અર્શદ વારસી : આ વર્સેટાઇલ એક્ટર પાસે હજુય આપવા જેવું ઘણું બધું છે...

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
અર્શદ વારસી : આ વર્સેટાઇલ એક્ટર પાસે હજુય આપવા જેવું ઘણું બધું છે... 1 - image


- 'અસુર'ની સફળતા બાદ અર્શદ ફરી પાછા એ  અવતારમાં જોવા મળશે જે દર્શકોને અતિ પ્રિય છે - હાસ્યાવતાર

-  'હું શૂટિંગમાં વ્યસ્ત ન હોઉં ત્યારે ફક્ત અને ફક્ત મારી પત્ની મારિયા અને મારાં બન્ને સંતાનો સાથે  ભરપૂર આનંદ કરું છું. મારી ખુશમિજાજીનો યશ હું મારા પરિવારને જ આપું છું.'

મુન્નાભાઇ એમ.બી.બી.એસ. અને લગે રહો મુન્નાભાઇના  સર્કીટને ભલા  કોણ ન ઓળખે ? ફોડ  પાડીને કહીએ તો સર્કીટ એટલે હિન્દી ફિલ્મ જગતનો મજેદાર કોમેડિયન અને પ્રતિભાશાળી એક્ટર અર્શદ  હુસેન વારસી.

અર્શદ વારસી છેલ્લે ઓવર ધ ટોપ(ઓટીટી) સિરીઝ 'અસુર'ની સિઝન વન અને ટુને કારણે ઠીક ઠીક ન્યુઝમાં રહ્યા હતા. 'અસુર'  સિરિઝમાં અર્શદ વારસીએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ના  બાહોશ ઓફિસર  ધનંજય રાજપૂતની બહુ વિશિષ્ટ અને અસરકારક ભૂમિકા ભજવી છે. દર્શકોએ  અર્શદ વારસીને પહેલી જ વખત કોમેડિયનને બદલે નવી, અલગ, ગંભીર, પડાકારરૂપ  ભૂમિકામાં જોયો અને બહોળો આવકાર પણ આપ્યો છે.  

 હિન્દી ફિલ્મ જગતમાં ઘણાં કલાકારો બહુમુખી પ્રતિભા ધરાવે છે. આવાં કલાકારોમાં  અભિનય ઉપરાંત ડાન્સ, કોરિયોગ્રાફી, કોમેડી, ટેલિવિઝન શોનું કુળશ  સંચાલન વગેરે પ્રતિભા  અને કુશળતા હોય છે.  અર્શદ વારસી આવો બહુમુખી પ્રતિભા ધરાવતો કલાકાર છે.

મુંબઇમાં જ જન્મેલા  અને ઉછરેલા અર્શદ વારસીએ આમ તો મુન્નાભાઇ એમ.બી.બી.એસ., લગે રહો મુન્નાભાઇ, હલચલ, ગોલમાલ વગેરે કોમેડી ફિલ્મોમાં  ફિલ્મ પ્રેમીઓને ભરપૂર હાસ્યસભર મનોરંજન કરાવ્યું છે. અર્શદ વારસીની કોમીક સેન્સ અફલાતૂન છે. 

હવે આ જ અર્શદ વારસીએ ઓટીટી સિરીઝ  'અસુર'માં જે સાવ જ નવી અને વિશિષ્ટ ભૂમિકા ભજવી છે તે તેની અભિનયયાત્રાની પણ નવી  શરૂઆત છે એમ જરૂર કહી શકાય. અસૂર સિરીઝની સ્ટોરી  રહસ્યમય, રોમાંચક, નાટયાત્મક તત્ત્વોથી ભરપૂર છે. અમુક તબક્ક તો ભયાનક ષડયંત્રો પણ રચાય છે. 

