અંગદ બેદી આત્મવિશ્વાસ સાથે આગળ વધતા રહો
એ ક સમયના મોડેલ અને અભિનેતા અંગદ બેદી રમતગમતના વિશ્વમાં પાછા ફર્યા છે. આ એક આનંદના સમાચાર છે, આટલું જ નહીં, તેમણે એક આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેડલ પણ જીત્યો છે. એક સમયે અંગદ બેદી દિલ્હીની અન્ડર ૧૯ ટીમ માટે ક્રિકેટ પણ રમતા હતા. દુબઈ ઈન્ટરનેશનલ માસ્ટર્સ ૨૦૨૩ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં તેણે મેડલ પણ મેળવ્યું છે. અંગદ બેદીનું કહેવું છે કે રમતગમતમાં પાછા ફરવું એ તો મારા પિતાને શ્રધ્ધાંજલિ છે. તો આ અંગદ બેદીના પિતા છે દેશના શ્રેષ્ઠ બોલરોમાંના એક સ્પિનિર બિશનસિંહ બેદી!
દુબઈમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી એક એવોર્ડ પણ મેળવ્યો- કેવી લાગણી અનુભવી? આ પ્રશ્નનો ઉત્તર આપતાં અંગદ બેદીએ કહ્યું, 'હા, ખરેખર તે અદ્ભૂત હતું. દેશનું પ્રતિનિધિત્વ કરવું એતો મહાન લાગણી છે. કંઈક અલગ કરવું એ એક મહાન અનુભૂતિ છે. હું હંમેશાં અને દ્રઢતાપૂર્વક માનું છું કે તમારા વ્યવસાયની બહાર તમારું અલગ વ્યક્તિત્વ હોવું જોઈએ. મને તો લાગે છે કે મારા અસ્તિત્ત્વમાં, મારા હાડકાંમાં અને મારા લોહીમાં મારા બાળપણના દિવસોથી ખેલદિલી છવાયેલી છે. અને એ વાતનો ગર્વ છે કે હું મારા દેશ માટે આ ૪૦૦ મીટરની રેસમાં દોડી શક્યો છું. આ તો મારા પિતાને મારી શ્રેષ્ઠ શ્રધ્ધંાજલિ છે. તેઓ હંમેશાં અને ઝડપથી દોડતો જોવા ઈચ્છતા હતા. હું પણ ઈચ્છતો હતો કે તેઓ રેસને જુએ, પરંતુ મને લાગે છે કે ભગવાનની અન્ય યોજના હશે. તેથી તેઓ શારીરિક રીતે તો ત્યાં નહોતી, પણ હું ટ્રેક પર દોડી રહ્યો હતો તેના પરથી હું તેમની ઊર્જા અનુભવી શકતો હતો અને તે પણ પ્રારંભથી અંત સુધી!'
તમે તમારા પિતા પાસેથી શું શીખ્યા છો? અને તેને જીવનમાં ઉતાર્યું છે? ઃ અંગદ કહે, ' હું હમેશાં એક વાતનો વિશ્વાસ કરું છું કે તેમણે મને કહ્યું હતું કે તમે જે કંઈ પણ કરો છો તેમાં તમારા હૃદય અને આત્માને લગાવો. તેઓ કહેતા, 'અચ્છા બનના શીખો, ફિલ્મો તો કિતની ભી કર લોગે, ખેલ કિતના ભી ખેલ લોગે, લેકિન અચ્છા ઈન્સાન બહુત જરૂરી હૈ. સારા માણસોને તમારી સાથે રાખો. મારા પિતા આધ્યાત્મિક વ્યક્તિ હતા. મને મારા પિતામાં ખૂબ જ આસ્થા અને શ્રધ્ધા હતી. તેમની વિદાય પછી ખાલીપો બાકી છે, જે ક્યારેય ભરાશે નહીં, પરંતુ હું જાણું છું કે તેઓ સતત મારી સાથે જ છે.
'મારા પિતા હંમેશા ઈચ્છતા હાત કે હું એક સ્પોર્ટ્સમેન જેવું જીવન જીવું મેં સિનેમામાં જે કામ કરી હાંસલ કર્યું છે તેના પર મારા પિતાને મારા પર ગર્વ હતો. તેમણે મને કહ્યું હતું, તારી પાસે આપવા માટે ઘણું બધું છે. આ પછી મને લાગ્યું હતું કે મારી જાતને વ્યક્ત કરવાની આ શ્રેષ્ઠ રીત છે અનેમેં હમેશાં તેનો આનંદ માણ્યો છે,' એમ અંગદે જણાવ્યું હતું.
એક પ્રશ્નના ઉત્તરમાં અંગદ બેદીએ એમ પણ જણાવ્યું કે 'મને લાગે છે કે સખત મહેનત, ઉત્તમ પરિશ્રમ હમેશાં ફળ આપે છે. મને લાગે છે કે મારે સખત પરિશ્રમ ચાલુ રાખવો પડશે. મહેનતનો કોઈ વિકલ્પ નથી. હું તો માનું છું કે સખત મહેનત કરશો તો જ નસીબદાર બનશો. મારી પાસે હમેશાં એક અભિગમ છે, અભિપ્રાય છે. તમારે તમારું માથું નીચું રાખવું પડશે. તમે માત્ર કામ કરો. ફળ જરૂર મળશે. મારા પિતાના બંને ગુણ મારામાં કંઈક અંશે છે જ અને હું તેને અનુસરું છું.'
તારી ફિલ્મો માટે શું કહેશે? અંગદ બેદી કહે, 'મે ં ફિલ્મોમાં પણ કારકિર્દી બનાવી અને બાર ફિલ્મોમાં તો કામ કરી લીધું છે. વર્ષોથી ફિલ્મોમાં મેં જે કામ કર્યું છે અને વૈશ્વિક સ્તરના ફિલ્મસર્જક આપણી પાસે છે. તેનું મને ગર્વ છે. મને તો અવું લાગે છે કે ક્યારેક તમે જ તમારી સફળતાના માર્ગમાં અંતરાય ઊભો કરો છો. સફળતા એ શિક્ષક નથી, પણ નિષ્ફળતા તમને શીખવે છે.' અંગદ વધુમાં ઉમેરે છે, 'અસ્વસ્થ સ્થિતિમાં પસાર થાઓ અને વિજય બનવાના પ્રયત્ન કરો ત્યારે અમુક વિજય મેળવી શકો છો. હું વિશ્વાસુ છું. સાહસિક છું અને આથી જ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધ્યો છું અને કેટલીક સફળતા મેળવી શક્યો છું. હું મારી આ દોડ ચાલુ રાખીશ.'