Get The App

આશુતોષ રાણા ભયમુક્ત રહેવાનો મારગ બતાવે છે

Updated: Oct 19th, 2023


Google News
Google News
આશુતોષ રાણા ભયમુક્ત રહેવાનો મારગ બતાવે છે 1 - image


- 'ફિલ્મ રિલીઝ થયા બાદ પ્રેક્ષકોની બની જાય છે. એમને જો ફિલ્મ જોવામાં આનંદ આવે તો અમારે કલાકારોએ એમ સમજવાનું કે આપણા કામનું વળતર મળી ગયું.' 

એક્ટર તરીકે આશુતોષ રાણા બટાટા જેવો છે. કોઈ પણ શાકમાં જેમ બટેટા ભળી જાય એમ આશુતોષ કોઈ પણ જોનરની ફિલ્મમાં ફિટ બેસી જાય છે. દરેક પાત્રમાં એનો અભિનય એક અમિટ છાપ છોડી જાય છે. રાણાએ હવે એક આઉટ એન્ડ આઉટ કોમેડી ફિલ્મ કરી છે. 'ડર્રન છુ' નામની આ ફિલ્મમાં આશુતોષની સાથે મનોજ જોશી અને કરણ પટેલ પણ મહત્ત્વના રોલમાં છે. ભરત રતન દિગ્દર્શિત 'ડર્રન છુ'ના પ્રોડયુસર છે મીન પટેલ અને અંકિતા ભાર્ગવ પટેલ. ફિલ્મના પ્રમોશનરૂપે આશુતોષ રાણાએ મીડિયાને અલપઝલપ ઇન્ટરવ્યૂ આપી વિવિધ વિષયો પર રસપ્રદ વાતો કરી હતી. આશુતોષના ઇન્ટરવ્યૂનો સારાંશ માણવા જેવો છે :

બૉક્સ-ઑફિસ પાસેથી ઝીરો અપેક્ષા : ઓટીટી આજે ભલે મોટું મીડિયમ બની ગયું હોય, પણ પ્રોડયુસર-ડિરેક્ટર અને એક્ટરની થિયેટ્રિકલ રિલિઝ સંબંધી અપેક્ષા લગીરે ઓછી નથી થઈ. ઉલ્ટાની, બૉક્સ-ઑફિસ બિઝનેસની અપેક્ષા વધી છે એમ કહી શકાય. આશુતોષ આ બાબતમાં બધાથી જુદો પડતા કહે છે, 'હું કદી કોઈ પ્રકારની અપેક્ષા રાખતો જ નથી. મારો મત એવો છે કે જ્યાં સુધી ફિલ્મ બનતી હોય ત્યાં સુધી એ એના એક્ટર અને પ્રોડક્શન ટીમની છે. ફિલ્મ રિલિઝ થયા બાદ એ પ્રેક્ષકોની બની જાય છે. એમને જો ફિલ્મ જોવામાં આનંદ આવે અને એમનું મનોરંજન થાય તો અમારે કલાકારોએ એમ સમજવાનું કે આપણાં કામનું વળતર મળી ગયું અને આપણી મહેનત લેખે લાગી. હું કોઈ પ્રકારની આશા સેવતો નથી એટલે જ ખુશ છું. હું એવું કામ કરું છું જેમાં મને આનંદ આવે છે, પરંતુ એની સાથોસાથ મનમાં એવી ઇચ્છા પણ ખરી કે દર્શકોને પણ મારી ફિલ્મ જોવામાં આનંદ આવવો જોઈએ.'

નવા ડિરેક્ટર સાથે કામ કરવાનો અનુભવ : 'મેં મારી એક્ટિંગ કરિયર જ એક સાવ નવી ડિરેક્ટર તનુજા ચન્દ્રા સાથે શરૂ કરી હતી. હું કદી એવા ભ્રમમમાં રહેતો નથી કે કોઈ વ્યક્તિ નવી છે એટલે એ ટેલેન્ટેડ નહિ હોય અને અનુભવી લોકો ટેલેન્ટેડ જ હોય. આવો અભિગમ રાખીને હું ચાલતો નથી. હું હંમેશા સ્ટોરી અને ડિરેક્ટર વિશે જ વિચારું છું. ડિરેક્ટરમાં સ્ટોરીને સિનેમાના પડદા પર જીવંત કરી દેવાનો સ્પાર્ક છે કે નહિ એ જોઉં છું. ફિલ્મમેકરમાં જો એ સ્પાર્ક હોય તો હું એને સરેન્ડર થઈ જાવ છું. પછી એ નવો હોય કે જૂનો એનાથી મને કોઈ ફરક નથી પડતો. 'ડર્રન છું'ના ડિરેક્ટર ભરત રતને આ ફિલ્મથી ડેબ્યુ કર્યું  છે. એમની સાથે કામ કરવાનો અનુભવ ખરેખર સરસ રહ્યો. એમની સ્ટોરી સરસ છે અને ફિલ્મમાં એ સુંદર રીતે કહેવાય પણ છે. ઈન શોર્ટ, આખી ટીમ સાથે કામ કરવામાં મજા પડી, બહુ આનંદ આવ્યો.'

સ્ટોરી ક્યા હૈ : 'ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં વ્યક્તિના મનમાં ઘર કરી ગયેલો ડર છે. આ ડર એક એવી ચીજ છે જે વ્યક્તિની સ્પીડ અને એની પ્રોગ્રેસ (પ્રગતિ)ને બ્રેક મારી દે છે. 

માણસ જો પોતાના ભયથી મુક્ત થઈ જાય તો ધારે એ મેળવી શકે છે. આખી ફિલ્મ આવી થીમની આસપાસ ફરે છે. તમે ડરને બરાબર ઓળખી લો તો જ એના પર કાબૂ મેળવી શકો છો. ખરેખર તો આ એક ગંભીર ટોપિક છે, પણ ફિલ્મમાં એને કોમેડી સ્વરૂપે રજુ કરાયો છે. ફિલ્મની સ્ટોરીમાં માનવીના ભય વિશે એકદમ હળવાશથી પણ સચોટ રીતે વાત કરાઈ છે.

મેં કોઈ પ્રકારનો ભય પોષ્યો નથી : એક્ટર તરીકે મને જુદા જુદા રોલ કરવા મળે છે એ જ મારા માટે સૌથી મોટી ખુશીની વાત છે. મેં કદી કોઈ એવો ડર પોષ્યો નથી, જે મારામાં અસુરક્ષાની ભાવના ઊભી કરે. તમે જો તમારા ડરનો મિત્રભાવે લાવો તમે કદી ડિપ્સ્સડ કે દુઃખી ન થાવ. બીજી એક મહત્ત્વની વાત મેં કદી અંગત ખુશી મેળવવા કામ નથી, પણ હસતા-હસતા ખુશીથી કામ કર્યું છે. કદાચ એટલે જ જાતજાતના ખોટા ભય મારા મગજમાં પ્રવેશી નથી શક્યા.'

Tags :