અનન્યાની અકળામણ .

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
અનન્યાની અકળામણ                                 . 1 - image


- અનન્યાને જાણ છે કે તેણે તંગ દોરડા પર ચાલવાનું છે, સ્પર્ધાનો સામનો કરવાનો છે અને કમર્શિયલ તેમજ પ્રમાણમાં 'હટ કે' ગણાય તેવી ફિલ્મો વચ્ચે સંતુલન જાળવવાનું છે. 

ત મે કંઈ પણ કહો, પણ અનન્યા પાંડેની જેવી છાપ પડી ગઈ છે એવી ભોટ અને કૃત્રિમ એ અસલી જીવનમાં તો નથી જ. અનન્યા એક હરતોફરતો જોક હોય એમ બધા એના પર હસતા રહે છે, એના પર મીમ બનાવતા રહે છે. કોઈને જાણે એને ગંભીરતાથી લેવામાં રસ જ નથી... પણ અચાનક 'ખો ગયે હમ કહાં' જેવી ફિલ્મ આવે છે ને તમને થાય કે ના ભાઈ, આ છોકરી સાવ નાખી દીધા જેવી નથી, એ પણ અસરકારક પર્ફોર્મન્સ આપી શકે છે. આજની યુવા પેઢીનું 'ડિજિટલ વાસ્તવ' દર્શાવતી 'ખો ગયે હમ કહાં'માં અનન્યા ઉપરાંત બે હીરો છે - સિદ્ધાંત ચતુર્વેદી અને આદર્શ ગૌરવ, જે બન્ને સરસ અદાકારો તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે -  પણ આ ત્રણેયમાંથી અનન્યા ઓડિયન્સને સૌથી વધારે યાદ રહી ગઈ છે. એમ તો 'ગેહરાઇયાં'માં પણ અનન્યાનું કામ ખરાબ નહોતું, પણ સમગ્રપણે તે ફિલ્મમાં જ દમ નહોતો એટલે અનન્યાની નોંધ લેવાઈ નહીં. એ જે હોય તે, પણ અનન્યાના અભિનયમાં ક્રમશઃ પરિપક્વતા ઉમેરાઈ રહી છે એ તો પાક્કું.   

અનન્યા હવે પચ્ચીસ વર્ષની થઈ ચૂકી છે. એનો પરિવારનો જેમાં રહે છે એ જ બિલ્ડિંગમાં એણે હવે પોતાનો અલાયદો ફ્લેટ ખરીદી લીધો છે, જેમાં એ 'સ્વતંત્રપણે' રહે છે. અનન્યા બોલિવુડની લેટેસ્ટ પેઢીની સદસ્ય છે, જેમાં એના સિવાય જ્હાન્વી કપૂર, સુહાના શાહરૂખ ખાન, ખુશી બોની કપૂર અને અગસ્ત્ય નંદા પણ છે. આ બ્રિગેડમાં હવે શનાયા સંજય કપૂર, ઈબ્રાહિમ અલી ખાન, અમન દેવગણ અને રશા થડાની પણ નજીકના ભવિષ્યમાં સામેલ થવાનાં છે. અનન્યાને જાણ છે કે તેણે તંગ દોરડા પર ચાલવાનું છે, સ્પર્ધાનો સામનો કરવાનો છે અને કમર્શિયલ તેમજ પ્રમાણમાં 'હટ કે' ગણાય તેવી ફિલ્મો વચ્ચે સંતુલન જાળવવાનું છે. 

આ વર્ષે અનન્યાની ત્રણથી ચાર ફિલ્મો આવવાની છે. એક છે, અમેઝોન પ્રાઇમ વીડિયોની 'કૉલ મી બૅ' (બૅ એટલે લવર), વિક્રમાદિત્ય મોટવણેની સાઇબર-થ્રિલર 'કંટ્રોલ' અને સંભવતઃ  અક્ષયકુમાર સાથે 'ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સી. શંકરન નૈયર' (સ્વાતંત્ર્ય સેનાની શંકરન નૈયરની બાયોપિક). 'કૉલ મી બૅ'માં અનન્યાનો કેન્દ્રીય રોલ છે. પોતે જેવી અસલી જીવનમાં છે એવું જ પાત્ર એણે આ ફિલ્મમાં ભજવ્યું છે. 

'મને એ વાતે બહુ અકળામણ થાય છે કે મારે દર વખતે એવું પૂરવાર કરવું પડે છે કે મને એક્ટિંગ કરતાં આવડે છે,' એ કહે છે, 'હા, હું કંઈ જન્મજાત મહાન કલાકાર નથી, પણ હું સતત વિકસી રહી છું અને બહેતર બની રહી છું તે હકીકત છે. લોકો આ વાત ઝટ સ્વીકારતા નથી.'

ઓડિયન્સ હોય કે ઇન્ડસ્ટ્રી - વ્યાપક સ્વીકૃતિ મેળવવી ક્યારેય સહેલી હોતી નથી.  


Google NewsGoogle News