Get The App

અનુપમ ખેર : અનુભવ સમૃધ્ધ આજીવન વિદ્યાર્થી

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
અનુપમ ખેર : અનુભવ સમૃધ્ધ આજીવન વિદ્યાર્થી 1 - image


- હું દરેક ફિલ્મ પહેલી ફિલ્મ કરતો હોઉં એ રીતે કરું છું. અને પ્રત્યેક ફિલ્મ વખતે મને નાવીન્યતા અનુભવાય છે. તેનું કારણ એ છે કે હું નવી ફિલ્મના સેટ પર અગાઉની ફિલ્મોના અનુભવનું પોટલું ઊંચકીને નથી જતો. 

ચાર દશક લાંબી કારકિર્દીમાં અભિનેતા અનુપમ ખેરે બૉલીવૂડ સાથે હૉલીવૂડમાં પણ પોતાની પ્રતિભાનો પરચો બતાવ્યો. થોડા સમય પહેલા જ તેમની ફિલ્મ 'વિજય ૬૯' રજૂ થઈ. આ મૂવીમાં અનુપમ ખેરે ૬૯ વર્ષની ઉંમરમાં ટ્રાયથલૉનમાં ભાગ લેનારી વ્યક્તિ 'વિજય'ની ભૂમિકા ભજવી છે.

મહત્વની વાત એ છે કે અનુપમ ખેર સ્વયં ૬૮ વર્ષના છે. આમ છતાં તેઓ વિધ વિધ જાતની ભૂમિકાઓ ભજવતી વખતે યુવાનોને શરમાવે એવી ઊર્જાથી કામ કરે છે. તેઓ કહે છે કે જ્યારે આ ફિલ્મના લેખક-દિગ્દર્શક અક્ષય રૉયે મને તેની કહાણી સંભળાવી ત્યારે મને એવું લાગી રહ્યું હતું જાણે 'વિજય' બીજું કોઈ નહીં, પણ હું પોતે છું. તેનો એક સંવાદ 'સપનોં કી કોઈ એક્સપાયરી ડેટ નહીં હોતી' મને જડબેસલાક લાગૂ પડતો હતો. હું પણ એમ જ માનું છું કે તમે કોઈપણ ઉંમરમાં શમણાં જોઈ શકો અને તેને સાકાર પણ કરી શકો. ખરેખર તો આપણાં શમણાં જ આપણું જીવન ઘડે છે.

અનુપમ ખેર આપણા સમાજમાં વયને લગતી નિવૃત્તિને પગલે સંબંધિત વ્યક્તિના જીવનમાં આવતા ખાલીપા વિશે વાત કરતાં કહે છે કે જ્યારે નોકરિયાત વ્યક્તિને ૫૮ વર્ષે નિવૃત્ત કરી દેવામાં આવે ત્યારે તે અચાનક નવરી પડી જાય છે. તેને એમ થાય છે કે હવે હું શું કરીશ? તને પોતાનું જીવન અભિશાપ જેવું લાગવા માંડે છે. નિવૃત્ત વ્ક્તિને આવી અનુભૂતિ કરાવનારા તેમના આપ્તજનો જ હોય છે. તેઓ તેમના માટે બંધનકારક સ્થિતિ પેદા કરે છે. તેમને ડગલેને પગલે એમ કહેવામાં આવે છે કે હવે તમે ઘરડાં થયા, હવે તમારાથી ચોક્કસ કામ ન કરાય, તમારાથી અમુક વસ્તુઓ ન ખવાય-પીવાય ઇત્યાદિ. પરંતુ રાતોરાત કોઈ વ્યક્તિ પોતાને સમગ્રપણે શી રીતે બદલી શકે? વળી તેનું ખરૃં જીવન તો નિવૃત્તિ પછી જ શરૂ થાય છે. તે વખતે તેના સંતાનો યુવાન થઈ ગયા હોવાથી તેમને ભણાવવાની અને સેટલ કરવાની જવાબદારી પૂરી થઈ ગઈ હોવાથી તેમને પોતાના વિશે વિચારવાની ફુરસદ મળે છે. પરંતુ નિવૃત્તિ પછી તરત જ આપ્તજનો દ્વારા તેમના પર ચોક્કસ પ્રકારના બંધનો લાદી દેવામાં આવે ત્યારે તેમને રિટાયરમેન્ટ અભિશાપ લાગે છે.

