અર્શદે 'સર્કિટ' જેવો આઇકનિક રોલ કચવાતા મને સ્વીકાર્યો હતો
અરબાઝ ખાન 'પટના શુકલા' પછી નવી ફિલ્મ 'બંદા સિંહ ચૌધરી' લઈને આવ્યો છે. ફિલ્મની પ્રમોશનલ ઇવેન્ટસમાં અરબાઝ અચુક હાજર રહ્યો હતો, પરંતુ મીડિયા સાથેના ઇન્ટરએક્શનમાં એણે ફિલ્મના લીડ એક્ટર અર્શદ વારસીને આગળ કર્યો. સત્ય ઘટના પર આધારિત મૂવીમાં સંકટ સમયે એક આમ આદમીની સાહસિક લડતનું નિરૂપણ કરાયું છે. ડિરેક્ટર અભિષેક શર્માની આ ફિલ્મની સ્ટોરી ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધ પંજાબમાં આકાર લે છે. કોમી હિંસા દરમિયાન એક સામાન્ય માનવી પોતાના પરિવારને બચાવવા શું કરે છે એની આ સ્ટોરી છે. 'બંદા સિંહ ચૌધરી'માં અર્શદ સામે મેહર વિજ લીડ રોલમાં છે.
લાંબા અરસા બાદ અર્શદ સાથે વાત કરવાની તક મળી હોવાથી પ્રમોશનલ ઈવેન્ટમાં મીડિયાએ એના પર પ્રશ્નોની જડી વરસાવી. સૌથી પહેલા વારસીને પૂછાયું કે તમે 'ઇશ્કિયા' અને 'અસુર' જેવી ફિલ્મોમાં ગંભીર ભૂમિકાઓ કરી હોવા છતાં પબ્લિકમાં તમારી કોમિક ઈમેજ જ કાયમ છે. એનું કારણ તમને શું લાગે છે? રાજકુમાર હિરાનીની 'મુન્નાભાઈ'માં સર્કિટના કોમિક રોલને જીવી જનાર એક્ટર જવાબમાં કહે છે, 'સર, સચ કહું તો અબ લોગોં કો વો હી પસંદ આતા હૈ. લોકોને ટ્રેજિક સ્ટોરીઝ ગમતી નથી, એમને હસવું પસંદ છે. જો કે કોમિક હોય કે સીરિયસ રોલ, મારો પ્રયાસ તો હંમેશા સારા પાત્રોને ન્યાય આપવાનો હોય છે. હલકી ઘટિયા કૉમેડીથી હંમેશા બચતો રહું છું. હકીકત તો એ છે કે હું ઋષિકેશ મુખરજીની ફિલ્મ 'ચુપકે ચુપકે' અને સાંઈ પરાંજપેની 'ચશ્મે બદ્યુર' જેવી કૉમેડી કરવા ઇચ્છું છું.'
બીજા સવાલમાં પત્રકારો હળવેથી ગુગલી નાખે છે, 'સર, તમે આટલી સિલેક્ટેડ ફિલ્મો જ શા માટે કરો છો?' અર્શદ પાસે એનો વાજબી ખુલાસો છે, 'મૈં ક્યા કરું? મારો પ્રોબ્લેમ એવો છે કે જ્યાં સુધી મારું દિલ ન માને ત્યાં સુધી કોઈ અસાઇનમેન્ટ સ્વીકારતો નથી. મારી પાસે એવી એવી બકવાસ સ્ક્રિપ્ટ આવે છે કે વાત ન પૂછો! તમે તો જાણો છો કે હું ફક્ત પૈસા માટે ફિલ્મ નથી કરતો એટલે જ આજ સુધી જે ગમ્યું એ જ કામ કર્યું છે. તમને જ્યારે સ્ટોરી અને કેરેક્ટર વિશે એક્ટર તરીકે ભરોસો ન હોય અને ફક્ત નગદ નારાયણ સારું મૂવી કરો ત્યારે તમારે ઘણું બધું સહન કરવું પડે છે. એ બહુ મુશ્કેલ બની રહે છે. સદ્ભાગ્યે મારી પાસે હવે સારા પ્રોજેક્ટ્સ છે. જેમ કે આ ફિલ્મ 'બંદા સિંહ ચૌધરી', તિગ્માંશુ ધુલિયાની 'ધમાસાન' અને 'જોલી એલએલબી-૩' વગેરે.'
