'કુંવારા બાપ'નાં બધાં ગીતો મેલોડીથી ભરપુર હતાં
- બાળપણમાં જેને સંગીતમાં જરાય રસરુચિ નહોતાં એવો આ યુવાન પાછળથી એવો સંગીતકાર બન્યો કે એને દેવ આનંદ, યશ ચોપરા અને અન્ય ટોચના ફિલ્મ સર્જકો બોલાવતા થયા. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પણ પહેલી વાર ફિલ્મોમાં ગવડાવનાર આ જ રાજેશ રોશન.
- કુંવારા બાપ
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના એંગ્રી યંગ મેનના વાવાઝોડા સામે સામા પૂરે તરી રહેલા યુવાન સંગીતકાર રાજેશ રોશનના સંગીતની વાત આપણે શરૂ કરી છે. એક વર્ઝન પ્રમાણે સંગીતકાર લક્ષ્મીકાંતે મહેમૂદને રાજેશની ભલામણ કરેલી. રાજેશે પાંચેક વર્ષ સુધી લક્ષ્મીકાંત-પ્યારેલાલના સહાયક તરીકે કામ કર્યું હતું. 'કુંવારા બાપ'ના વ્યંડળ ગીતની થોડીક વાત આપણે કરી. આ ગીતમાં પંદરેક વ્યંડળ ઉપરાંત ખુદ મહેમૂદે એક અંતરો ગાયો હતો. જોકે ખરેખર ગાવાના અર્થમાં ગાયો હતો એમ તો નહીં કહેવાય. આ ગીત સમકાલીન ગીતો કરતાં ઘણી રીતે જુદું હતું.
તમે યુ ટયુબ પર 'સજ રહી ગલી મેરી માં...' ગીત આજે ફરી સાંભળો તો તમને ખ્યાલ આવશે. સ્વરલગાવ, શબ્દોનો લહેકો, ગીતનો ઢાળ, હલક, અને સરેરાશ રજૂઆત- બધું અદ્દલ ગલીઓમાં ગાતા વ્યંડળો જેવું હતું. આટલું ઓછું હોય તેમ આજે જે શૈલી રેપ સોંગ તરીકે ઓળખાય છે એ રીતે અંતરામાં વચ્ચે વચ્ચે લયબદ્ધ પઠન જેવો પ્રયોગ હતો. એક આખો અંતરો એ રીતે ખુદ મહેમૂદે ગાયો હતો. કથાનાયકને આ બાળક ક્યાંથી મળ્યું અને કયા સંજોગોમાં એને આ બાળક રાખવાની ફરજ પડી એ બધી વાત મહેમૂદવાળા અંતરામાં રજૂ થઇ છે. કથાને અનુરૂપ શબ્દોની ગૂંથણી ગીતકાર મજરૂહ સુલતાનપુરીએ કરી હતી. આ ગીતે જબરદસ્ત ધમાલ મચાવી દીધી હતી. ખરું પૂછો તો 'કુંવારા બાપ' ફિલ્મનાં લગભગ બધાં ગીતો હિટ હતાં.
કેટલાંક ગીતોમાં તો ખરેખર જાદુઇ સ્પર્શ હતો. જેમ કે ફિલ્મની લોરી. અગાઉ આપણે સાંભળેલાં લોરી ગીતોમાં કેટલાંક ગીતો હજુય યાદગાર રહ્યાં છે. જેમ કે 'ધીરે સે અંખિયન મેં આજા રી..' (ફિલ્મ 'અલબેલા', સંગીત સી રામચંદ્ર), 'આજ કલ મેં ઢલ ગયા...' (ફિલ્મ 'બેટી બેટે', સંગીતકાર શંકર-જયકિસન), 'મૈં ગાઉં તુમ સો જાઓ...' (ફિલ્મ 'બ્રહ્મચારી', સંગીત શંકર-જયકિસન) વગેરે. આ બધી લોરીની સાથે ટટાર ઊભી રહી શકી એવી લોરી 'કુંવારા બાપ'માં રાજેશે આપેલી. એનું મુખડું હતું- 'આ રી આજા નિંદિયા, તૂ લે ચલ કહીં...' આ ગીતને કિશોર કુમાર, લતા મંગેશકર અને મહેમૂદે કંઠ આપ્યો હતો.
એ જ રીતે ઔર એક સુંદર બાળગીત 'મૈં હું ઘોડા યહ હૈ ગાડી...'એ પણ ગજબની જમાવટ કરી હતી. આ ગીત કિશોર કુમાર, મહેમૂદ અને સાથીઓના કંઠમાં હતું. એને તાજગીસભર રાગ પહાડી અને તાલ કહેરવામાં રચવામાં આવેલું. આજે આ વાતો કરીએ છીએ ત્યારે થોડી નવાઇ લાગે છે. કેમ? એવો સવાલ જાગે તો આગળ વાંચો. ૧૯૬૭ના નવેંબરની સોળમીએ ફક્ત ૪૯ વર્ષની વયે સંગીતકાર રોશનનો જીવનદીપ બુઝાયો ત્યારે રાજેશ માત્ર અગિયાર-બાર વર્ષનો હતો. મોટોભાઇ રાકેશ ૧૮ વર્ષનો હતો અને અભિનય ક્ષેત્રે કાઠું કાઢવા મથતો હતો.
