આલિયા ભટ્ટે બોટોક્સ કરાવ્યું હોવાના દાવાને વખોડી કાઢ્યો
બોલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાની બોટોક્સ સારવારમાં ગડબડ થઈ હોવાનો દાવો કરતા વાયરલ વીડિયો અને તેની સાથે ક્લિકબેટ લેખો સામે ચૂપકીદી તોડીને સખત નારાજગી વ્યક્ત કરી હતી.
આવી બેઢંગી અફવાઓનો રદિયો આપતા આલિયાએ સખત શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી અને દાવાને આધાર વિનાના ગણાવીને વખોડી કાઢ્યા હતા. કોઈપણ સાબિતી વિના કરાયેલા દાવા અને ધારણા સામે આલિયાએ હતાશા વ્યક્ત કરી હતી.
આલિયાએ પોતાના દેખાવ અને બોલચાલની ઢબ વિશે આવી વણમાગી ચકાસણીની ટીકા કરતા જણાવ્યું કે ચહેરાનો લકવો જેવા અતિશયોક્તિ ભર્યા દાવા કોઈપણ ફેરચકાસણી અથવા પુરાવા વિના શેર કરવામાં આવ્યા હતા.
આલિયાએ વધુ ઊંડાણમાં ઉતરીને સમાજમાં મહિલાઓને સોશિયલ મીડિયા પર કેવી કઠોર રીતે ચકાસવામાં આવે છે અને તેમના વિશે સાચાખોટા મંતવ્યો પસાર કરવામાં આવે છે તે મુદ્દાને સ્પર્શ્યો.
આલિયાએ નોંધ કરી કે આવી ઘડેલી વાતો ધ્યાન દોરવા કરતા પણ આગળ જાય છે અને તે યુવા તેમજ નબળા મગજને પ્રભાવિત કરે છે. આવી અતિશ્યોક્તિ ભરી વાતોને હકીકત તરીકે રજૂ કરીને ક્લિકબેટ મીડિયા અને અફવા ફેલાવનારા અવાસ્તવિક ધોરણો સ્થાપે છે અને ચહેરાની કુદરતી વિશિષ્ટતાઓ અને બોલચાલના નકારાત્મક અભિગમોને પ્રેરણા આપે છે.
આલિયાના મતે સતત પસાર કરાતા આવા મંતવ્યો એવું વાતાવરણ સર્જે છે જેમાં વ્યક્તિની ઓળખને બિરદાવવાના સ્થાને તેની ટીકા કરવામાં આવે છે. આલિયા આક્રોશપૂર્વક જણાવે છે કે સોશિયલ મીડિયા પર મહિલાઓના ચહેરા, શરીર, અંગત જીવન તેમજ તેમના નિતંબ વિશે પણ ટીકાત્મક મંતવ્યો પસાર કરવામાં આવે છે. આલિયાએ ઓનલાઈન સંસ્કૃતિના હાનિકારક પ્રકાર સામે લાલબત્તી ધરી છે.
આવા હેતુવિહોણા મંતવ્યોના સામાજિક પરિણામો પર પ્રકાશ પાડતા આલિયાએ લોકોને ઉતારી પાડવાના સ્થાને તેમની પસંદગીને સમર્થન આપવાની સલાહ આપી. આવા ટીકાત્મક વર્તન, ખાસ કરીને ટીકાનો મોટો હિસ્સો મહિલાઓ તરફથી જ આવતો હોવાની નોંધ લઈને તેને સાહજિકતાથી સ્વીકારવાની બાબતને આલિયાએ વખોડી કાઢી હતી.
આલિયાએ સવાલ કર્યો કે જીવો અને જીવવા દો તેમજ તમામને પોતાની પસંદગીનો અધિકાર હોય છે તેવી ભાવના કેમ ક્યાંય દેખાતી નથી? આલિયાએ પારસ્પરિક સમર્થન અને સ્વીકૃતિની સંસ્કૃતિ તીવ્ર ચકાસણી અને સરખામણીના સ્થાને વધુ સકારાત્મક રહેશે તેવું સૂચન પણ કર્યું.
આલિયાએ પોતાની પોસ્ટમાં છેલ્લે લખ્યું કે ઓનલાઈન કન્ટેન્ટ અનેકવાર વાસ્તવિક્તાથી જોજનો દૂર હોય છે વ્યાવસાયિક ક્ષેત્રે આલિયા હરણફાળ ભરી રહી છે અને વસન બાલાની જીગરામાં તેના પરફોર્મન્સની પ્રશંસા થઈ રહી છે.