અમિતાભ - જયા : ફિફ્ટી નોટ આઉટ!
- શિશિર રામાવત
તો, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને આ મહિને લગ્નજીવનનાં ૫૦ વર્ષ પૂરાં કર્યાં. અડધી સદીનું સહજીવન અને એ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. અમિતાભ-જયાની મેરેજ લાઇફ કંઈ સરળ નહોતી. એમનાં લગ્નમાં કેવા કેવા અવરોધો આવ્યા ને કેવી કેવી કટોકટી ઊભી થઈ હતી તેની વાતો જગજાહેર છે. રેખા આજે પણ બિગ બી પ્રત્યેનો પોતાનો પ્રેમ જાહેરમાં વ્યક્ત કરવાનો એક મોકો ચૂકતી નથી. આ બધાની વચ્ચે બન્ને એકમેક સાથે જોડાયેલાં રહ્યાં. પતિ-પત્ની વચ્ચે પ્રેમ કેટલો છે, આકર્ષણ કેટલું છે અને આત્મીયતાનું અંતરંગ સમીકરણ કેવંુ છે તે પૂરીપૂરી અધિકૃતતા અને સચ્ચાઈ સાથે તો તેઓ જ કહી શકતાં હોય છે. પણ પ૦ વર્ષ એ મોટો આંકડો છે. અમિતાભ અને જયા હવે સાચા અર્થમાં ગોલ્ડન કપલ બન્યાં.
અમિતાભ અને જયાએ એકબીજાને સૌથી પહેલી વાર ક્યાં અને ક્યારે જોયાં? અમિતાભનું કહેવું છે, 'ગુડ્ડી' ફિલ્મના સેટ પર. સૌમ્ય વંદ્યોપાધ્યાય લિખિત અફલાતૂન અને દળદાર પુસ્તક 'અમિતાભ બચ્ચન'માં આના વિશે વિગતે વાત થઈ છે. હૃષિકેશ મુખર્જીની 'ગુડ્ડી' (૧૯૭૧) એટલે જયાની સૌથી પહેલી ફિલ્મ. તે વખતે તેઓ જયા ભાદુડી (અથવા ભાદુરી) હતાં. ૧૮ ઓગસ્ટ ૧૯૭૦ના રોજ મુંબઈના મોહન સ્ટુડિયોમાં ફિલ્મનું શૂટિંગ શરુ થયું એ જ દિવસે અમિતાભ બચ્ચન સેટ પર આવેલા. અમિતાભની સર્વપ્રથમ ફિલ્મ 'સાત હિંદુસ્તાની' રિલીઝ થઈ ચૂકી હતી અને હૃષિકેશ મુખર્જીની જ 'આનંદ' ફિલ્મનું શૂટિંગ પૂરી થવાની તૈયારીમાં હતું. હૃષિદાએ 'ગુડ્ડી'ના સેટ પર જયાને બોલાવ્યા અને બન્નેની ઓળખાણ કરાવી: 'જયા, આ છે તારો હીરો. મારા બાબુમોશાય...'
અમિતાભે બે હાથ જોડીને નમસ્કાર કર્યા. જયાએ ફક્ત 'હેલો' કહ્યું ને પછી પોતાના મેકઅપરુમમાં જતાં રહ્યાં. જતાં જતાં તેઓ વિચારતા હતા: મારા હીરો તો નવીન નિશ્ચલ હતા, તો આ અમિતાભ ક્યાંથી આવી ગયા? શૂટિંગના પહેલા જ દિવસે હીરો બદલાઈ ગયો?
એવું જ થયું. શૂટિંગના થોડા દિવસો વીત્યા ને હીરો પાછો બદલાઈ ગયો. બન્યું એવું કે 'આનંદ' રિલીઝ થઈ ચૂકી હતી. અમિતાભ એકાએક ફેમસ થવા લાગ્યા હતા. હૃષિકેશ મુખર્જી 'ગુડ્ડી'ના હીરો તરીકે એવો ચહેરો લેવા માગતા હતા જે ઓડિયન્સ માટે નવો હોય. તેથી અમિતાભની જગ્યાએ સમિત ભંજ નામના નવા એક્ટરની વરણી કરવામાં આવી.
બાય ધ વે, અમિતાભ-જયાની પહેલી વાર ઓખળાણ કરાવવામાં આવી તે ઘટના વિશે જયા કહે છે, 'મને યાદ છે, અમિતજી મને તે વખતે એવા એકધારા જોઈ રહ્યા હતા કે મને થયું કે આ માણસ મને ખાઈ જશે કે શું? હું એકદમ કોન્શિયસ થઈ ગઈ હતી. તે દિવસે સેટ પર મારી નજર વારે વારે એમના તરફ જતી હતી. મારે એ જાણવું હતું કે એ મારી તરફ જોઈ રહ્યા છે કે નહીં? કેટલીય વાર અમારી નજર ટકરાઈ. દર વખતે હું નજર હટાવી લેતી.'
તે દિવસે અમિતાભની સાથે જલાલ આગા પણ 'ગુડ્ડી'ના સેટ પર આવ્યા હતા. બન્ને જણા જયાની હાજરીમાં 'સ'ની જગ્યાએ 'ટ' બોલીને કોડ લેંગ્વેજમાં વાતો કરતા હતા. જયાને આવી ભાષા ક્યાંથી સમજાય? પણ તેઓ એટલું જરુર કળી ગયા કે આ બેય જણા મારી જ વાત કરતા લાગે છે! અમિતાભે કદાચ જલાલ આગાને પૂછ્યું હશે કે, કેવી લાગી આ છોકરી? જલાલ આગાએ તો જયાના ખૂબ વખાણ કરેલા: એફટીઆઈઆઈની છોકરી છે, બહુ સ્માર્ટ છે, એકદમ સહજ અને સરસ અભિનય કરે છે...