 બોલિવુડમાં પ્રવેશ કર્યો તે પહેલાં કોસ્મેટિક ચીજ વસ્તુઓ ઘરે ઘરે જઇને વેચવાનું કામ કરતો અર્શદ વારસી કહે છે, અસુર સિરિઝ મારી અભિનય કારકિર્દી  માટે બહુ  મહત્વની અને પરિવર્તનરૂપ બની રહી છે. હા, મુન્નાભાઇ અને લગે રહો નો સર્કીટ પણ મારા માટે શુકનવંતો બની ગયો કારણે કે આ જ સર્કીટના પાત્રથી મારું નામ બોલીવુડમાં જાણીતું અને લોકપ્રિય થયું. આમ છતાં ખરું કહું તો સર્કીટની ભૂમિકા દર્શકોને બહુ બહુ ગમી ગઇ છે. એક અભિનેતા તરીકે  મારું મનપસંદ પાત્ર તો ઇશ્કિયાં ફિલ્મનું  બબ્બન છે. હા, સર્કીટને ફરી એક વખત પડદા પર જોવું જરૂર ગમશે. મને સર્કીટની આવી મજેદાર અને હલકીફૂલકી ભૂમિકા આપવા માટે હું રાજુ સરનો આજીવન આભારી રહીશ.

ગાયક, ડાન્સર, કોરિયોગ્રાફર, ટીવી  શોનું કુશળ સંચાલન કરવાની એમ વિવિધલક્ષી કુશળતા  ધરાવતો અર્શદ જૂનાં સંસ્મરણો યાદ કરતાં કહે છે, હું અને સંજ ુ(સંજય દત્ત) આજે પણ પેલા મુન્નાભાઇને અને સર્કીટને બંનેને બહુ યાદ કરીએ છીએ.  રૂબરૂ મળીએ ત્યારે તો જૂની વાતો કરીને પેટ ભરીને હસીએ.

આમ છતાં હિન્દી ફિલ્મ જગતમાં વિવિધ પ્રકારનાં પાત્ર  સહજતાથી ભજવી શકે તેવાં કલાકાર  બહુ થોડાં છે. આલા દરજ્જાના અભિનેતા દિલીપ કુમાર, સંજીવ કુમાર, નૂતન, વહીદા રહેમાન, પરેશ રાવલ વગેરે કલાકારો બહુમુખી પ્રતિભા ધરાવતાં છે. હા, હું મારી વાત કરું તો હવે હું  જુદી જુદી ભૂમિકાઓ ભજવી શકું છું  એવો અને એટલો આત્મવિશ્વાસ વધી રહ્યો છે. નિર્માતાઓ અને દિગ્દર્શકો કોમેડિયન સહિત ગંભીર, પડકારરૂપ, નાટયાત્મક વગેરે પ્રકારની ભૂમિકા માટે મારા પર જરૂર  ભરોસો કરી શકે છે.

મને દિગ્દર્શક  કબીર કૌશીકે  સેહર ફિલ્મમાં પહેલી જ વખત  પોલીસ ઓફિસરની ભૂમિકા આપીને મારી અભિનય પ્રતિભા પર ભરોસો કર્યો અને હું સફળ  રહ્યો. ત્યારબાદ વૈસા ભી હોતા હૈ (પાર્ટ ૨) ફિલ્મમાં શશાંક ઘોષે પણ મજેદાર તક આપી.  ઓટીટી સિરીઝ અસુરને સફળતા મળી એટલે તેનો બીજો ભાગ પણ રજૂ થયો. 

