ભી કહને સે ડરતા હૈ...' રસપ્રદ વાત એ છે કે આ ગીત વાસ્તવમાં ડયુએટ છે. કુમાર સાનુ સાથે અલકા યાજ્ઞિાકનો કંઠ છે. પણ ફિલ્મ ફેર એવોર્ડ માત્ર કુમાર સાનુને મળ્યો છે.

આ ફિલ્મે ૧૯૯૧ના વર્ષમાં સૌથી વધુ કમાણી કરી. નદીમ શ્રવણને સતત બીજે વરસે ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો. સતત આવ્યે જતી એક્શન ફિલ્મો વચ્ચે આ એક સોબર પ્રણય ત્રિકોણની કથા ધરાવતી ફિલ્મ લોકોને ખૂબ ગમી. ફિલ્મ સુપરહિટ નીવડી. આ સફળતામાં ફિલ્મના સંગીતનો સિંહફાળો છે.  

Tags :