અલી ફઝલે બેસ્ટ ડેડી બનવા પાંચ ચોપડી વાંચી!
- 'મારી હોલિવુડ જર્ની સાવ અલગ રીતે ચાલી રહી છે. 'મિર્ઝાપુર' કોઈ એવી સિરીઝ નથી કે જેની પશ્ચિમના દેશોમાં કોઈ ખાસ કારણ વિના ગમે ત્યારે એની ચર્ચા થતી હોય.'
બોલિવુડના એકટર્સને લાઈમલાઇટમાં રહેવા એકલી ફિલ્મો પર આધાર રાખવો નથી પડતો. વેબ-સીરિઝ પણ હવે એમને પૈસા અને પ્રસિધ્ધિ- બંને અપાવે છે. મનોજ બાજપેયી અને પંકજ ત્રિપાઠીના દાખલા આપણી સામે છે. વેબ-શૉ 'મિર્ઝાપુર'ની ત્રણ સિઝન પછી અલી ફઝલ પણ એકટર્સની આ ક્લબમાં સામેલ થઈ ગયો છે. સીરિઝમાં અલીએ ભજવેલા ગુડ્ડુ પંડિતના પાત્રની ખ્યાતિ દેશના સીમાડા વટાવી વિદેશોમાં પહોંચી ગઈ છે. શૉમાં પંકજ ત્રિપાઠી અને વિજય વર્મા જેવા ટોપ પરફોર્મર સાથે અલી પણ આગલી હરોળમાં ઊભો રહ્યો છે એટલે જ 'મિર્ઝાપુર'ની ત્રીજી સિઝનના સ્ટ્રિમિંગ પૂર્વે યોજાયેલી પ્રમોશનલ ઇવેન્ટ્સમાં મીડિયાએ અભિનેતાને લીડ એક્ટરની જેમ ટ્રીટ કર્યો હતો.
પત્રકારોએ ફઝલને શૉના પ્રમોશનમાં એને ગમે એવા જ પ્રશ્નો કર્યા. સૌથી પહેલા એક્ટરને પૂછાયું કે તમે હવે હોલીવૂડમાં એક્ટર ઉપરાંત પ્રોડયુસર તરીકે પણ શરૂઆત કરી છે. એ જોતા તમે ગુડ્ડુ ભૈયા જેવું સશક્ત કેરેક્ટર ભજવતા એક્ટર અને વેસ્ટના પ્રોડયુસર વચ્ચે કઈ રીતે બેલેન્સ જાળવો છો? શું એ ડિફિકલ્ટ નથી લાગતું? અલી એનો આગવી રીતે જવાબ આપે છે, 'ઈન ફેક્ટ, મને આ બંને રોલ્સ ભજવવામાં બહુ મજા પડી રહી છે. હું રમકડાંની દુકાનમાં જઈ ચડેલું કોઈ બાળક હોઉં એવું મને લાગે છે. આમેય, મને પહેલેથી ચેલેન્જિંગ હોય એવા કામો ગમતા આવ્યા છે અને એમાંથી હું મારો માર્ગ કાઢી લઉં છું. આમેય અમે એક્ટર તરીકે જુદી બોલી અને અલગ બેકગ્રાઉન્ડ ધરાવતા ભિન્ન ભિન્ન પાત્રો ભજવતા જ હોઈએ છીએ એટલે આ બધું મારા માટે બહુ મુશ્કેલ નથી.'
રિચા ચઢ્ઢાના હસબન્ડને મીડિયા બીજો સવાલ કરે છે, 'શુ તમને લાગે છે કે 'મિર્ઝાપુર' ફ્રેન્ચાઈસનો ગુડ્ડુ ભૈયા તમારી કરિયરમાં એક ગેમ ચેન્જિંગ રોલ બની ગયો છે અને તમે દુનિયાભરમાં સેંટર સ્ટેજમાં આવી ગયા છો?' અલી આ સાંભળી ફુલાઈ જવાને બદલે એનો થોડો નકારમાં ઉત્તર આપે છે, 'નહીં, સર મુઝે ઐસા નહીં લગતા. હા, ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ રોલે મને ચોક્કસપણે પાંખો આપી છે. 'મિર્ઝાપુર' બીજી રેગ્યુલર શૉ કરતાં જુુદી દિશામાં ફંટાય છે. જ્યારે મારી હોલિવુડ જર્ની એનાથી સાવ અલગ રીતે ચાલે છે. 'મિર્ઝાપુર' કોઈ એવી સીરિઝ નથી જેની વેસ્ટમાં કોઈ ખાસ કારણ વિના ગમે ત્યારે ચર્ચા થતી હોય.'
પત્રકારો સીરિઝ વિશે ઔપચારિક પૃચ્છા કરેલી કે ત્રીજી સીઝનની સરપ્રાઇઝ શું છેે? ફઝલ માહિતી શૅર કરતા કહે છે, 'આ વખતે શૉએ જુદો રૂટ અપનાવ્યો છે. નવી સિઝનની સ્ક્રિપ્ટ ટાઈટ છે અને એમાં વધુ ડ્રામા છે. વળી, અમે નવી સિઝનમાં હેન્ડ કોમ્બેટ (હાથો હાથની લડાઈ) બતાવી છે. કેટલાંક મહત્ત્વના કેરેકટર્સ વિદાય લેશે અને અમુક નવા પાત્રો આવશે. આ સિઝનમાં મેં અલગ પ્રકારની પ્રેપરેશન (તૈયારી) કરી છે, જેમાં બહુ આનંદ આવ્યો.'
માહોલ હળવોફુલ બનાવવા અલીને એક અંગત સવાલ કરાય છે, 'એક તરફ, 'મિર્ઝાપુર-૩'નું સ્ટ્રિમિંગ શરૂ થઈ રહ્યું છે અને બીજી બાજુ તમે ડેડી બનવાની તૈયારીમાં છો, આ તબક્કામાં કેવું લાગે છે?' અભિનેતા ચહેરા પર આછું સ્મિત આવી જાય છે. એ કહે છે, 'ઇટ ફીલ્સ ગુડ ટુ મી.'