Get The App

અમન દેવગણ : અજય મામાનું માર્ગદર્શન અને કોજોલ મામીની પોઝિટિવિટી

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
અમન દેવગણ : અજય મામાનું માર્ગદર્શન અને કોજોલ મામીની પોઝિટિવિટી 1 - image


- 'માત્ર પ્રસિદ્ધિ અને પૈસા માટે અભિનય ક્ષેત્રમાં ઝંપલાવવું યોગ્ય નથી. આવી સફર ટકી નહીં શકે. બોલિવુડમાં ખરી સફળતા કલા પ્રત્યે પ્રામાણિક રહેવાથી જ મળે છે.'

અમન દેવગણે જ્યારે પોતાના પ્રતિભાશાળી મામા અજય દેવગણના પગલે ચાલવાનું નક્કી કર્યું ત્યારે તે પૂરી રીતે વાકેફ હતો કે તેનો પથ સરળ તો નહીં જ હોય. અભિષેક કપૂર દિગ્દર્શિત તેની ડેબ્યુ ફિલ્મ 'આઝાદ'નો જે રીતે ભયાનક ૦બડકો થયો છે તેનાથી એને સમજાઈ પણ ગયું છે કે દેવગણ અટક રાખી લેવાથી કંઈ ચમત્કાર થઈ જતો નથી. અમનની ઓરિજિનલ સરનેમ અમન ગાંધી (અથવા અમન દેવગણ ગાંધી) છે. અમની મમ્મી નીલમ દેવગણ ગાંધી એટલે અજયની સગ્ગી બહેન. અમને નેપોટિઝમનો લાભ લેવા પોતાના નામ પાછળથી ગાંધી સરનેમ ઉડાડી દીધી અને માત્ર ૦અમન દેવગણ૦ થઈ ગયો. ખેર, ભલભલા નેપોકિડની પહેલી ફિલ્મ ઊંધા માથે પછડાઈ છે (ઉદાહરણ તરીકે, રણબીર કપૂરની 'સાંવરિયા') એટલે અમને બહુ દુખી થવા જેવું  નથી.   

અમન માટે અજય દેવગણ મામા કરતાં વિશેષ છે. એ કહે છે, 'અજયઅંકલનો મારી સાથેનો વ્યવહાર અત્યંત સખત રહ્યો છે. મેં એક્ટર બનવાનું નક્કી કર્યું ત્યારથી તેઓ મારી સાથે પહેલાં કરતાંય ત્રણ ગણા વધારે કડક સખત થઈ ગયા છે. અંકલે સફળતા હાંસલ કરવા માટે કેટલી મહેનત કરી છે તે હું સારી રીતે જાણું છું. મારા માટે એ દુર્લભ ક્ષણ હતી, જ્યારે અજયમામાએ 'આઝાદ'ના ફાયનલ કટમાં મારૃં  પરફોર્મન્સ જોયા પછી મને શાબાશી આપી હતી. મારી આ અભિનય સફરમાં આ પ્રશંસા એક સીમાચિહ્ન સમાન છે.'

ચોક્કસતા માટે અજયનો આગ્રહ બોલીવૂડમાં સફળતા માટે જરૂરી સમર્પિતતાની તેની સમજમાંથી ઉદ્ભવે છે. અજયે ઘણીવાર અમનના કામની ટીકા કરી છે, પણ આ ટીકા ગુસ્સામાં નહીં પણ અમન આ સ્પર્ધાત્મક ઉદ્યોગમાં સફળતા હાંસલ કરે તેવી ઈચ્છાથી કરી છે.

અમન યાદ કરે છે, 'આપણને પ્રશંસા ન મળે ત્યારે આપણે નિરાશ થઈએ છીએ, પણ અજય અંકલ અને કાજોલ આન્ટી વ્યાપક ચિત્રનો વિચાર કરે છે. તેઓ વિચારે છે કે આજથી વીસ વર્ષ પછી આપણે ક્યાં હોવું જોઈએ અને એ સિદ્ધિ હાંસલ કરવા અત્યારે શું કરવું જોઈએ.'

