અનન્યા પાંડેઃ આવી ભૂલ હવે હું ક્યારેય નહીં કરું....
- 'સામેની વ્યક્તિમાં હું એનું બેસ્ટ જોઉં છું અને એટલે જ રિલેશનશિપમાં મારું બેસ્ટ આપું છું... બદલામાં હું મારા પાર્ટનર પાસેથી પણ એવી જ અપેક્ષા રાખું છું.'
અનન્યા પાંડેને ન્યૂઝમાં રહેતાં આવડે છે. એક્ટિંગમાં નહીં તો કમસે કમ મીડિયામાં ચમકવાની માસ્ટરી એણે જરૂર મેળવી લીધી છે. પોતાની ફિલ્મો અને વેબ શોઝ કરતાં પોતાની લવલાઈફને લઈને ચર્ચામાં રહેતી અનન્યાએ હમણા એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં નજીકના ભૂતકાળમાં થયેલા પોતાના પ્રેમપ્રકરણ વિશે વાત કરી છે. 'હું જ્યારે કોઈ રિલેશનશિપમાં હોઉં ત્યારે એને સમજવા અને સફળ બનાવવા બધું જ કરી છુટું છું. લોકોમાં સારી બાબતો જ જોવાનો મારો સ્વભાવ રહ્યો છે. સામેની વ્યક્તિમાં હું એનું બેસ્ટ જોઉં છું અને એટલે જ રિલેશનશિપમાં મારું બેસ્ટ આપું છું... બદલામાં હું મારા પાર્ટનર પાસેથી પણ એવી જ અપેક્ષા રાખું છું. મારા મતે કોઈ પણ સંબંધમાં અધૂરા મને આગળ વધો તો એ લાંબો ન ચાલે. રિલેશનશિપ બાંધનાર દરેક વ્યક્તિએ વફાદારી અને રિસ્પેક્ટ દાખવવી પડે,' ૨૬ વર્ષની અનન્યા કહે છે.
અત્રે નોંધવું ઘટે કે મિસ પાંડે છેલ્લે 'નાઇટ મેનેજર' ફેમ એક્ટર આદિત્ય રોય કપૂર સાથે રિલેશનશિપમાં હતી. બંનેનું લવ અફેર 'ટૉક ઑફ ધ ટાઉન' બન્યા બાદ એમનું બ્રેકઅપ થઈ ગયું હતું. એમાં પોતાનો કોઈ દોષ ન હોય એવું ચિત્ર ઊભું કરવા અનન્યા કમેન્ટ કરે છે, 'રિલેશનશિપમાં તમને તત્કાળ રેડ ફ્લેગ કે રેડ સિગ્નલ દેખાતું નથી. રિલેશનશિપમાંથી બહાર આવ્યા બાદ તમને લાગે છે કે આવું નહોતું થવું જોઈતું. તમે રિલેશનશિપની શરૂઆતમાં સામા પક્ષને ઇમ્પ્રેસ કરવા જ બધું કરો છો, પરંતુ એમાં પોતે કેટલા બદલાઈ રહ્યા છો એનું ભાન નથી રહેતું. એક રિલેશનશિપમાં મેં પણ મારામાં બદલાવ લાવ્યો હતો. હું બદલાઈ ખરી, પણ એટલી હદે નહીં કે મારા માટે નુક્સાનકારક પુરવાર થાય. મને એક તબક્કે એવી અનુભૂતિ થઈ હતી કે હું વાસ્તવમાં જેવી છું એવી રહી નથી. મારા માટે આ સારી સ્થિતિ તો નહોતી જ.'
અહીં યુટયુબના પોડકાસ્ટરે પૂછ્યું કે તમે પાછું વળીને જુઓ છો ત્યારે તમારામાં કેટલો ચેન્જ આવ્યો હોય એવું તમને લાગે છે? બોલિવુડની આ ગ્લેમર ગર્લ કહે છે, 'હું શું ખાઉં અને ક્યાં જાઉં, કોને મળું એ બધું મારા પાર્ટનરની મરજી પ્રમાણે નક્કી થતું. એનો (અહીં આદિત્ય રોય કપૂર એમ વાંચો) એવો આગ્રહ રહેતો કે હું લંચ અને ડિનર પણ એની ચોઇસ પ્રમાણે લઉં અને ક્યાંય બહાર ન જાઉં. એને હું ઘરમાં જ પૂરાઈ રહું તે ગમતું... પરંતુ હવે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું. હું ઇચ્છીશ કે મારો પાર્ટનર હું જેવી છું એવી જ મને સ્વીકારે. સામે પક્ષે હું પણ એ જેવો છે એવો જ એને સ્વીકારીશ.'
રોમાન્સ વિશે પોતાના વિચારો શૅર કરતા અનન્યા વધુમાં કહે છે, 'મારો સાથી એવો હોવો જોઈએ જે મારી વાત સાંભળે અને નાનામાં નાની બાબત યાદ રાખે. દરેક વખતે હું જ કોમ્પ્રોમાઇઝ કરું, જતું કરું એવું ન ચાલે. મારા પાર્ટનરે પણ મારી વાત સાંભળવી પડે.'
અનન્યા અને આદિત્ય ભલે હવે છુટા પડી ગયાં હોય, પણ બંને વચ્ચે એક વાત કોમન છે. બંને અવારનવાર એક યા બીજી વ્યક્તિ સાથે રિલેશનશિપમાં રહ્યાં છે. આ સંબંધો જોકે લાંબા ચાલ્યા નથી. 'આશિકી' પછી આદિત્યનું નામ શ્રદ્ધા કપૂર સાથે જોડાયું હતું. જ્યારે અનન્યાનું અગાઉ ઇશાન ખટ્ટર સાથે અફેર હોવાની ચર્ચા હતી. જોઈએ, હવે પછી અનન્યાના જીવનમાં કોણ આવે છે.