અનિલ કપૂર : આઇ એમ ધ બોસ! .
- 'સતત કંઇક નવું, ગમતીલું અને સર્જનાત્મક કરતા રહેવું મને ગમે છે.'
- 'હું ભલે 67 વર્ષનો સિનિયર સિટીઝન હોઉં, પણ મન-હૃદયથી તો વીસ વર્ષનો જુવાનિયો જ છું.'
-હો ને દેકારો એન્જોય કરી શકનારાઓ માટે મજેદાર સમાચાર છેઃ આજથી 'બિગ બોસ ઓટીટી'ની ત્રીજી સિઝન શરૂ થઇ રહી છે. એના હોસ્ટ કોણ છે? અનિલ 'ઝક્કાસ' કપૂર. વાત તો એવી ઉડી હતી કે જો બધું સમુસૂતરું પાર પડયું તો અનિલ કપૂરનો સાથ આપવા માટે એટલે કે સહસંચાલક તરીકે નૂપુર સેનન દેખાશે. જોેકે નૂપુરે રદીયો આપી છે કે આ કો-એન્કરવાળી વાત અફવા છે. નૂપુર સેનન એટલે કોણ? આજકાલ જેની કરીઅર પાંખાળા ઘોડાની માફક ગતિ કરી રહી છે એવી બોલિવુડની રૂપકડી અભિનેત્રી કૃતિ સેનનની સગી નાની બહેન. નૂપુરે એક તેલુગુ ફિલ્મમાં અભિનય પણ કર્યો છે.
અતિ વિવાદાસ્પદ એવા બિગ બોસ શોની બે આવૃત્તિઓ છે. એક આવૃત્તિ ટીવી માટે અને બીજી ઓટીટી માટે. 'બિગ બોસ'ના ટીવી વર્ઝનનું સંચાલન તો છેલ્લાં ૧૦ વરસથી સલમાન ખાન જ કરે છે.
બિગ બોસ ઓટીટીના પહેલા હોસ્ટ નિર્માતા-દિગ્દર્શક કરણ જોહર હતા, બીજી સિઝનનું સંચાલન સલ્લુમિયાંએ કર્યું હતું અને હવે ત્રીજી સિઝનનું સંચાલન કરવા અનિલ કપૂર થનગન થનગન કરી રહ્યા છે.
અનિલ કપૂર સાચા અર્થમાં એક એવરગ્રીન સ્ટાર છે. સાડાત્રણ-ચાર દાયકાથી એ ફિલ્મી હીરો તરીકે સક્રિય છે અને મજાની વાત એ છે કે તેઓ સતત રિલેવન્ટ રહે છે. બદલાતા સમયની સાથે તેઓ ખુદને રિ-ઇન્વેન્ટ કરતા રહે છે.
બે નેશનલ અને સાત ફિલ્મફેર એવોડ્ઝનું સન્માન પ્રાપ્ત કરનારા અનિલ કપૂર આનંદપૂર્વક કહે છે, 'હું અને બિગ બોસ ઓટીટી બંને થનગનતા યુવાન છીએ. હું ભલે ૬૭ વર્ષનો સિનિયર સિટીઝન હોઉં પણ મન-હૃદયથી તો વીસ વર્ષનો જુવાનિયો જ છું. બિગ બોસ ઓટીટી પણ તાજોમાજો અને થનગનાટભર્યો શો છે. હવે મને આ મનોરંજનથી ભરપૂર શોનું સંચાલન કરવાની તક મળી છે ત્યારે હું જાણે કે ફરીથી સ્કૂલે જતો બાળક બની ગયો હોઉં એટલી ઉત્તેજના અનુભવી રહ્યો છું. આમેય સતત કંઇક નવું, ગમતીલું અને સર્જનાત્મક કરતા રહેવું મને ગમે છે. આ શોના સંચાલનમાં પણ હું કંઈક અનોખી ભાત પાડવાનો પ્રયાસ ચોક્કસ કરીશ.'
બોલો ધિના ધિન ધા!