અમન પોતાનાં કાજોલમામીને જીવંત અને મઝેદાર વ્યક્તિ તરીકે વર્ણવે છે, એવી વ્યક્તિ જે થોડી પળોમાં જ તમારા ઉત્સાહને વધારી દે. તેનો ખુશમિજાજ સ્વભાવ ખાસ કરીને મુશ્કેલ સમયમાં અત્યંત જરૂરી એવો ભાવનાત્મક ટેકો પૂરો પાડે છે. બંનેનું વિરોધાભાસી વ્યક્તિત્વ હોવા છતાં બન્નેનો અભિનય, કલા અને કારકિર્દી ઘડવામાં પ્રામાણિકતાના મહત્વ બાબતે સમાન દ્રષ્ટિકોણ ધરાવે છે.

અમન મામા-મામીની એક સલાહને ખાસ યાદ રાખે છે. તેમણે અમનને એક ગૂઢ સવાલ કર્યો હતોઃ તારે એક્ટર શા માટે બનવું છે? તેમના મતે માત્ર પ્રસિદ્ધિ અને પૈસા માટે અભિનય ક્ષેત્રમાં ઝંપલાવવું યોગ્ય નથી. આવી સફર ટકી નહિ શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બોલિવુડમાં ખરી સફળતા કલા પ્રત્યે પ્રામાણિક રહેવાથી જ મળે છે. તમે એક એક્ટર બન્યા વિના એક સુપરસ્ટાર ક્યારે પણ ન બની શકો. આ વિચારધારાએ કાર્ય પ્રત્યે અમનના અભિગમ પર ઊંડી અસર કરી.

ફિલ્મો પ્રત્યે અમનનું આકર્ષણ નાની વયે જ શરૂ થયું હતું, અને ખાસ તો તે પરિવારની વિરાસતથી પ્રેરિત હતું. તે હજી પણ અજય દેવગણની 'ધી લેજન્ડ ઓફ ભગતસિંહ' જોયાનું અને અભિનયની પરિવર્તનકારી શક્તિથી પ્રભાવિત થયાનું યાદ કરે છે. આ ફિલ્મમાં અજયનું સમર્પણ અને અભિનયક્ષમતા જોઈને તેને પણ અભિનય ક્ષેત્રમાં ઝંપલાવવાની પ્રેરણા મળી.

અમનને અજયની ફિલ્મો 'ભુજઃ ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયા' અને 'રનવે ૩૪'માં સહાયક દિગ્દર્શક તરીકે પડદા પાછળનો અનુભવ પણ મળ્યો છે. આ અનુભવે તેની ફિલ્મ સર્જનની બારીકી સમજવાની અને અભિનય ક્ષેત્રમાં ઝંપલાવવાની ઈચ્છા વધુ દ્રઢ કરી હતી.

બોલિવૂડના બે મહારથીઓનો સંબંધિત હોવાથી અમનને પોતાની અટક સાથે આવતી પ્રાથમિકતાઓ અને અપેક્ષાઓ વિશે સારી જાણકારી છે. અમન કબૂલ કરે છે કે સ્ટાર કિડ્સને તેમનો પ્રથમ બ્રેક તો જલદી મળી જતો હોય છે, પણ તેની કારકિર્દી પ્રતિભા અને સખત પરિશ્રમના જોરે જ બની શકે છે. તકો મળે છે, પણ માત્ર એક જ વાર. પછી તો દર્શકો સ્ટારકિડ્સને તેમની પ્રતિભાના ત્રાજવે જ તોલે છે.

આઝાદની પહેલી ફિલ્મે તો જરાય તરંગો જન્માવ્યા નથી. ખરી કસોટી હવે થવાની છે. અજય દેવગણનું અનુશાસન હોય કે પછી કાજોલની સકારાત્મકતા હોય, અમન બંનેમાંથી પ્રેરણા અને શક્તિ મેળવે છે. અમન નેપો-કિડ છે એટલે એને ફિલ્મો તો મળતી રહેશે. કમસે કમ પ્રારંભિક તબક્કામાં. જોઈએ, અમનની બીજી-ત્રીજી-ચોથી ફિલ્મ કેવુંક પર્ફોર્મ કરે છે.  


Google NewsGoogle News