Get The App

અનન્યા પાંડે : મમ્મી-પપ્પાને પૂછ્યા વિના પગ નથી ભરતી

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
અનન્યા પાંડે : મમ્મી-પપ્પાને પૂછ્યા વિના પગ નથી ભરતી 1 - image


- અનન્યા કહે છે કે મને વેબ સીરિઝમાં કામ કરવા પુષ્કળ મહેનત કરવી પડી હતી. આઠ એપિસોડમાં કામ કરવાનો સમય ઘણો લાંબો હતો. મને સમગ્ર સીરિઝ દરમિયાન કલાકો સુધી કામ કરવું પડતું હતું

છેલ્લા થોડા સમયમાં અભિનેત્રી અનન્યા પાંડેની 'ગહરાઇયાં' અને 'ખો ગયે હમ કહાં' રજૂ થઈ. તાજેતરમાં અભિનેત્રીની વેબ સીરિઝ 'કૉલ મી બે' આવી ગઇ. હિન્દી ફિલ્મોદ્યોગમાં ડગ માંડયા પછી અત્યાર સુધી અનન્યાએ ઠીક ઠીક કામ કર્યું છે. આમ છતાં તે તેના માતાપિતાની સલાહ લેવાનું નથી ચૂકતી.

અદાકારા કહે છે કે હું કારકિર્દીના કોઈપણ મુકામ પર કેમ ન હોઉં, મારા માટે મારા માતાપિતાની સલાહ એટલી જ મહત્વની રહેશે. મને જે ઑફરો આવે છે તેની સ્ક્રીપ્ટ મમ્મીને વંચાવ્યા પછી જ હું તેનો સ્વીકાર કરું છું. મને નથી લાગતું કે હું એટલી પરિપકવ થઈ ગઈ છું કે મારા મમ્મી-પપ્પાની સલાહ લીધા વિના આગળ વધી શકું. આજે હું જે છું તે તેમના માર્ગદર્શન અને આશિર્વાદને કારણે જ છું. ભવિષ્યમાં પણ મને તેમના ગાઇડન્સની જરૂર પડવાની જ છે.

અનન્યાએ અત્યાર સુધી કૉમેડી તેમ જ ઇન્ટેન્સ પ્રકારના રોલ કર્યાં છે. પરંતુ તેને હજી ઘણાં ક્ષેત્ર ખેડવાં છે. અદાકારા કહે છે કે મને હજી હૉરર-કૉમેડી, બાયોપિક, રીઅલ લાઈફ કેરેક્ટર, આઉટ એન્ડ આઉટ રોમાંટિક જેવી વિવિધ પ્રકારની ફિલ્મો કરવી છે. અલબત્ત, હું મહિલાઓને શક્તિશાળી બનાવે એવા પાત્રો ભજવવાને પ્રાથમિકતા આપવા માગું છું. આનું કારણ આપતાં અદાકારા કહે છે કે આજે પણ આપણા સમાજમાં લગભગ દરેક ક્ષેત્રે સ્ત્રી-પુરૂષ વચ્ચે ભેદભાવ કરવામાં આવે છે. મને આ વાત બહુ ખટકે છે. 

અભિનેત્રીએ વેબ સીરિઝમાં કામ કરવાનું શરૂ તો કરી દીધું. પરંતુ તેનો ત્રીજા પડદે કામ કરવાનો અનુભવ ફિલ્મો કરતાં તદ્દન વેગળો હતો. અનન્યા કહે છે કે મને વેબ સીરિઝમાં કામ કરવા પુષ્કળ મહેનત કરવી પડી હતી. આઠ એપિસોડમાં કામ કરવાનો સમય ઘણો લાંબો હતો. મને સમગ્ર સીરિઝ દરમિયાન કલાકો સુધી કામ કરવું પડતું હતું. 

'બે'નો અર્થ થાય પ્રિય. અહીં આપણને એવો પ્રશ્ન થવો સહજ છે કે રીઅલ લાઈફમાં અનન્યાને કોણ પ્રિય છે? આના જવાબમાં અભિનેત્રી કહે છે કે હમણાં તો મારું કામ જ મારું 'બે' છે. મારા કામની સાથે સાથે અન્ય ઘણું ઉત્સાહપ્રેરક કામ પણ થઈ રહ્યું છે. આગામી મહિને મારી વિક્રમ મોટવાણી સાથેની ફિલ્મ 'કંટ્રોલ' રજૂ થઈ રહી છે. તેના સિવાય પણ મારી એક ફિલ્મ સિનેમાઘરોમાં રજૂ થવાની છે. હમણાં તો હું મારા કામને મનભરીને માણી રહી છું. હા મારો ડોગી રાયન પણ મારો 'બે' છે.

સંબંધિત સીરિઝમાં અનન્યાને ઑટોરિક્ષા માટે હેરાન-પરેશાન થતી બતાવવામાં આવી છે. સામાન્ય રીતે આપણે એમ ધારી લેતાં હોઈએ છીએ કે ફિલ્મોમાં કામ કરતાં કલાકારો ઑટોરિક્ષામાં પ્રવાસ નહીં કરતાં હોય. પરંતુ અનન્યાને જાહેર પરિવહનમાં પ્રવાસ કરવાનો કોઈ છોછ નથી. અનન્યા કહે છે કે અમે શાળામાં અભ્યાસ કરતાં હતાં ત્યારે ટ્રેનમાં પણ પ્રવાસ કર્યો છે. અમે શાળાની ટુરમાં હૈદરાબાદ, જામનગર, અમદાવાદ જેવા સ્થળોએ ટ્રેનમાં જ ગયા હતા.

તાજેતરમાં અનન્યાએ ઉર્ફી જાવેદના શોને સપોર્ટ કર્યો હતો. સ્વાભાવિક રીતે જ તેના પ્રશંસકોને આ બાબતે આંચકો લાગ્યો હતો. પરંતુ અનન્યા આ વાતનો ખુલાસો કરતાં કહે છે કે મારા માતાપિતાએ મને હમેશાંથી શીખવ્યું છે કે જો તમને કોઈનું કામ ગમે તો તેની પ્રશંસા કરવાનું ન ચૂકો, તેમને તમારો ટેકો આપો. વળી મેં તેમને પણ લોકોના સારા કામની પ્રશંસા કરતાં જોયા છે. ફિલ્મોદ્યોગના લોકોએ મને પણ વખાણી છે, મને પ્રોત્સાહન આપ્યું છે. હવે હું એ પાછું આપવાનો પ્રયાસ કરી રહી છું જે મને મળ્યું છે. 


Google NewsGoogle News