અર્જુન કપૂર 2.0 : સઘળો આધાર હવે પછીની ફિલ્મો પર છે...
'છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી અભિનેતા અર્જુન કપૂર બોલિવુડમાં કામ કરતો રહ્યો છે. તેણે અનેકવિધ પ્રકારની ભૂમિકા ભજવી છે. એણે લોકોની ગાળો પણ ખાધી છે અને પ્રેમ પણ મેળવ્યો છે. જ્યારે તેનો મંદ તબક્કો ચાલતો હતો ત્યારે પણ તે સમાચારોમાં ચમકતો હતો. હજુ થોડા સમય પહેલાં જ તેનું અને મલાઈકા અરોરાનું બ્રેકઅપ ઘણું ગાજ્યું હતું. બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતા, પણ અત્યારે તેના પર પડદો પડી ગયો છે.
જો કે અત્યારે અર્જુન કપૂરનું નામ ફરી ઝળક્યું છે. તેનું કારણ છે, રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિંઘમ્ અગેન'માં ભજવેલી ભૂમિકા, જેનું નામ છે, 'ડેન્જર લંકા'. આ ભૂમિકા માત્ર ફિલ્મ દર્શકોને જ નહીં, પણ વિવેચકોને સુદ્ધાં ઘણી ગમી ગઈ છે. આ ભૂમિકામાં એવું શું છે, જેની ચર્ચા ચોરેને ચૌટે ચાલી રહી છે? આ અંગે અહીં થોડી જાણકારી મેળવી છે. ચાલો, જોઈએ.
અર્જુન કપૂરે 'ઈશ્કજાદે'થી માંડીને 'ટુ સ્ટેટ્સ' અને 'સંદીપ ઔર પિન્કી ફરાર' સુધીમાં જે ભૂમિકા ભજવી એના કરતાં ડેન્જર લંકાની ભૂમિકાએ એની આખી કારકિર્દીને અનોેખો વળાંક આપી દીધો છે. એ વાત સાચી કે તેની ફિલ્મી સફર સાવ સરળતાથી નથી વિતી. તેણે ઘણા પડકારો ઝીલ્યા છે અને સંઘર્ષમય સમય વિતાવ્યો છે. આમ છતાં, 'સિંઘમ્ અગેન'માં ડેન્જર લંકાના રોલથી અર્જુન કપૂર ખુદને જાણે રિડિફાઈન કરી રહ્યો હોય તેવી અસર ઊભી થઈ છે. અર્જુનના આ નવા અવતારને લોકો અર્જુન કપૂર ૨.૦ તરીકે ઓળખાવી રહ્યા છે.
અર્જુનની આ નવી ભૂમિકા ખૂંખાર વિલનની છે, જેનો સંદર્ભ રામાયણના રાવણ છે. અર્જુને આ ભૂમિકાને તેનાં વિવિધ આવરણો સાથે પેશ કરી છે, જે દર્શકો અને વિવેચકોને ખૂબ ગમી ગઈ છે.
આ સંદર્ભમાં અર્જુન કપૂર કહે છે, 'મેં અત્યાર સુધીમાં જે ભૂમિકા ભજવી છે, એ દરેક ભૂમિકાએ મને 'ઈશકજાદે' અને 'ગુન્ડે'ના ઉગ્ર પાત્રોથી માંડીને 'ટુ સ્ટેટસ' અને 'કી એન્ડ કા'નાં નરમ પાત્રો સુધી કંઈકને કંઈક શીખવ્યું છે, પરંતુ ખલનાયક તરીકે મારા પુનરાગમન માટે પ્રેક્ષકોનો પ્રતિભાવ જોઈને 'ડેન્જર લંકા' માં પગ મુકવો એ મારા માટે ખૂબ જ અર્થપૂર્ણ સાબિત થયું છે. હું રોહિત શેટ્ટીનો અને દર્શકોનો આભારી છું. હું મારા નવા તબક્કાનો આનંદ માણી રહ્યો છું. રોહિત શેટ્ટીએ ડેન્જર લંકા માટે મારામાં જે રીતે વિશ્વાસ મુક્યો હતો તેનાથી મારો કોન્ફિડન્સ ખૂબ વધી ગયો છે.'
ફિલ્મમાં અજય દેવગણ, અક્ષય કુમાર, રણવીર સિંહ અને ટાઇગર શ્રોફ જેવા ટોપ સ્ટાર્સ છે. આ બધા ફિલ્મમાં હીરો છે. આ સૌની સામે વિલન એક જ છે - અર્જુન કપૂર. જો અર્જુનનો અભિનય કાચો પડયો હોત તો આખી ફિલ્મ ધબાય નમ: કરતી બેસી પડી હોત.
અર્જુન કપૂર હવે પડકારરૂપ ભૂમિકા સ્વીકારી રહ્યો છે, જે તેની નવી રેન્જ દર્શાવે છે. આ ફિલ્મ સાથે અર્જુન કપૂર એ પણ સાબિત કરે છે કે તે જટિલ ભૂમિકાઓ ભજવી શકે છે. જોઇએ એનો કરીઅર ગ્રાફ હવે કેવી રીતે આગળ વધે છે.