અર્શદ વારસીની વિરોધાભાસી વાત : મને 'એનિમલ' ગમી ખરી, પણ હું એમાં કામ ન કરું

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
અર્શદ વારસીની વિરોધાભાસી વાત : મને 'એનિમલ' ગમી ખરી, પણ હું એમાં કામ ન કરું 1 - image


- 'ઈન્દ્ર કુમારે મને 'ગ્રાન્ડ મસ્તી' ઑફર કરી ત્યારે મેં ના પાડી દીધી હતી. મને એ પ્રકારની ફિલ્મો ગમતી નથી. મને સેક્સ કોમેડીઝમાં ભૂમિકા કરવી ભલે ન ગમતી હોય, પણ એ જોવામાં વાંધો નથી.'

રણબીર કપૂર, રશ્મિકા મંદાના અને બોબી દેઉલની બહુચર્ચિત ફિલ્મ 'એનિમલ'એ ૧લી ડિસેંબરે રિલિઝ થયા પછી અત્યાર સુધીમાં રૃા.૮૮૮ કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે. ક્રાઈમ અને અન્ડરવર્લ્ડની પશ્ચાદ્ભૂમાં આકાર લેતી એ એક પિતા-પુત્ર વચ્ચેના વેરઝેરની સ્ટોરી છે. 'એનિમલ' સારા અને ખરાબ બંને પ્રકારના કારણોસર ચર્ચામાં છે. કેટલાંક દર્શકો ફિલ્મમાં ઍક્ટરોના પરફોર્મન્સ પર વારી ગયા છે તો કેટલાંકે હિંસા અને સ્ત્રીઓ પ્રત્યેના તિરસ્કારની મહત્તા વધારવા બદલ ડિરેક્ટર સંદીપ વાંગા રેડ્ડી પર માછલાં ધોયા છે. 

આ ઉપરાંત ફિલ્મની રિલિઝ બાદ રણબીર અને તૃપ્તિના ન્યુડ અને ઇન્ટિમેટ સીન્સના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. ઈન શોર્ટ, 'એનિમલ' એક એવી ફિલ્મ છે જેને તમે ધિક્કારો કે વખાણો, પણ એની ઉપેક્ષા તો ન જ કરો.

આમ જનતા તો ઠીક, બોલિવુડના ઍક્ટરો પણ જાહેરમાં 'એનિમલ' વિશે ચર્ચા કરવામાંથી બાકાત નથી રહ્યા. તાજેતરમાં એક મીડિયા હાઉસ દ્વારા યોજાયેલી રાઉન્ડટેબલ કોન્ફરન્સમાં ફિલ્મ વિશે પોતાનો દ્રષ્ટિકોણ રજુ કરતા 'મુન્નાભાઈ'નો સર્કિટ અર્શદ વારસી કહે છે, 'સીરિયસ ઍક્ટરો ભલે 'એનિમલ'ને ધિક્કારતા, પણ મને ફિલ્મ ગમી છે. એ કિલ બિલના મેલ વર્ઝન જેવી છે. સિનેમા પ્રત્યેનો મારો આખો પોઇન્ટ ઑફ વ્યૂ અલગ છે. હું ફિલ્મોને કમ્પ્લીટ  એન્ટરટેઈનમેંટ તરીકે જોઉં છું. તમે મનોરંજન ખાતર તો થિયેટરમાં ફિલ્મ જોવા જાવ છો. ફિલ્મ જોતી વખતે બહુ બધું વિચારવાનું મને નથી ગમતું. મારે એમાંથી શીખવું નથી અને બોધપાઠ પણ લેવો નથી. એ બધુ તો હું સ્કૂલમાં ભણી ચુક્યો છું.'

ફિલ્મ અને ડિરેક્ટરના વિઝનનો બચાવ કર્યા બાદ વારસીએ એમ કહીને શ્રોતાઓને ચોંકાવી દીધા કે ઍક્ટર તરીકે હું પોતે આવી ફિલ્મમાં કામ ન કરું. પોતાના આવા વિરોધાભાસી વલણ વિશે વિગતવાર ખુલાસો કરતા ઍક્ટર કહે છે, 'અમુક એવી ચીજો હોય છે જે આપણને જોવી ભલે ગમે, પણ કરવી નથી ગમતી. દાખલા તરીકે, ઈન્દ્ર કુમારે મને 'ગ્રાન્ડ મસ્તી' ઑફર કરી ત્યારે મેં ના પાડી દીધી હતી. મને એ પ્રકારની ફિલ્મો ગમતી નથી. મને સેક્સ કોમેડીઝમાં ભૂમિકા કરવી ભલે ન ગમતી હોય, પણ એ જોવામાં વાંધો નથી. આ વાત કદાચ તમને ફની લાગશે. એમ તો મને પોર્ન ફિલ્મો જોવી ગમે છે, પણ હું એમાં કામ ન કરું.' 


Google NewsGoogle News