અનન્યા અને સાશા: મૈં તેરી દુશ્મન...
- કહે છે કે 'પતિ, પત્ની ઔર વો'ની સિક્વલમાં અનન્યાને દૂર કરીને એની જગ્યાએ રાશાને રોલ આપવાનું વિચારાઈ રહ્યું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવવા મથી રહેલી અનન્યાથી આ કેવી રીતે સહન થાય?
વહીદા રહેમાન, આશા પારેખ અને હેલન વચ્ચેની ફ્રેન્ડશીપ દાખલારૂપ છે. એમના ગુ્રપમાં સદ્ગત સાધના અને નંદા પણ એક જમાનામાં સામેલ હતી. એમને જોઈને લાગે કે કોઈ પણ ફિલ્ડમાં એકબીજાની હરીફ કે પ્રતિસ્પર્ધી વ્યક્તિઓ વચ્ચે પણ ગાઢ મૈત્રી રહી શકે છે. કમસે કમ નિવૃત્ત થઈ ગયા પછી તો ખરી જ. આજની વાત જુદી છે. આજે ઊગીને ઊભી થતી હિરોઈનો વચ્ચે કોલ્ડવોર ફાટી નીકળે છે. હમણાં મુંબઈમાં યોજાયેલી એક મોટી ઈવેન્ટમાં ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે અને રવીના ટંડનની દીકરી રાશા થડાની વચ્ચેની ઝરેલા તણખા સૌએ જોયા.
હુઆ યું કિ એક ઈવેન્ટમાં બોલિવુડના લગભગ તમામ સ્ટાર્સ સજીધજીને હાજરી આપવા પહોંચી ગયા હતા. એમાં અનન્યા પાંડે અને રાશા થડાની પણ હતી. અનન્યા સહેજ મોડી આવી અને પોતાની સીટ પર બેસી ગઈ. એની સાવ બાજુમાં જ રાશા બેઠી હતી, છતાં અનન્યાએ રાશા સામે નજર સુધ્ધાં ન કરી. એ તો ઠીક, એ બીજી તરફ મોઢુ ફેરવીને બીજા કોઈ સાથે હસ-હસ કરતી વાતો કરતી રહી. રાશાએ પણ અનન્યાને જોઈને કોઈ પ્રતિક્રિયા ન આપી. તે પણ આજુબાજુ જોતી રહી.
આજના જમાનામાં સૌના હાથમાં કેમેરા છે. હવે કશું જ છૂપું રહી શકતી નથી. અનન્યા-રાશાની આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ને લોકો માંડયા કમેન્ટો કરવા: આ અનન્યા પોતાની જાતને સમજે છે શું? દીપિકા પદુકોણ? કોઈએ વળી રાશાનો વાંક કાઢ્યો: ગમે તેમ તોય અનન્યા સિનિયર છે. એ કંઈ ન બોલે તો પણ રાશાએ સામેથી એને 'હલો' કહેવું જોઈએ. રાશાની હજુ તો એક જ ફિલ્મ આવી છે ને તે પણ સુપર ફ્લોપ થઈ છે તોય આવો ઘમંડ? અનન્યા-રાશાના આવા ઠંડા વર્તાવ પાછળ જોકે એક કારણ છે. કહે છે કે 'પતિ, પત્ની ઔર વો'ની સિક્વલમાં અનન્યાને દૂર કરીને એની જગ્યાએ રાશાને રોલ આપવાનું વિચારાઈ રહ્યું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવવા મથી રહેલી અનન્યાથી આ કેવી રીતે સહન થાય? આજકાલની આવેલી છોકરી પોતાનો રોલ પડાવી લેશે, એમ? અનન્યા-રાશાએ એક વાત શીખવા જેવી છે કે મનમાં ભલે ગમે તેવો ગુસ્સો હોય, પણ કમસે કમ જાહેરમાં એકબીજા સાથે શાલીન વર્તન કરવાની ઔપચારિકતા દેખાડવી જોઈએ. એમની અભિનયકળા આવા પ્રસંગે કામ નહીં આવે તો ક્યારે કામ આવશે?