દરેક એક્ટરની કરિયરમાં એક કે વધુ મુશ્કેલ દોર આવે છે. વારસીને પણ ઇન્ટરએક્શનમાં મીડિયા એના ડિફિકલ્ટ પીરિયડ વિશે પૂછે છે. એક્ટર થોડા ખચકાટ સાથે ઉત્તર આપે છે, 'આજ સુધી મેં આ વાત કોઈને કરી નથી, પણ આજે ચોક્કસ કરીશ. મને રાજુ હિરાનીએ 'મુન્નાભાઈ'માં સર્કિટનો રોલ ઑફર કર્યો ત્યારે હું મારા કરિયરના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. મને મોટા ભાગે સેકન્ડ લીડના રોલ જ ઑફર થતા હતા અને 'મુન્નાભાઈ'માં તો મને એક ગેંગસ્ટરના સાગરિતનું કેરેક્ટર ઑફર થયું. ગેંગસ્ટરના પાંચ ગુંડામાંથી મારે એક બનવાનું હતું. એ રોલ માટે હા પાડવી એક મોટી સમસ્યા હતી છતાં મેં અસાઇનમેન્ટ સ્વીકાર્યું અને સર્કિટનો મામૂલી રોલ હિન્દી ફિલ્મોમાં આઇકનિક બની ગયો.'
અર્શદ વારસીની કરિયરની જેમ એના મારિયા સાથેના મેરેજને પણ ૨૫ વરસ થઈ ગયા. બંનેના લગ્નજીવનમાં એક વાર ગંભીર તબક્કો પણ આવ્યો હતો. એનાથી વાકેફ પત્રકારો એક્ટરને સમાપનમાં એવી અંગત પૃચ્છા કરી લે છે કે તમારો મારિયા સાથેનો સંસાર કેમ ચાલે છે? બધુ હેમખેમ છેને? સર્કિટ એનો હસતા મોઢે તત્કાળ જવાબ આપતા કહે છે, 'ત્યાર, હમારે બીચ ઝઘડે તો અબ ભી હોતે હૈ. ૯૯ ટકા ઝઘડા બાળકોને લઈને થાય છે, પરંતુ મારું એવું માનવું છે કે દાંપત્યજીવનમાં સહેલાઈથી કે બહુ જલ્દી હાર ન માની લેવી જોઈએ. આજની પેઢી બહુ જલ્દી હાથ ઊંચા કરી દે છે. જરાક કંઈક થાય એટલે ભાગવા લાગે, પરંતુ મારા ભાઈ, તમે કોના કોનાથી ભાગશો? ડિવોર્સ લઈને બીજી સાથે મેરેજ કરશો તો એની સાથે, પણ ઝઘડા થશે. મેરેજ કંઈ ટ્રાઈ એન્ડ એરરની રમત નથી. તમારે લગ્નને સુખી અને સફળ બનાવવા પડે છે. આ દુનિયામાં કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી. ના તમે, ના તમારી લાઇફ પાર્ટનર તમારે તમારી જીવનસાથીઓની ખામીઓ સ્વીકારવી પડે. જેમ કે મારી વાઇફ મારિયા ક્રોધી સ્વભાવની છે. મેં એ સ્વીકારી લીધું છે. મારા ઘરમાં એ હિટલર છે. બાળકો તો એનાથી એવા ભાગ છે કે વાત ન પૂછો. મારિયાને દરેક વસ્તુ પરફેક્ટ જોઈએ.'