'ગુડ્ડી'ના શૂટિંગના બીજા દિવસે અમિતાભ-જયા વચ્ચેની પ્રારંભિક ઓકવર્ડનેસ ઓછી થઈ. ત્રીજા દિવસે એનાથી પણ ઓછી.
વિખ્યાત કવિનો લંબૂસ દીકરો
અચ્છા, તો બન્નેએ એકબીજાને પહેલી વાર 'ગુડ્ડી'ના સેટ પર જ જોયાં હતાં, રાઇટ? રોંગ! જયાનું વર્ઝન કંઈક જુદું છે. જયા કહે છે કે અમે એકબીજાને 'ગુડ્ડી'નું શૂટિંગ શરુ થયું એના એક વર્ષ પહેલાં જોયેલાં! બન્યું એવું કે 'સાત હિંદુસ્તાની'ના ડિરેક્ટર કે.એ. અબ્બાસ પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટયુટ આવેલા. સાથે અમિતાભ પણ હતા. જયા ત્યારે ઇન્સ્ટિટયુટમાં ભણતાં હતાં. શું અમિતાભને જોઈને જયા ઇમ્પ્રેસ થયેલાં ખરાં?
'એ તો મને યાદ નથી, પણ એટલું જરુર યાદ છે કે તે દિવસે અમારે કેમેરાના પ્રેક્ટિકલ્સ હતા,' જયા કહે છે, 'ઇન્સ્ટિટયુટના કમ્પાઉન્ડમાં એક મોટું ઝાડ છે. અમે લોકો ત્યાં કેમેરા સાથે ઊભા હતા ત્યારે અબ્બાસસાહેબ અમિતજી સાથે ત્યાં આવેલા. મેં દૂરથી એમને આવતાં જોયા હતા.'
કે.એ. અબ્બાસનું મોટું નામ. એમણે પોતાની આગામી 'સાત હિંદુસ્તાની' ફિલ્મમાં અમિતાભને હીરો તરીકે લીધા છે એ વાત ફિલ્મ ઇન્સ્ટિટયુટમાં સૌને ખબર. જયાને એ પણ જાણ હતી કે અમિતાભ હિંદી ભાષાના વિખ્યાત કવિ હરિવંશરાય બચ્ચનના દીકરા થાય. હરિવંશરાયની કવિતા જયા સ્કૂલમાં ભણ્યાં હતાં. ટેક્સ્ટબુક સિવાયની એમની કવિતાઓ પણ જયાએ વાંચી હતી. ત્યારે પેલા ઝાડ નીચે ઊભા ઊભા સૌ ચર્ચા કરતા હતા કે કવિ બચ્ચનનો દીકરો હીરો તરીકે કેવો લાગશે? સાચું પૂછો તો અમિતાભને જોઈને કોઈ કરતાં કોઈ પ્રભાવિત થયું નહોતું. સૌનું થયું કે, આ? આવો સાંઠીકડા જેવો લંબૂસ છોકરો જે પીઠથી થોડો વળી ગયો હોય એવું લાગે છે એ? સૌએ રીતસર એમની મજાક જ ઉડાવી હતી: આ તાડના ઝાડ જેવા છોકરાને અબ્બાસસાહેબે પોતાની ફિલ્મમાં હીરો તરીકે લીધો છે?
મજા જુઓ. બીજાં છોકરા-છોકરીઓ અમિતાભના દેખાવની મજાક કરી રહ્યાં હતાં, પણ એક જયાએ જ સૌનો વિરોધ કર્યો હતો. એમણે કહેલું: હાઇટ વધારે હોય તો શું થયું? એ બીજાઓ કરતાં અલગ, અનોખો દેખાય છે. એનો ચહેરો પણ સાધારણ ચહેરાઓ કરતાં જુદો છે. હી ઇઝ ડિફરન્ટ!
અમિતાભને આ ફિલ્મ ઇન્સ્ટિટયુટવાળો કિસ્સો હરામ બરાબર યાદ હોય તો! તેઓ તો એવું જ માને છે કે મેં જયાને સૌથી પહેલાં 'ગુડ્ડી'ના સેટ પર જ જોઈ હતી! 'ગુડ્ડી'માંથી તો તેઓ આઉટ થઈ ગયા, પણ જયા સાથેની દોસ્તી જળવાઈ રહી, બલકે, ઘનિષ્ઠ બનતી ગઈ. પહેલાં બન્ને ફક્ત સેટ પર જ મળતાં. પછી બહાર મળવા લાગ્યાં. 'એક નઝર' (૧૯૭૨)માં તો તેઓ હીરો-હિરોઈન બન્યાં. થોડા મહિનાઓમાં જ બન્નેને સમજાઈ ગયું કે અમને બેયને એકબીજા વગર રહી નહીં શકીએ. 'આઇ લવ યુ' કે 'ચાલ, પરણી જઈએ' એવું મૌખિક કહેવાની પણ જરુર નહોતી રહી. જયાને સમજાઈ ગયું હતું કે અમિતાભને મારા વગર નહીં ચાલે. અમિતાભે પણ કળી લીધું હતું કે જયાએ મને મનોમન પોતાનો પતિ માની લીધો છે! ૩ જૂન ૧૯૭૩ના રોજ તેમણે લગ્ન કર્યાં... ને લો! એ વાતને પ૦ વર્ષ પૂરાં પણ થઈ ગયાં!