અનુજ વીરવાણી : પ્રત્યેક પાત્ર મારું કાલ્પનિક મિત્ર છે...
- તમે કોઇ રોલ અદા કરતા હો ત્યારે તેમાં તમારા અંગત જીવનના અનુભવોને અભિનય સ્વરૂપે વાચા આપતા હો છો. છેવટે તો તમારે પટકથાને ન્યાય આપવાનો હોય છે.
અભિનેતા અનુજ વીરવાણી ત્રીજા પડદાનો અત્યંત જાણીતો ચહેરો છે. હાલના તબક્કે તેણે ે જેનીફર વિંગેટ સાથેના શો 'કોડ એમ'ની બીજી સીઝનમાં 'અંગદ સંધુ'ના રોલમાં જમાવટ કરી છે. આ કલાકાર પોતાના પાત્રોમાં એટલા માટે રમમાણ થઇ શકે છે કે તે દરેક ભૂમિકામાં પોતાનો વત્તોઓછો અંશ જૂએ છે.
અનુજ કહે છે કે જ્યાં સુધી હું કોઇ ઐતિહાસિક કે પછી રીઅલ-લાઇફ કેરેક્ટર ન ભજવતો હોઉંં ત્યાં સુધી મારા દરેક પાત્રમાં મને કાંઇક પોતીકું મળી જ આવે છે. વળી જ્યારે તમે કોઇ રોલ અદા કરતાં હો ત્યારે તેમાં તમારા અંગત જીવનના અનુભવોને અભિનય સ્વરૂપે વાચા આપતાં હો છો. બાકી છેવટે તો તમને તમારી પટકથાના પાત્રને ન્યાય આપવાનો હોય છે. તેથી તમને એ કિરદાર મુજબનો અભિનય કરવો રહ્યો.તે વધુમાં કહે છે કે મારા 'કોડ એમ'ના રોલની જ વાત કરું તો તેમાં તેના ધોરણો બેવડાં છે. જ્યારે હું વાસ્તવિક જીવનમાં એકદમ આખાબોલો છું, પણ બેવડાં ધોરણો નથી અપનાવતો.
અનુજ ત્યારથી ડિજિટલ ક્ષેત્રે સક્રિય છે જ્યારથી ત્રીજા પડદાની આટલી બધી ડિમાન્ડ પણ નહોતી. તે કહે છે કે મને ઘણાં શોના ે બીજા કે ત્રીજા ભાગમાં લેવામાં આવ્યો છે. પરંતુ મારા મતે હું ખરા સમયે ખરા સ્થાને હોઉં છું. અને મનોરંજન જગતમાં તે અત્યંત આવશ્યક છે. તે વધુમાં કહે છે કે'ઇનસાઇડ એજ' મારી કારકિર્દીમાં નવો વળાંક લઇને આવ્યો. મહત્વની વાત એ છે કે વર્ષ ૨૦૧૬માં મેં આ શો સાઇન કર્યો ત્યારે ઘણાં લોકોએ મને તે હાથ ન ધરવાની સલાહ આપી હતી. પરંતુ તે વખતે મને સારી ઑફરો નહોતી મળી રહી તેથી મારા માટે આ શો સ્વીકારવો જાણે કે ફરજિયાત હતું.વળી તે વખતે લોકોને ડિજિટલ માધ્યમના મૂલ્યની કલ્પના પણ નહોતી. છેલ્લા બે વર્ષમાં આપણને વેબ સ્પેસની કિંમત સમજાઇ છે. અભિનેતા ઉમેરે છે કે મને કોઇ એક શોની સંખ્યાબંધ સીઝનમાં કામ કરવામાં વાંધો નથી. તે 'ઇનસાઇડ એજ'નું ઉદાહરણ આપતાં કહે છે કે મેં તેમાં 'વાયુ'નો રોલ છ વર્ષ સુધી કર્યો છે. મારા મતે તમે તમારા પાત્રમાં કેટલા રમમાણ થાઓ છો તે મહત્વનું છે. હું મારા દરેક કિરદારને મારા કાલ્પનિક મિત્રો માનુું છું.
અભિનેતાને લાગે છે કે 'કોડ એમ'ની બીજી સીઝનમાં પહેલી સીઝન કરતાં બમણાં અને અઘરાં એક્શન દૃશ્યો છે. તે કહે છે કે હું આ શોના મૂળને જાળવી રાખવા સાથે કાંઇક નવું આપવા માગતો હતો તેથી તેમાં વધુ જવાબદારીપૂર્વક કામ કરી રહ્યો હતો. બાકી એક વાત ચોક્કસ છે કે દર્શકોને નવી બોટલમાં જૂનો દારૂ પીરસો તે બિલકુલ ન ગમે.અને આ શો મૂળિયાં સાથે જડાઇ રહ્યાં છતાં એકદમ નવો લાગે છે તેનો સઘળો શ્રેય તેના લેખકોના ફાળે જાય છે.
આ શોની ટેગલાઇન છે 'હિન્દુસ્તાન ઝિંદાબાદ.....', તેથી આપણને સહેજે એમ થાય કે શું અનુજ દેશભક્ત છે? આના જવાબમાં અભિનેતા કહે છે કે દેશભક્તિ બતાવવા આપણને આખો દિવસ તેના ગીતો ગાવાની જરૂર નથી હોતી. તે એક ઉદાહરણ આપતાં કહે છે કે મને થિયેટરમાં બેસીને ફિલ્મ જોવાની જેટલી મઝા આવે છે તેનાથી વધુ આનંદ મૂવી શરૂ થવાથી પહેલા ઊભા રહીને રાષ્ટ્રગાન કરવામાં આવે છે. આપણી આસપાસ ઊભેલા સાવ જ અજાણ્યા લોકો સાથે ઊભા રહીને રાષ્ટ્રગીત ગાવું એ મારા માટે વધુ ગર્વની વાત છે.