'લૈલા મજનુ'ની મેજિકલ વાપસી પછી અવિનાશ તિવારી ફુલ ફોર્મમાં
- ઇમ્તિયાઝ અલીએ છ વરસ પછી તાજેતરમાં 'લૈલા મજનુ'ને ફરી રિલીઝ કરી. સમીક્ષકોના મતે ફિલ્મને બીજી ઇનિંગ્સમાં મળેલી સકસેસ માટે તૃપ્તિ ડિમરીનું આકર્ષણ જવાબદાર છે.
દર્શકોમાં કોઈ સ્ટાર માટે ક્રેઝ ઊભો થાય પછી એનો લાભ એક્ટર સાથે જોડાયેલી દરેક વસ્તુને મળે છે. સ્ટાર રાતોરાત પારસમણિ બની જાય છે. સુપરડુપર હીટ ફિલ્મ 'એનિમલ'થી નેશનલ સેન્સેશન બની ગયેલી તૃપ્તિ ડિમરી એનો તાજો અને તાદ્રશ્ય દાખલો છે. ૨૦૧૮માં તૃપ્તિની એક ફિલ્મ આવી હતી 'લૈલા મજનુ' રાઇટર-પ્રોડક્યુસર ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મ એમના ભાઈ સાજિદ અલીએ ડિરેક્ટ કરી હતી. 'લૈલા-મજનુ'ની મોહબ્બતની દાસ્તાન પર ઘણી હિન્દી ફિલ્મો બની છે અને મોટાભાગની સફળ પર રહી છે, પરંતુ અલીની લવ-સ્ટોરીનું બૉક્સ ઑફિસ પર ધબાય નમ: થઈ ગયું હતું. એની લીડ પેઅર તૃપ્તિ અને અવિનાશ તિવારીના નામે એક ફ્લોપ ફિલ્મ લખાઈ ગઈ, પરંતુ ઇમ્તિયાઝ અલીને પોતાની ફિલ્મના વજુદ પર ભરોસો હતો. એમણે છ વરસ પછી હમણાં 'લૈલા મજનુ'ને ફરી રિલિઝ કરી. ઔર ચમત્કાર હો ગયા. પહેલી રિલિઝ દરમિયાન માંડ બે કરોડ રળી શકેલી 'લૈલા મજનુ'એ રિ-રિલિઝના પહેલા ચાર દિવસમાં જ પોણા ત્રણ કરોડનો બિઝનેસ કરી લીધો. પ્રેક્ષકો અજરાઅમર પ્રેમકથા માણવા થિયેટરોમાં ઉમટી પડયા. નવાઈની વાત એ છે કે ફિલ્મ ઓટીટી અને યુ ટયુબ પર અવેલેબલ હોવા છતાં લોકો એ જોવા મલ્ટિપ્લ્કેસમાં પહોંચ્યા.
ફિલ્મ સમીક્ષકોના મતે મૂવીને બીજી ઇનિંગમાં મળેલી સકસેસ માટે તૃપ્તિ ડિમરીનું આકર્ષણ જવાબદાર છે. જો કે અલી એ વાત સાથે સંમત નથી. ખેર, સાચું ખોટું જે હોય તે પણ 'લૈલા મજનુ'ની અણધારી સફળતા પછી એનો હીરો અવિનાશ તિવારી ફરી લાઈમલાઈટમાં આવી ગયો છે. એક ઈવેન્ટમાં અવિનાશે મીડિયા સાથે પોતાની ખુશી શૅર કરતા કહ્યું, 'લૈલા મજનુ'ના અમારા ડિરેક્ટર સાજિદ અલીએ હમણાં મને જણાવ્યું કે છેલ્લે હું મારી ફિલ્મનો રિસ્પોન્સ જાણવા થિયેટરમાં ગયો ત્યારે ગણીને સાત લોકો હતા. આજે એ જ ફિલ્મ માટે થિયેટરોમાં હાઉસફૂલના બોર્ડ્સ લાગ્યા છે.'
તિવારીજીનું એવું માનવું છે કે પ્રેક્ષકોનો પ્રેમ ફિલ્મને સિનેમાના સ્કીન પર પાછો લઈ આવ્યો છે. 'એક માન્યતા એવી ઘર કરી ગઈ છે કે ઓટીટી પર ઘેર બેઠા ફિલ્મો જોવા મળી જતી હોવાથી લોકો હવે સિનેમાઘરોમાં ફરકતા નથી. એ જોતા દર્શકો 'લૈલા-મજનુ' જોવા થિયેટરોમાં ઉમટયા એ એક ચમત્કાર જ કહેવાય. પબ્લિક ડિમાંડને કારણે આ બન્યું છે. લોકોના મનમાં ફિલ્મ જોવાની ઇચ્છા ધરબાયેલી હતી અને તક મળી એટલે એમણે પોતાનો પ્રેમ મલ્ટિ-પ્લેકસીસની ટિકિટો ખરીદીને દર્શાવ્યો,' એમ અભિનેતા પ્રસન્ન વદને કહે છે.
અવિનાશને એના ફેન્સ ફરી એક લવ-સ્ટોરીમાં કામ કરવાનો આગ્રહ કરી રહ્યા છે. એ વિશે પત્રકારોને પોતાના દિલની વાત કરતા એક્ટર કહે છે, 'ઈન ફેક્ટ, મને પણ રોમાન્ટિક મુવીઝ કરવી ગમશે, પરંતુ એમાં કંઈક સ્પેશિયલ હોવું જોઈએ. મારે એકના એક પ્રકારની ચીલાચાલુ લવસ્ટોરીઝ કરવી નથી. એક આડ વાત કરું તો કોઈ પણ આર્ટની આવરદા લાંબી હોવી જોઈએ એવું હું માનું છું. કળાનું ચિરંતન મૂલ્ય હોય તો જ એની સાર્થકતા છે. આજે બધા દર્શકોને થિયેટરોમાં લાવવા જાતજાતની તરકીબ અજમાવાય છે, પરંતુ મેકર જો પ્રેક્ષકોના પ્રેમનો ખરા અર્થમાં આદર કરતો હોય તો એણે ઓડિયન્સ સાથે ઇમાનદારી વર્તવી જોઈએ.'
અવિનાશ તિવારી આગામી દિવસોમાં પોતાની બે ફિલ્મોની રિલિઝની તૈયારીમાં પડયો છે. પહેલી છે બોમન ઈરાનીની ડિરેક્ટરોરિયલ ડેબ્યુ 'ધ મેહતા બોયઝ'. જ્યારે બીજી છે ડિરેક્ટર નીરજ પાંડેની પહેલી ઓટીટી ફિલ્મ 'સિકંદર કા મુકદ્દર', 'ખાકી : ધ બિહાર ચેપ્ટર' (૨૦૨૨) બાદ તિવારી અને પાંડે આ બીજા પ્રોજેક્ટમાં સાથે આવી રહ્યા છે.