આયુષમાન ખુરાનાઃ દિલ દિલ દાવાનળ
- સોશિયલ મીડિયા પર ધમાચકડી મચાવતી જનતાને સંદર્ભોની પરવા હોતી નથી. અત્યારે તો લોકોની નજરમાંથી આયુષમાન ઉતરી ગયો છે.
આ યુષમાન ખુરાનાનું આવી બન્યું છે. અયોધ્યાના રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ ત્યારે બોલિવુડના સેલિબ્રિટીઓની સાથે આયુષમાન ખુરાનાને પણ આમંત્રણ મળ્યું હતું. એણે હરખભેર હાજરી પણ આપી. આ પ્રસંગના પડઘા હજુ તો શમે તે પહેલાં આયુષ્યમાન ખુરાનાની એક વીડિયો વાઇરલ થઈ ગઈ. શું હતું આ વીડિયો ક્લિપમાં? આયુષમાન સ્ટેજ પર ઊછળી ઊછળીને પાકિસ્તાનનું અનઓફિશિયલ રાષ્ટ્રગીત બની ગયેલું 'દિલ દિલ પાકિસ્તાન' ગીત ગાતો હતો. સ્ટેજના બેકગ્રાઉન્ડમાં પાકિસ્તાનના રાષ્ટ્રઘ્વજની વિરાટ ડિજિટલ ડિઝાઇન દેખાતી હતી. આ ક્લિપ જોઈને લોકો ચોંકી ઉઠયા. સોશિયલ મીડિયા પર આયુષમાનનું પછી જે ટ્રોલિંગ થયું છે!
લોકો કહેવા લાગ્યાઃ અલ્યા, હજુ થોડા દિવસ પહેલાં તું અયોધ્યાના રામ મંદિરમાં રામધૂન ગાતો હતો અને હવે 'દિલ દિલ પાકિસ્તાન' ગાવા લાગ્યો? તું માણસ છે કે તળિયા વગરનો લોટો? તને કંઈ શરમ જેવું છે કે નહીં? કોઈ તારા પર રૂપિયા ફેંકે એટલે તું કંઈ પણ ગાવા લાગીશ? વીડિયોમાં એનો એક્ટર ભાઈ અપારશક્તિ ખુરાના પણ દેખાતો હતો. આ ક્લિપ ટીવીની ન્યુઝ ચેનલોમાં પણ ખૂબ દેખાડાઈ.
લોકોનો આ ગુસ્સો સમજાય એવો હતો. દુશ્મન દેશ પ્રત્યે રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા ગીતમાં ઇન્ડિયન હીરોને કૂદકા મારી મારીને નાચતો જોવો કોને ગમે?
સચ્ચાઈ શું હતી?ખોદકામ કરનારાઓએ પોતાનું કામ અને આ વીડિયો ક્લિપની વિગતો શોધી કાઢી. આ વીડિયો નવો નથી, ૨૦૧૭માં દુબઇમાં યોજાયેલી એક મ્યુઝિક કોન્સર્ટનો છે. તોય લોકોએ દલીલ કરી કે આમાં નવા-જૂનાનો સવાલ નથી. સવાલ એ છે કે ભારતીય ફિલ્મ કલાકારે શા માટે પાકિસ્તાની રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતું ગીત ગાવું જ જોઈએ? વેલ, આયુષમાન વાસ્તવમાં દુબઈની પેલી કોન્સર્ટમાં એશિયાના જુદા જુદા દેશોને અંજલિ આપી રહ્યો હતો. દરેક એશિયન દેશનું રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતું સ્થાનિક ગીત એ વારાફરતી પર્ફોર્મ કરી રહ્યો હતો. પાકિસ્તાની ગીત ગાતાં પહેલાં એ બોલ્યો હતોઃ '...એન્ડ ધિસ ઇઝ ફોર અવર પાકિસ્તાની ફ્રેન્ડ્સ!' આમ કહીને એણે મૂળ જુનૈદ જમશેદે ગાયેલું 'દિલ દિલ પાકિસ્તાન' પર્ફોર્મ કર્યું હતું.
વીડિયોનો આખો સંદર્ભ જોઈએ ત્યારે આયુષમાન પ્રત્યેનો ગુસ્સો કદાચ થોડોક મંદ પડે, પણ સોશિયલ મીડિયા પર ધમાચકડી મચાવતી જનતાને સંદર્ભોની પરવા હોતી નથી. અત્યારે તો એમની નજરમાંથી આયુષમાન ઉતરી ગયો છે. જોઈએ, આયુષમાન શી રીતે પોતાની ગુમાવેલી આબરૂ પાછી મેળવે છે.