આલિયાની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજનને કોઈની મદદ ખપતી નથી
- 'સ્વબળે પોતાનો માર્ગ કંડારવાની એક અલગ જ મજા છે અને એ હું અનુભવી શકું છું. મારો એક જ આગ્રહ છે કે કાલ ઉઠીને મને કોઈ એમ ન કહી જાય કે તારા માટે બધું ઈઝી હતું . '
જમાનો કોન્ટેક્ટ્સ અને કનેકશન્સનો છે. આજે સકસેસ માટે ઓળખાણ અને સંબંધ જરૂરી પૂર્વશરત મનાય છે. લોકો એના પર સવાર થઈને સફળ થાય છે પણ ખરા. અલબત્ત, એમાં અમુક વ્યક્તિઓ અપવાદ હોય છે. તેઓ પોતાનો માર્ગ જાતે કંડારવા ઇચ્છે છે. એમને પોતાના ડેડિકેશન અને ટેલેન્ટ પર ૧૦૦ ટકા ભરોસો હોય છે એટલે એમને કોન્ટેક્ટ્સ અને કનેક્શન્સ નામની કાખઘોડીની જરૂર નથી પડતી. આકાંક્ષા રંજન આવી જ એક ખુદ્દાર એક્ટર છે. આકાંક્ષાના ડેડી શશી રંજન એક જાણીતા પ્રોડયુસર છે, એની બહેન અનુષ્કા રંજન ફિલ્મો અને વેબ સીરિઝમાં અભિનેત્રી તરીકે પોતાની જગ્યા બનાવી ચુકી છે. વળી, આલિયા ભટ્ટ એની બેસ્ટ ફ્રેન્ડ છે છતાં આકાંક્ષા આમાંથી કોઈનો હાથ ઝાલીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગળ આવવા નથી ઇચ્છતી. 'સ્વબળે પોતાનો માર્ગ કંડારવાની એક અલગ જ મજા છે અને એ હું અનુભવી શકું છું. મારો એક જ આગ્રહ છે કે કાલ ઉઠીને મને કોઈ એમ ન કહી જાય કે તારા માટે બધું ઈઝી હતું અથવા તો તને ફલાણા-ફલાણાએ હેલ્પ કરી હતી,' એમ કહી એકટ્રેસ પોતાનો અભિગમ સ્પષ્ટ કરે છે.
વેબ ફિલ્મ 'મોનિકા ઓ માય ડાર્લિંગ'માં રોલ કરી ચુકેલી આકાંક્ષા કોની પુત્રી અને કોની બહેન છે એ ઇન્ડસ્ટ્રીમાં સૌ જાણે છે છતાં પોતાના વ્યવહાર અને વર્તનમાં ભાગ્યે જ એવું વર્તાય છે કે એ 'પ્રિવિલેજડ પર્સન' છે. કામ મેળવવા એણે આજ સુધી પોતાના કનેક્શન્સનો ઉપયોગ નથી કર્યો. પોતાના પિતાનો દાખલો આપતા મિસ રંજન કહે છે, 'માય ડેડ (શશી રંજન) વોન્ટેડ ટુ બી એન એક્ટર બટ અનફોર્ચ્યુનેટલી હી કુડ નોટ મેક ઈટ. તેઓ પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયુટ ઑફ ઇન્ડિયામાં ડેવિડ ધવન, શત્રુઘ્ન સિંહા, સતીશ કૌશિક અને ગુલશન ગ્રોવરના બેચમેટ હતા. બધા એક જ બેચમાં હતા, પણ એકલા ડેડી જ એક્ટર તરીકે સફળ ન થઈ શક્યા. ડેડ જાણે છે કે એકટર્સ કે દોસ્ત હોને સે કુછ હોતા નહીં હૈ. મેં પણ એ જાણી લીધું છે. એમની જેમ મારા પણ ઘણાં એક્ટર ફેન્ડ્સ છે, પરંતુ મેં એમની પાસેથી મદદની ક્યારેય અપેક્ષા નથી રાખી. ઇન્ડસ્ટ્રીમાં ફ્રેન્ડ્સ પાસેથી હેલ્પ માગવાની હું કલ્પના પણ નથી કરી શકતી. હું મારા સંજોગો અને મારી સફરથી સારી પેટે વાકેફ છું એટલે જ મારે આપબળે પોતાનો મારગ બનાવવો છે,' એવા શબ્દોમાં આકાંક્ષા પોતાની કેફિયત રજુ કરે છે.
સવાલ એ છે કે શું એક એક્ટર તરીકે એને કદી પોતાની આલિયા જેવી ફ્રેન્ડ્સ સાથે પોતાની સરખામણી કરવાનું મન નથી થતું? આકાંક્ષાના જવાબમાં સેલ્ફ-કોન્ફિડન્સની ઝલક વર્તાય છે, 'સર, બીજા કોઈની સકસેસને તમે પોતાની ન ગણી શકો. મને મારી બધી ફ્રેન્ડ્સની સફળતાની ખુશી છે. ગ્રીન રૂમમાં બેસીને મેં એમને તાળીઓથી વધાવી છે, પણ હવે મારો વારો છે. મારો ટાઈમ પણ આવી રહ્યો છે.'
આકાંક્ષાનો આવો દાવો પોકળ નથી કારણ કે એ ટૂંક સમયમાં તેલુગુ ફિલ્મોમાં ડેબ્યુ કરવાની છે.
એક્ટર પોતાનું કરીઅર બનાવવા પર ફોકસ કરી રહી છે ત્યારે જ એવી વાત આવી છે કે એ 'ગુંજન સકસેના : ધ કારગિલ ગર્લ' (જાન્હવી કપૂર)ના ડિરેક્ટર શરણ શર્માને ડેટ કરી રહી છે. એનો નિખાલસ એકરાર કરતા આકાંક્ષા કહે છે, 'હા, હું શરણ સાથે રિલેશનશિપમાં છું. મારે એમાં છુપાવવા જેવું કશું નથી, પણ મને મારી પર્સનલ લાઇફ વિશે વધુ પડતી ચર્ચા કરવાનું પસંદ નથી.'