પંજાબી પિતા રોશન અને બંગાળી માતા ઇરાની કૂખે જન્મેલા રાજેશને ન તો અભિનયમાં રસ હતો, ન તો સંગીતમાં. એમ સમજો કે એ ફિલ્મ સૃષ્ટિથી તદ્દન અલિપ્ત હતો. રોશનના અકાળ અવસાનથી મૂંઝાયેલાં રોશનનાં પત્ની થોડી મૂંઝવણમાં હતાં કે હવે શું કરવું. રોશન ગયા ત્યારે આપણા ગરવા ગુજરાતી મેંડોલીન અને સરોદવાદક કિશોર દેસાઇ રોશનના મુખ્ય સહાયક હતા. છેલ્લો હાર્ટ અટેક આવ્યો ત્યારે રોશને પત્ની ઇરાને કહેલું કે ચિંતા નહીં કરતી. મારું અધૂરું કામ કિશોર પૂરું કરશે. કિશોરભાઇએ એ કામ કર્યું પણ ખરું. રાજેશને પિતાના માર્ગે વાળવાની યુક્તિ પણ ઘણું કરીને કિશોરભાઇએ સૂચવી.
ઇરાએ કિરાણા ઘરાનાના ઉસ્તાદ ફૈયાઝ અહમદ ખાન પાસે સંગીતની તાલીમ લેવાની શરૂ કરી. એ માટે ઇરા ખાનસાહેબના ઘરે જાય ત્યારે સમજાવી-પટાવીને રાજેશને સાથે લઇ જતી. થોડા સમય પછી રાજેશના જિન્સમાં છૂપાઇ રહેલા સંગીતના સંસ્કારો જાગ્રત થયા. આખરે તો સંગીતકારનો પુત્ર હતો. દિવસ-રાત ઘરમાં સંગીત ગૂંજતું એ સાંભળતો. મોરના ઇંડાં કંઇ ચીતરવા પડે? એણે પણ ખાનસાહેબ પાસે સંગીત શીખવા માંડયું. રાજેશને સંગીતમાં રસ પડી રહ્યો છે એ જોઇ રાજી થયેલી ઇરાએ એને બાબા રામપ્રસાદ (સંગીતકાર પ્યારેલાલના પિતા) પાસે મોકલ્યો. રામપ્રસાદજી ડઝનબંધ વાદ્યો વગાડી જાણતા અને ફિલ્મ સંગીતકાર માટે જાણવા અનિવાર્ય એવા સ્ટાફ નોટેશનના નિપુણ હતા. એમણે આ કાચા હીરામાં પાસા પાડવા માંડયા.
બાય ધ વે, આપણે સૌ બાબા રામપ્રસાદના આભારી છીએ. એક સમય હતો જ્યારે ગોવાનીઝ ક્રિશ્ચન સાજિંદાઓની ફિલ્મ સંગીતમાં મોનોપોલી હતી. આપણા મોટા ભાગના સંગીતકારોને સ્ટાફ નોટેશન આવડતું નહોતું એટલે આ સારિજિંદા રીતસર દાદાગીરી કરતા. એ દિવસોમાં બાબા રામપ્રસાદ બ્રિટિશ લશ્કરના બેન્ડના ઉપરી હતા. સોંઘવારીના એ જમાનામાં એમને રૂપિયા ૮૦૦નો પગાર મળતો. મુંબઇના ફિલ્મ ઉદ્યોગની વાત સાંભળીને એમણે લશ્કરી બેન્ડ માસ્ટરની નોકરી છોડી. મુંબઇ આવ્યા અને ઝૂંપડપટ્ટીની ગલીઓમાં રખડતા ટાબરિયાઓને પકડી પકડીને ગુરુકુળ પદ્ધતિથી જુદાં જુદાં વાજિંત્ર વગાડતાં અને સ્ટાફ નોટેશન વાંચતાં-લખતાં અને લખ્યા મુજબ વગાડતાં તૈયાર કર્યા. એક સમયે જ્યાં ૯૦ ટકા ગોવાનીઝ ઇસાઇ વાદ્યકારો હતા ત્યાં આપણા સ્થાનિક વાદ્યકારો ગોઠવાઇ ગયા. એ રીતે રામપ્રસાદજીએ ફિલ્મ સંગીતની અમૂલ્ય સેવા કરી.
એ રીતે રામપ્રસાદજી પાસે તૈયાર થયેલા રાજેશને લક્ષ્મીકાંત-પ્યારેલાલે પોતાની પાંખમાં લીધો. આ બંને ધુરંધરો પાસે રાજેશ સહાયક સંગીતકાર તરીકે કામ કરવા ઉપરાંત ઓરકેસ્ટ્રાના સંચાલનની આંટીઘુંટી પણ શીખ્યો. આમ આદમીને આકર્ષે એવી તર્જો બનાવવાની કળા આત્મસાત કરી. આમ, બાળપણમાં જેને સંગીતમાં જરાય રસરુચિ નહોતાં એવો આ યુવાન પાછળથી એવો સંગીતકાર બન્યો કે એને દેવ આનંદ, યશ ચોપરા અને અન્ય ટોચના ફિલ્મ સર્જકો બોલાવતા થયા. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પણ પહેલી વાર ફિલ્મોમાં ગવડાવનાર આ જ રાજેશ રોશન. એની વાત હવે પછી.