અનન્યા પાંડેને હવે 'અસલી' એક્ટિંગ કરવી છે...

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
અનન્યા પાંડેને હવે 'અસલી' એક્ટિંગ કરવી છે... 1 - image


- 'હું ફિલ્મોમાં નવી હતી ત્યારે મને સ્ટાર બનવાની તમન્ના હતી, મને બોલિવુડની ટિપિકલ હિરોઈનોની જેમ ડાન્સ કરવા હતા, મારે બ્લોકબ્લસ્ટર ફિલ્મોનો હિસ્સો બનવું હતું... પણ હવે મને એક્ટિંગ પ્રત્યે લગાવ થઈ ગયો છે.'

પાં ડે પરિવારમાં આજકાલ બોક્સ ઓફિસના આંકડાઓની આસપાસ ચર્ચા વધુ થાય છે. અનન્યા પાંડે સહાસ્ય સાથે કબૂલ કરે છે, 'હું જુઠુ નહીં બોલું, પણ મારી મમ્મી, દાદી અને હું સતત બોક્સ ઓફિસના આંકડા પર નજર રાખીએ છીએ.'

આયુષમાન  ખુરાના સાથે અનન્યાની લેટેસ્ટ ફિલ્મ 'ડ્રીમ ગર્લ ટુ' ધીમે ધીમે રૃા. ૧૦૦ કરોડના જાદુઈ આંકડા સુધી પહોંચી રહી છે ત્યારે અનન્યાને પોતાની કરીઅર પર આખરે ઓડિયન્સની સ્વીકૃતિની મહોર મળી ગઈ હોય તેવી પ્રતીતિ થાય છે.

'સ્ટુડન્ટ ઓફ ધી યર-ટુ'માં ડેબ્યુ કર્યા પછી પોતાની ચાર વર્ષની ફિલ્મી સફરમાં અનન્યા માટે આ ફિલ્મની સફળતા અતિશય મહત્ત્વની છે. અનન્યા કહે છે, 'અત્યાર સુધીની મારી ભૂમિકાઓ અર્બન યુવતીની રહી છે, પણ આ ફિલ્મ અલગ છે. આ ફિલ્મ અત્યાર સુધીની મારી સૌથી સફળ ફિલ્મો પૈકી એક છે એટલે હું સુપર એક્સાઇટેડ છું.'

સફળ કલાકારો સાથે કામ તો કરવું હોય, પણ પોતાના પાત્રને કેટલું મહત્ત્વ મળશે તેની ચિંતા હિરોઈનોને કાયમ રહેતી હોય છે. અનન્યા  નિખાલસપણે કબૂલે છે, 'આયુષ્માન જ નહીં, અફલાતૂન કોમિક ટાઈમિંગ માટે જાણીતા પરેશ રાવળ, વિજય રાઝ અને અભિષેક બેનર્જી જેવા કલાકારો સાથે કામ કરવા બાબતે હું નર્વસ હતી. અજૂગતા લાગ્યા વિના મારે આ કલાકારોમાં સરળતાથી ભળી જવાનું હતું. આ ફિલ્મ ઓડિયન્સને ગમી જશે તેેની મને તો ખાતરી હતી.'

બોક્સ ઓફિસ સફળતા માટે ઉત્સુક રહેલી અનન્યા હવે પોતાની અભિનયકળાને ધારદાર બનાવવા પર ધ્યાન આપવા માગે છે. તે કહે છે, 'હું ફિલ્મોમાં નવી હતી ત્યારે મને સ્ટાર બનવાની તમન્ના હતી, મને બોલિવુડની ટિપિકલ હિરોઈનોની જેમ ડાન્સ કરવા હતા, મારે બ્લોકબ્લસ્ટર ફિલ્મોનો હિસ્સો બનવું હતું... પણ હવે મને એક્ટિંગ પ્રત્યે લગાવ થઈ ગયો છે. હવે મારે 'એક્ટર' બનવું છે. મારે મારી કળા અને કૌશલ્યોમાં સુધારો કરવો છે અને સારામાં સારા પરફોર્મન્સી આપવા છે.'

સ્ટારડમ હાંસલ કરવા છતાં અનન્યા નમ્ર રહી શકી છે તે એનો મોટો પ્લસ પોઇન્ટ છે. તેનું શ્રેય એ પોતાના ડેડી ચંકી પાડે અને પરિવારના સભ્યોને આપે છે. અનન્યા કહે છે, 'મારા ડેડી ખૂબ જ ડાઉન-ટુ-અર્થ છે. તેમણે મારો ઉછેર સામાન્ય છોકરી જેવો જ કર્યો છે.  મને ઘરમાં ક્યારેય સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવતી નથી. જોે હું કંઇક ખોટું કરું તો મારે વઢ પણ ખાવી પડે છે.'

કોઈ પણ નવી ફિલ્મની સ્ક્રિપ્ટ મળે એટલે ડેડી સાથે ચર્ચા થાય જ. અનન્યા કહે છે, 'યુ નો વોટ, મારી બહેનને ડિરેક્ટર બનવું છે. ફાધર તો એક્ટર છે જ, મારી મમ્મીએ 'ફેબ્યુલસ લાઇવ્ઝ ઓફ બોલિવુડ વાઇવ્ઝ' જેવા રિયાલિટી શોઝ કર્યા છે. આમ, અમારા ઘરમાં પૂરેપૂરું  ફિલ્મી વાતાવરણ છે. સૌ સાથે મળીને સ્ક્રિપ્ટની ચર્ચા કરે છે. અલબત્ત, ફિલ્મ કરવી કે ન કરવી તેનો અંતિમ નિર્ણય તો હું જ કરું છું. મારા  પર કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવતું નથી. મને જ્યાં સુધી વાર્તામાં સંતોષ ન થાય ત્યાં સુધી હું ફિલ્મ માટે હા પાડતી નથી.'

અનન્યાને હવે શાસ્ત્રીય સંગીત, શાસ્ત્રીય નૃત્ય સામેલ હોય તેવા રોલ કરવા છે. ઉપરાંત તેને મધુબાલા, વહીદા રહેમાન જેવી હસ્તીઓની બાયોપિક કરવાની પણ ઈચ્છા છે. હાલ તો એ પોતાના આગામી પ્રોજેક્ટમાં બિઝી છે. ક્યા પ્રોજેક્ટ્સ? 'કૉલ મી બે' નામનો વેબ શો, ઝોયા અખ્તરના પ્રોડક્શનની 'ખો ગયે હમ કહાં' નામની ફિલ્મ અને વિક્રમાદિત્ય મોટવાણેનો એક આગામી પ્રોજેક્ટ. આ ઉપરાંત ઔર એક વેબ સિરીઝમાં તે પણ કેમ કરવાની છે. 

જોઈએ, સ્ટાર અનન્યા 'એક્ટર' ક્યારે બને છે!  


Google NewsGoogle News