અનિલ શર્મા : સાડાચાર દશકથી જારી છે સર્જન યાત્રા
ફિલ્મ 'ગદર-૧' અને 'ગદર-૨'એ બૉક્સ ઑફિસ પર તડાકો પાડયો ત્યારે આ સિનેમાના દિગ્દર્શક અનિલ શર્માની છાતી ગજ ગજ ફૂલી હતી. વાસ્તવમાં ભાગ્યે જ કોઈને કલ્પના હતી કે આ ફિલ્મોને દર્શકો આટલો બહોળો આવકાર આપશે. મોટાભાગના લોકો એમ જ માનતા હતા કે સની દેઓલ તેમ જ અનિલ શર્મા, બંને પુરાણા જમાનાના છે. તેમનો સમય હવે પૂરો થવાના આરે છે. હવે તેમની ફિલ્મો કોણ જોશે? પરંતુ આવું કહેનારાઓને મોઢે તમાચો મારતા હોય તેમ દર્શકોએ તેમની ફિલ્મો બેહદ પસંદ કરી. અને અનિલ શર્માની ચાર દશકની કારકિર્દીમાં એક વધુ છોગું ઉમેરાયું.
અત્રે એ વાતની નોંધ લેવી રહી કે અનિલ શર્માએ હિન્દી ફિલ્મોદ્યોગના ટોચના ફિલ્મ સર્જક બી આર ચોપરા સાથે લાંબા સમય સુધી સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હોવાથી તેઓ ફિલ્મ સર્જનની બારીકીઓ સુપેરે સમજે-જાણે છે. તેમની એક્શન ફિલ્મો પરની પક્કડ કાબિલે તારીફ છે. જોકે હાલના તબક્કે અનિલ શર્મા લાંબા અરસા પછી પારિવારિક સિનેમા 'વનવાસ' બનાવી રહ્યાં છે.
બી. આર. ચોપરા સાથે કામ કરતાં કરતાં તેઓ સ્ટોરી ટેલિંગને પ્રાધાન્ય આપતાં થઈ ગયા છે. તેઓ કહે છે કે બી. આર. ચોપરા હમેશાં કહેતાં કે ટેકનિકમાં ઝાઝી માથાઝીંક કરવાને બદલે કહાણી કહેવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને તેમની આ વાત મેં ગાંઠે બાંધી લીધી છે. હું જે સમય ગાળાની મૂવી બનાવું છું તે વખતની ટેકનિકનો ઉપયોગ કરું છું. મેં ઘણી વખત લોકોને એમ કહેતાં સાંભળ્યા છે કે આજની તારીખમાં પણ આ ૯૦ના દશકની ટેકનિકનો ઉપયોગ કરે છે. પરંતુ જો હું એ સમય ગાળાની ફિલ્મ બનાવતો હોઉં તો તે વખતની ટેકનિક જ પ્રસ્તૂત ગણાય. અન્ય ફિલ્મ સર્જકો ૯૦ના દશકની ફિલ્મ ૨૦૨૪ની ફિલ્મની જેમ બનાવે છે. પરંતુ મને તે નથી રુચતું. અન્ય કોઈપણ ફિલ્મ સર્જકની જેમ જ અનિલ શર્માની કારકિર્દીમાં પણ ઘણી વખત ચડાવઉતાર આવ્યાં છે. તેઓ કહે છે કે ફિલ્મોદ્યોગમાં પ્રત્યેક સિનેમા એક પરીક્ષા બનીને આવે છે. જો કોઈની મૂવી નિષ્ફળ જાય એટલે તેના માટે એવી વાતો વહેતી થઈ જાય કે હવે તેનો સમય સમાપ્ત થઈ ગયો. તેને વિતી ગયેલા જમાનાનો જ ગણી લેવામાં આવે. હકીકતમાં તે તદ્દન ખોટું પણ હોય અને ખોટું જ ગણાય. મેં ક્યારેય આવી વાતો પર ધ્યાન નથી આપ્યું. જ્યારે મારી કેટલીક ફિલ્મો લાગલગાટ નિષ્ફળ ગઈ હતી ત્યારે મારા માટે પણ કહેવાયું હતું કે મારો સમય પૂરો થઈ ગયો છે. પરંતુ હું ૪૫ વર્ષથી ફિલ્મોદ્યોગમાં ટકેલો છું. અને આજદિન સુધી મારું ફિલ્મ સર્જન જારી છે. અલબત્ત, અગાઉની જેમ 'ગદર-૨' વખતે પણ ઘણાં લોકોએ કહ્યું હતું કે મારો સમય સમાપ્ત થઈ ગયો છે. પરંતુ બન્યું તેનાથી તદ્દન ઊંધુ. મેં લોકોની નકારાત્મક વાતો પર ધ્યાન આપવાને બદલે મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જ મુનાસિબ માન્યું છે.
સની દેઓલ અને નાના પાટેકર હિન્દી ફિલ્મોના ક્રોધી કલાકારો ગણાય છે. અને અનિલ શર્માએ આ બંને કલાકારો સાથે કામ કર્યું છે. તેઓ તેમની સાથેનો પોતાનો અનુભવ જણાવતાં કહે છે સની દેઓલ સાથે કામ કરવાનું બિલકુલ મુશ્કેલ નથી. તે તો અમારા કુટુંબના સભ્ય જેવો છે. પરંતુ ચોક્કસ બાબતે નાના પાટેકર સાથે કામ કરવાનું સહેજ મુશ્કેલ બની જાય. જેમ કે સમયની પાબંદી. હકીકતમાં નાના પાટેકર સમયના સખત પાબંદ છે. જો તેમને ૯.૩૦ વાગ્યાનો કૉલ ટાઈમ આપ્યો હોય તો તેઓ પોતાના સંવાદોની તૈયારી સાથે ૯.૩૦ વાગે સેટ પર પહોંચી જાય. ત્યાર પછી તેમનો શૉટ લેવામાં મોડું થાય તો તેમનો ક્રોધ ભભૂકી ઉઠે. જો તેમને આપેલા સમયે તેમનો શૉટ લેવાઈ જાય તો તેમની સાથે કામ કરવામાં કોઈ મુશ્કેલી ન નડે.
લાંબા વર્ષો પછી કૌટુંબિક ફિલ્મ બનાવવાની તક મળતાં અનિલ શર્મા બહુ ખુશ છે. તેઓ કહે છે કે મને એવું લાગે છે જાણે હું વર્ષો પછી ઘર વાપસી કરી રહ્યો છું. મેં મારી કારકિર્દીના આરંભમાં 'શ્રધ્ધાંજલિ' અને 'બંધન કચ્ચે ધાગોં કા' બનાવી હતી. હવે ફરીથી એ ઝોનમાં કામ કરવાનો રોમાંચ જ અનેરો છે. વળી આ પ્રકારની ફિલ્મો આજના સમયની માગ પણ છે. હું ઘણી વખત અખબારોમાં વાંચતો હોઉં છું કે સંતાનો તેમના વૃધ્ધ માતાપિતાને તીર્થ સ્થાનો પર છોડી દઈને ચૂપચાપ ઘરભેગાં થઈ જાય છે. હું આવા બનાવો પરથી જ કહાણીઓ શોધું છું. હા, મેં ક્યારેય બૉક્સ ઑફિસની ચિંતા નથી કરી. હું સમયાંતર અલગ અલગ પ્રકારની ફિલ્મો બનાવતો રહું છું જેથી દર્શકો પણ મારી એક જ જનરેની મૂવીઝ જોઈને કંટાળી ન જાય.