Get The App

અંકિતા લોખંડે : સુશાંત માટે મન આજેય ગર્વ છે

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
અંકિતા લોખંડે : સુશાંત માટે મન આજેય ગર્વ છે 1 - image


- 'મેં કેમેરા સામે સુશાંત વિશે ખોટેખોટી વાતો નહોતી કરી. એ મારો બોયફ્રેન્ડ હતો. અમે વર્ષો સુધી સાથે હતાં. હું આજેય સુશાંત વિશે એટલી જ લાગણીથી વાતો કરું છું.'

બે વર્ષ પહેલા અંકિતા લોખંડે અને તેનો પતિ વિકી જૈન રીઆલિટી શો 'સ્માર્ટ જોડી'ના વિજેતા બન્યાં ત્યારે તેમના પ્રશંસકો આ દંપતિ પર ઓવારી ગયાં હતાં. તેમને એમ લાગતું હતું કે આ યુગલ આજીવન રાજીખુશીથી રહેવા સર્જાયું છે. પરંતુ થોડા સમય પહેલા વિરામ પામેલા રીઆલિટી શો 'બિગ બૉસ ૧૭'માં તેમની વચ્ચે સતત થઈ રહેલા લડાઈ-ઝગડાંએ લોકોને આશ્ચર્યમાં નાખી દીધાં હતાં.

જોકે 'બિગ બૉસ' શો હમેશાંથી વિવાદાસ્પદ રહ્યો છે તેથી ઘણા લોકોને એમ લાગતું હતું કે તેઓ દર્શકોનું ધ્યાન આકર્ષિત કરવા કેમેરા સામે જાણીજોઈને લડે છે. પરંતુ તાજેતરમાં અંકિતાએ કહ્યું હતું કે તે વખતે અમે ખરેખર લડતાં હતાં. અભિનેત્રીએ જોકે એમ પણ કહ્યું હતું કે હવે અમારી વચ્ચે બધું સમુંસુતરું થઈ ગયું છે. આ શોમાં થયેલા સઘળા વિવાદ અમે વિસારે પાડી દીધાં છે. અમે લડતાં હતાં ત્યારે પણ અમે સારી રીતે જાણતા હતાં કે અમે એકમેકને પ્રેમ કરીએ છીએ. આજે પણ જો કોઈ એમ વિચારતું હોય કે અમે છૂટાં પડી જઈશું તો એ તેમની ભૂલ છે. અમે ક્યારેય અલગ નથી થવાનાં. અદાકારાએ ઉમેર્યું હતું કે દર્શકો સમક્ષ વિકી મારા ઉપર દાદાગીરી કરતો હોય એવી છાપ ઉપસી છે. અમારા સંબંધમાં તે હમેશાં મારી ઉપર છવાયેલો રહ્યો છે અને જ્યારે કોઈ ખટરાગ થાય ત્યારે હું જ માફી માગવાની પહેલ કરું છું. આમ છતાં અમે પોતપોતાના મત એકમેક સમક્ષ અચૂક રાખીએ છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે વિકી જૈનની મમ્મીએ પણ નેશનલ ટેલિવિઝન પર અંકિતાનું અપમાન કર્યું હતું. આ બાબતે પણ અંકિતા ખુલાસો કરતાં કહે છે કે મારા સાસુએ પુત્રપ્રેમમાં તણાઈને મારી સાથે આ રીતે વાત કરી હતી. પરંતુ મારા માટે કૌટુંબિક સંબંધો હમેશાં મોખરે રહ્યા છે. બિગ બૉસના ઘરની અંદર જે થયું તે હવે અમારા માટે બિલકુલ મહત્વનું નથી.

આ વિવાદાસ્પદ રીઆલિટી શોમાં અંકિતાએ તેના પૂર્વ બૉયફ્રેન્ડ દિવંગત સુશાંત સિંહ રાજપૂત વિશે પણ વાતો કરી હતી. આ મુદ્દે સોશિયલ મીડિયા પર તેને વખોડવામાં પણ આવી હતી. નેટિઝનોએ કહ્યું હતું કે અંકિતા ઈરાદાપૂર્વક સુશાંતની વાતો કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે. જોકે અંકિતાને લોકોની આવી વાતોથી કોઈ ફરક નથી પડતો. તે કહે છે કે બિગ બૉસના સ્પર્ધકો અભિષેક કુમાર અને મુનવ્વર ફારુકી માટે સુશાંત પ્રેરણાસ્રોત હતો. તેઓ તેના વિશે જાણવા માગતા હતા. તેથી હું તેમની સાથે સુશાંત વિશે વાતો કરતી હતી. મેં સુશાંત વિશે જાહેરમાં વાત કરવાનું છોડી દીધું છે, પરંતુ ઘરમાં અને મારા પરિવારજનો સાથે આજે પણ હું તેના વિશે એટલી જ લાગણીથી વાતો કરું છું. મેં કેમેરા સામે રહીને સુશાંત વિશે ખોટેખોટી વાતો નહોતી કરી. એ મારો બોયફ્રેન્ડ હતો. આજે પણ સુશાંત વિશે વાત કરવામાં હું ગર્વ અનુભવું છું. મારી પાસે સુશાંતની વાતોનો ખજાનો છે.  


Google NewsGoogle News