Get The App

અવિનાશ તિવારી : વધુ કામ મેળવવા હું ઘાંઘો થતો નથી

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
અવિનાશ તિવારી : વધુ કામ મેળવવા હું ઘાંઘો થતો નથી 1 - image


કો ઈક ભૂમિકામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા અભિનેતાને તેવી જ ભૂમિકામાં કાઇપકાસ્ટ કરવાનું વલણ બોલિવુડમાં કંઈ નવું તો નથી જ, પણ આવા વલણને કારણે જે તે અભિનેતા અથવા અભિનેત્રીની કારકિર્દી કુંઠિત થઈ જાય એવી પ્રબળ શક્યતા રહેલી હોય છે. હાલમાં જ 'મડગાંવ એક્સપ્રેસ'માં અફલાતૂન ભૂમિકા ભજવી માત્ર દર્શકોની જ નહીં, પણ વિવેચકોની વાહ-વાહ હાંસલ કરી. આ અભિનેતા છે, અવિનાશ તિવારી.

આ અદાકારને 'મડગાંવ એક્સપ્રેસ'માં જે ભૂમિકા મળી તે ખરેખર અફલાતૂન હતી. જેમાં તેણે કોઈ પણ પ્રકારના દ્વિઅર્થી સંવાદો કે સેક્સના અતિરેક્ત વિનાની સ્વચ્છ ભૂમિકા ભજવી અને દર્શકોને ખડખડાટ હસાવ્યા અને વિવેચકોનો પ્રેમ પણ જીત્યો. આથી, તેને ભવિષ્યમાં આવા પ્રકારની ભૂમિકા ઑફર થાય તો તે કરશે કે કેમ? એવો પ્રશ્ન પૂછાયો ત્યારે અવિનાશે જણાવ્યું, 'જ્યારે કૃણાલ (ખેમુ દિગ્દર્શક-અભિનેતા)એ અમને ફિલ્મની વાર્તા સંભળાવી ત્યારે અમે હસી-હસીને બેવડ વળી ગયા હતા. 

આ પછી, તેણે ફરી વાર પટકથા સંભળાવી ત્યારે મને લાગ્યું કે આમાં તો કંઈક સ્પેશિયલ છે. આવું તો આવા પ્રકારની સ્વચ્છ કોમેડી ફિલ્મમાં ભાગ્યે જ જોવા મળે છે. આવી ફિલ્મો તો આખો પરિવાર સજોડે બેસીને જોઈ શકે છે અને ખડખડાટ હસી શકે છે.'

આ પછી વધુ વિસ્તારતા અવિનાશે જણાવ્યું, 'જો કેટલાક પ્રોજેક્ટ્સ ન કરવા ઇચ્છતો હોઉં તો હું ના પાડું છું અને ના કહી દઉં છું. એકથી વધુ બાબતો એક સાથે બનવી જોઈએ, ફિલ્મમાં કામ કરવા માટે. મારું વલણ એ છે કે હું પહેલાં સારી સ્ક્રિપ્ટ પર આધાર રાખું છું. નિર્માતા અને પછી પ્રોડક્શન હાઉસ તેનું સમર્થન કરે છે. 'મડગાંવ એક્સપ્રેસ'માં આ બધાં જ પરિબળો કામ કરતાં હતા.'

અવિનાશ તિવારી ૨૦૧૭માં ટીવી શૉ 'યુધ્ધ' અને 'તું હૈ મેરા સન્ડે' (૨૦૧૭) સાથે આ ઉદ્યોગમાં પ્રવેશ્યા છે, પરંતુ તેમની પાસે અત્યાર સુધી તો મર્યાદિત સંખ્યામાં જ પ્રોજેક્ટ્સ છે. જ્યારે એવું લાગે છે કે તે જે કામ કરવા માગે છે તેના માટે તે પસંદ કરે છે. તિવારી કહે છે, 'હું વધુ કામ કરવા માટે ઘાંઘો થતો નથી. હકીકતમાં મેં હું ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છું. કામનો અંત તો ક્યારેય આવવાનો જ નથી. મારી કેટલીક ફિલ્મોને રિલીઝ થવામાં વિલંબ થયો છે. જેમ કે, 'બમ્બઈ મેરી જાન' (તે ૨૦૨૩માં રિલીઝ થઈ હતી.) ફિલ્મને બનાવવામાં ચાર વર્ષ લાગ્યાં હતાં. બોલિવુડનો ફિલ્મોદ્યોગ બે વખત ઠપ્પ થઈ ગયો, જેમાં કોવિદનો પણ સમાવેશ થાય છે, જેણે આપણા હાથમાંથી ઘણુંબધું લઈ લીધું.'

વાસ્તવમાં અભિનેતાને લાગે છે કે તેની કારકિર્દી હવે સોળે કળાએ ખીલી છે. થોડા સમયમાં એ 'ધ મહેતા બૉય્ઝ' નામની ફિલ્મ જોવા મળશે.


Google NewsGoogle News