અનુષ્કા શર્મા : સારી મોમ બનવું કંઈ ખાવાના ખેલ નથી
- અનુષ્કા સ્વીકારે છે કે હાલના એના બિઝી બિઝી રૂટિનને કારણે એની સોશિયલ લાઈફ બેકસીટમાં ધકેલાઈ ગઈ છે. 'આજે હું એવા લોકો સાથે જ હળીમળી શકું છું જેમનું રૂટિન મારા જેવું જ છે...
- મારી પોતાની વાત કરું તો મારી દીકરી વામિકા હજુ બહુ નાની છે એટલે મને નથી લાગતું કે હું તેને કંઈ શીખવી શકું. આપણે પોતે કઈ રીત જીવીએ છીએ એના પર બધુ નિર્ભર છે. શું આપણા રોજિંદા જીવનમાં આપણે બીજી લોકો પ્રત્યે કૃતજ્ઞાતા દાખવીએ છીએ?
અનુષ્કા શર્મા- કોહલી પોતાના પ્રત્યેક કામને સિરિયસલી લે છે, પછી એ એક્ટિંગ હોય કે મા તરીકેની ફરજ. એક આર્મી ઑફિસરની દીકરી હોવાથી શિસ્ત અને ફરજનિષ્ઠા એના વ્યક્તિત્વ સાથે વણાઈ ગઈ છે. પોતાના બીજા બાળકના જન્મ બાદ અનુષ્કા હમણાં મુંબઈમાં પહેલીવાર એક પબ્લિક ઈવેન્ટમાં દેખાઈ. ઈવેન્ટમાં એણે પેરેન્ટિંગ (સંતાનના ઉછેર)નો પોતાનો અનુભવ શેયર કરી ઈન્ટરેસ્ટિંગ મુદ્દાઓ રજૂ કર્યાં. એક પરફેક્ટ મોમ બનવામાં કેટલું પ્રેશર અનુભવ છે એ વિશે અભિનેત્રી ખુલીને બોલી. એણે પોતાના પેરેન્ટિંગ ફન્ડાઝ પર પ્રકાશ પાડતા કહ્યું કે હાલ મારી પુત્રી વામિકા અને પુત્ર અકેયને કૃતજ્ઞાતા (ગ્રેટિટયુડ) નો ગુણ શીખવવા મારી અને મારા હસબન્ડ વિરાટ કોહલીની પહેલી પ્રાયોરિટી છે. 'મારી પોતાની વાત કરું તો મારી દીકરી વામિકા હજુ બહુ નાની છે એટલે મને નથી લાગતું કે હું તેને કંઈ શીખવી શકું. આપણે પોતે કઈ રીત જીવીએ છીએ એના પર બધુ નિર્ભર છે. શું આપણા રોજિંદા જીવનમાં આપણે બીજી લોકો પ્રત્યે કૃતજ્ઞાતા દાખવીએ છીએ? જીવનમાં જે મળ્યું છે એ બદલ આભારી છીએ ખરા? શું આપણને લાગે છે કે જે મળ્યું છે એ પૂરતું છે? આ મુદ્દાઓ ધ્યાનમાં રાખી અમે જે રીતે વર્તીએ છીએ એ જોઈને વામિકા શીખી રહી છે. સંતાનોને કૃતજ્ઞાતા શીખવવા માટે તમારે પહેલા કૃતજ્ઞા બનવું પડે. હું મારા સંતાનોને આ શીખવીશ અને પેલું શીખવીશ એવું બોલવામાં આપણો સ્વાર્થ ડોકાય છે. બાળકો આપણે જે શીખવ્યું એમ કરશે એવો આગ્રહ પણ ખોટો છે. તમારે તો એમનું બાળપણ માણવાનું છે. બાળક ક્યારેક તમારું કહ્યું ન માને, તમારો અનાદર કરે ત્યારે સમજજો કે એ એક નિર્દોષ બાળક તરીકે વર્તી રહ્યું છે. એના માટે આ સ્વાભાવિક છે એટલે એને નમ્રતાથી ગાઈડ કરજો. બાળકો આસપાસના માહોલમાંથી સારી વાતો ગ્રહણ કરે એ માટે એક જ રસ્તો છે - લિવ બાય એકઝામ્પલ તમે જાતે એમના સારું દાખલો બેસાડો.' એવું નાનકડું લેક્ચર આપતા શ્રીમતી કોહલી કહે છે.
તમે પોતાને એક મોમ તરીકે કઈ રીતે મૂલવો છો એવા પ્રશ્નના જવાબમાં અનુષ્કા કહે છે, 'આઈ થિન્ક આઈ એમ વેરી ચિલ.' ઘણાને કદાચ એવું નહિં લાગે કે હું એક મજાની મોમ છું પણ હું એવી જ મા છું.'
પોતાના જાત અનુભવ પરથી પ્રોડયુસર- એક્ટર એક બહુ સરસ વાત શેયર કરી, 'મારી ડોટરના હેલ્ધી રુટીનનો મને પણ લાભ મળ્યો છે. વામિકાને રાતનું ડિનર વહેલા લઈ લેવાની આદત છે. એ વખતે મોટાબાગે હું અને વામિકા ઘરે એકલા જ હોઈએ એટલે મેં વિચાર્યું કે હું પમ વહેલી જ જમી લઉં તો કેમ. મેં એ વિચાર અમલમાં મુક્યો અને મને એના બેનિફિટ્સ દેખાવા લાગ્યા. મને સરસ ઉંઘ આવતી, વધુ તાજગી અનુભવાતી અને મગજની ગ્રંથિઓ અને ગુંચવણી ઘટી ગઈ. હવે અમારું આખું ફેમિલી એ રૂટિન પાળે છે. ટૂંકમાં, રાતે સમયસર સૂઈ જઈ સવારે વહેલા ઉઠવું દરેક રીતે લાભદાયક છે. કહેવાતો મતલબ એટલો કે બાળકો પણ આપણને સંકેત અને સૂચનો આપે છે. આપણી એ ઝીલવાની તૈયારી હોવી ઘટે.'
સમાપનમાં અનુષ્કા સ્વીકારે છે કે હાલના એના બિઝી બિઝી રૂટિનને કારણે એની સોશિયલ લાઈફ બેકસીટમાં ધકેલાઈ ગઈ છે. 'આજે હું એવા લોકો સાથે જ હળીમળી શકું છું જેમનું રૂટિન મારા જેવું જ છે. એટલે સોશિયલ લાઈફ ભૂલી જાવ. લોકો અમને ડિનર માટે બોલાવે છે ત્યારે મનમાં વિચાર આવે છે કે અમારા ડિનરના ટાઈમે કદાચ આ લોકો નાસ્તો કરવા બેસી જશે. જોકે ક્યારેક તમારે જતું કરવું પડે. નહિતર, લોકો તમને ધિક્કારતા થઈ જાય,' એટલું કહી શર્મા-કોહલી પોતાનું પેરેન્ટિંગ પુરાણ પૂરું કરે છે.