કદાચ આ કારણે જ અનુપમ ખેર ૬૮ વર્ષે પણ યુવાનો જેટલાં જ સક્રિય છે. તેઓ કહે છે કે 'વિજય'ની જેમ હું પણ એમ જ માનું છું કે વધતી જતી વય સંખ્યા માત્ર છે. તમે જીવનસંધ્યાએ પણ સાહસ ખેડી શકો અને નવું નવું શીખી શકો. પીઢ અભિનેતાએ આ વાત જીવનમાં પણ ઉતારી છે. 

તેઓ આ ફિલ્મ માટે ૬૮ વર્ષની ઉંમરે તરતાં શીખ્યા. અનુપમ ખેર કહે છે કે મને તરતાં નહોતું આવડતું. પરંતુ આ મૂવી માટે હું સ્વીમિંગ શીખ્યો. ખરેખર તો અભિનય ક્ષેત્રે કલાકારોને નીતનવું શીખવા મળે. તેઓ વધુમાં કહે છે કે ફિલ્મ 'ઊંચાઈ'ના શૂટિંગ માટે અમે બેઝ કેમ્પ સુધી ગયા હતા.

નવું નવું શીખવાની વાત આવે ત્યારે અનુપમ ખેર યુવા પેઢીના કલાકારોની પ્રશંસ કરવાનું ચૂકતા નથી. તેઓ કહે છે કે આજના યુવાન કલાકારો નવું નવું શીખવામાં જરાય પાછીપાની નથી કરતાં. તેઓ પોતાના કામ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત હોય છે. તેઓ બધાને માન આપે છે અને શિસ્તબધ્ધ રીતે પોતાનું કામ કરે છે. સેટ પર તેઓ પૂરી તૈયારી સાથે આવે છે. તેઓ વધુમાં કહે છે કે આ વાત મેં મારા યુવાન સહકલાકાર મિહિર આહુજામાં પણ જોઈ છે. જોકે અભિનેતા પોતાની પેઢીના કલાકાર ચંકી પાંડેની પ્રશંસા કરવાનું પણ નથી ચૂકતાં. તેઓ કહે છે કે અગાઉ પણ અમે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. કેટલાંક સંબંધો ટેપ રેકોર્ડરના પૉઝ બટજ જેવા હોય છે. તમે તેમને ગમે તેટલાં વર્ષ પછી મળો તોય તમારી સ્મૃતિઓ ત્યાંથી જ શરૂ થાય જ્યાં તમે તેને છોડી હોય. મારી અને ચંકી સાથે પણ હમણાં આવું જ થયું હતું. ફરક માત્ર એટલો કે તે વખતે અમે વૃક્ષ નીચે બેસીને વાતો કરતાં હતાં અને હમણાં વેનિટી વાનમાં.

જો અનુપમ ખેર માટે એમ કહેવામાં આવે કે તે અનુભવસમૃધ્ધ છતાં આજીવન વિદ્યાર્થી છે તો તે વિરોધાભાસી લાગે. આમ છતાં દેશ-વિદેશની ફિલ્મોમાં કામ કરનાર આ કલાકાર માટે આ વાત શતપ્રતિશત સાચી છે. અભિનેતા સ્વયં કહે છે કે હું દરેક ફિલ્મ પહેલી ફિલ્મ કરતો હોઉં એ રીતે કરું છું. અને પ્રત્યેક ફિલ્મ વખતે મને નાવીન્યતા અનુભવાય છે. તેનું કારણ એ છે કે હું નવી ફિલ્મના સેટ પર અગાઉની ફિલ્મોના અનુભવનું પોટલું ઊંચકીને નથી જતો. અને જ્યારે તમે નવી ફિલ્મના સેટ પર અનુભવનો ભાર લઈને ન જાઓ ત્યારે એકદમ હળવા બનીને નવો રોલ અદા કરી શકો. સાથે સાથે કાંઈક નવું શીખી પણ શકો. ખરૃં કહું તો મને રોજ કાંઈક નવું શીખવું ગમે છે. હું સેટ પર મારા યુવાન સહકલાકારો પાસેથી પણ કાંઈક શીખતો રહું છું. આમ હું અનુભવસમૃધ્ધ હોવા છતાં આજીવન વિદ્યાર્થી રહેવાનું પસંદ કરું છું.


Google NewsGoogle News