હિન્દી ફિલ્મ જગતમાં તેરે મેરે સપન ે(૧૯૯૬) ફિલ્મથી પા પા પગલી ભરનારો અર્શદ વારસી કહે છે, મહાનાયક  અમિતાભ બચ્ચનની અમિતાભ બચ્ચન  કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી તેરે મેરે સપને ફિલ્મમાં મને જયા બચ્ચનજીએ તક આપી અને મારી અભિનય  યાત્રા શરૂ થઇ. તેરે મેરે સપનેથી શરૂ થયેલી  આ યાત્રા ૨૩ વર્ષથી  અખંડ રહી છે જે  અસુર  સુધી  પહોંચી  છે.  હું ૨૭ વર્ષથી  બોલિવુડમાં છું તેનો ઘણો યશ અમિતજીને અને જયાજીને છે. મારા  અભિપ્રાય  મુજબ અસૂર-૧ની સરખામણીએ અસૂર-૨ વધુ અસરકારક બની  છે. બીજા ભાગમાં તો  કથામાંનાં પેલાં સનસનીખેજ  તત્ત્વોની અસર  વધુ ધારદાર બન્યાં હોવાથી દર્શકોનો પણ બહોળો આવકાર મળ્યો છે. મારું ધનંજય રાજપૂતનું પાત્ર તો એક તબક્કે સાચું પણ લાગે અને સાવ જ ખોટું સુદ્ધાં લાગે.  આ જ તો રહસ્ય છે અસુરની અફલાતૂન કથાનું. મને મારી ધનંજય રાજપૂતની ભૂમિકા ખરેખર બહુ ગમી છે. 

અસુરના બંને ભાગને  દર્શકોએ ઉમળકાભેર આવકાર  આપ્યો છે ત્યારે સિરિઝના નિર્માતા અને  દિગ્દર્શક અસુર સિરિઝનો ત્રીજો ભાગ પણ બનાવે  તેવી મારી અદમ્ય ઇચ્છા છે. જોકે ફિલ્મના ત્રીજા ભાગની સ્ટોરી લખવી ખરેખર બહુ પડકારરૂપ કામગીરી છે.ભારતમાં છેલ્લાં થોડાં વરસોથી ઓટીટીની લોકપ્રિયતા સતત વધી રહી હોવાથી તેનો લાભ દર્શકોને તથા અમુક જૂનાં કલાકારોને થઇ રહ્યો છે. વળી, ઓટીટી પરની મોટાભાગની સિરિઝમાં રહસ્ય,ભય, રક્તરંજિત  ઘટનાઓ, પોલીસ, ગુંડાગીરી વગેરે તત્ત્વોના તાણાવાણા ગુંથાતા હોવાથી દર્શકો ઘરે  આખા પરિવાર સાથે બેસીને આનંદ માણી શકે છે. 

અર્શદ વારસી હાલ જોલી એલ.એલ.બી.- ૩ના શૂટિંગમાં વ્યસ્ત છે. અર્શદ વારસી આ ફિલ્મમાં પણ કોમેડી કરીને દર્શકોને હાસ્યના હોજમાં રસતરબોળ  કરી દેશે. વેલકમ -૩ માં તો અર્શદ વારસી સાથે અક્ષય કુમાર અને  જ્હોની લીવર પણ હોવાથી દર્શકોને જબરી હાસ્ય ધમાલ થશે.  ફિલ્મના કલાકારો પણ છેવટે તો જીવતાં જાગતાં માનવી  છે. અમુક ફિલ્મોનું શૂટિંગ તો વિદેશમાં એક દોઢ મહિના સુધી થાય છે. એટલે આ બધા દિવસો કલાકારો તેમના પરિવારથી દૂર હોય. 

ખુશમિજાજ  સ્વભાવવાળો અર્શદ વારસી કહે છે, સાચી વાત છે. હું શૂટિંગમાં વ્યસ્ત ન હોઉં ત્યારે ફક્ત અને ફક્ત મારી પત્ની મારિયા ગોરેટ્ટી, દીકરા અને દીકરી સાથે  ભરપૂર આનંદ કરું છું. ક્યારેક અમે મોજમજા કરવા ગોવા જઇએ છીએ. હું તો ભારપૂર્વક માનું છું કે  મારી સફળતા, ઉર્જા, ખુશમિજાજ સ્વભાવ બધાનો યશ મારા પરિવારને  છે.



Google NewsGoogle News