આયુષ્માન ખુરાનાનો 'ઇમ્પેક્ટ'

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
આયુષ્માન ખુરાનાનો 'ઇમ્પેક્ટ' 1 - image


- 'એક આર્ટિસ્ટ તરીકે મેં વિષયોની પસંદગીમાં વૈવિધ્ય જાળવી રાખ્યું છે. મારી એક બ્રાન્ડ ઊભી થઈ છે, જેના થકી મેં ફિલ્મોના કોન્ટેન્ટને  સમૃદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે.'

સા માન્ય માનવીની જેમ સેલિબ્રિટીઝના કરિયરમાં પણ ચડતી-પડતી આવ્યા કરે છે. પડતી યા તો નિષ્ફળતાનો સમયગાળો એટલે પનોતી કાળ. હિન્દી ફિલ્મોમાં એક નોખું સ્થાન બનાવનાર આયુષ્યાન ખુરાનાએ છેલ્લાં બે વરસ દરમિયાન સારી એવી પડતી જોઈ છે. એની ફિલ્મો ચાલતી નહોતી અને સારું ઓપનિંગ પણ લઈ શકતી નહોતી. સદભાગ્યે એની છેલ્લી રિલીઝ 'ડ્રીમ ગર્લ-૨'થી આયુષ્માનની સાડાસાતી પૂરી થઈ ગઈ હોય એમ લાગે છે. 'ડ્રીમ ગર્લ-૨'એ ૧૦૦ કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. આયુષ્માન માટે બીજા ગુડ ન્યુઝ એ છે કે વિશ્વવિખ્યાત 'ટાઇમ' મેગેઝીને એને પ્રતિષ્ઠિત 'ટાઈમ ૧૦૦ ઇમ્પેક્ટ એવોર્ડ'થી નવાજ્યો છે. આ વરસે આ એવોર્ડ માટે પસંદ થનાર આયુષ્માન એક માત્ર ભારતીય છે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે 'ટાઇમ' દ્વારા એક્ટરનું છેલ્લાં ત્રણ વરસમાં આ બીજી વાર બહુમાન કરવામાં આવ્યું છે. ૨૦૨૦ની સાલમાં એને '૧૦૦ મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પીપલ ઓફ ધ વર્લ્ડ'માં સામેલ કરવામાં આવ્યો હતો. 

આવા પ્રતિષ્ઠિત એવોર્ડ માટે આખા ભારતમાંથી એકલા આયુષ્માનની પસંદગી શા માટે થઈ? એનાં બે કારણો છે. એક તો, આયુષ્માને હિન્દી ફિલ્મોમાં કોન્ટેન્ટનું સ્તર ઊંચે લઈ જવામાં મોટો ફાળો આપ્યો છે. બીજુ, યુનિસેફના એમ્બેસેડર તરીકે એણે બાળકોના હકોના રક્ષણ માટે સારું કામ કર્યું છે. 

એવોર્ડ બદલ કૃતજ્ઞાતા વ્યક્ત કરતા આયુષ્માન કહે છે, 'પ્રતિષ્ઠિત 'ટાઈમ' મેગેઝિને બીજી વાર મારા કેમેરા સામેના તેમજ કેમેરાની ફ્રેમ બહારના કામને બિરદાવ્યું છે. આઇ ફીલ હમ્બલ્ડ! મારા મતે આ એક આર્ટિસ્ટ તરીકે મેં વિષયોની પસંદગીમાં અટલ વિશ્વાસ રાખ્યો અને એક માનવી તરીકે સામાજિક બદલાવ લાવવાના મારાથી થાય એટલા પ્રયત્નો કર્યા એનું આ બહુમાન છે. હિન્દી સિનેમામાં મારી એક બ્રાન્ડ ઊભી થઈ છે, જેના થકી મેં ભારતીય ફિલ્મોના કોન્ટેન્ટમાં વૈવિધ્ય લાવવાનો પ્રયાસ કર્યો છે. ભવિષ્યમાં પણ મારો એવો જ પ્રયત્ન રહેશે. યુનિસેફના એમ્બેસેડર હોવું એ ગર્વની વાત છે. આ માધ્યમ દ્વારા પણ હું મારા દેશનાં વધુને વધુ બાળકોને મદદરૂપ થવાની કોશિશ કરીશ.'

ઓલ ધ બેસ્ટ, આયુષ્માન.   



Google NewsGoogle News