અલી ફઝલે બોલિવુડ તો ઠીક, હોલિવુડમાં ય જમાવટ કરી

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
અલી ફઝલે બોલિવુડ તો ઠીક, હોલિવુડમાં ય જમાવટ કરી 1 - image


- અલી ફઝલે  એક્ટ્રેસ રીચા ચઢ્ઢા સાથે લગ્ન કર્યાં છે. 'રીચા મારું સર્વસ્વ છે,' અલી કહે છે, 'અમે એક જ ક્ષેત્રમાં કામ કરતાં હોવાથી નાની મોટી સઘળી બાબતો વિશે ચર્ચા કરી શકીએ છીએ.'

બૉલીવૂડમાં 'ફુકરે' અને 'મિર્ઝાપુર' જેવી ફિલ્મોથી જાણીતા બનેલા અભિનેતા અલી ફઝલે હૉલીવૂડમાં 'ફ્યુરિયસ ૭', 'વિક્ટોરિયા એન્ડ અબ્દુલ', 'ડેથ ઓન ધ નાઈલ' જેવી ફિલ્મો કરીને કીર્તિ-કલદાર રળ્યાં છે. છેલ્લે તેની ફિલ્મ 'કંધાર' રજૂ થઈ. આ હૉલીવૂડ મૂવીમાં અલી ફઝલે ગ્રે ભૂમિકા ભજવી છે.

જો કે અલી માત્ર પોતાના રોલને જ ગ્રે નથી કહેતો. તે કહે છે કે 'કંધાર'માં મેં 'કાહિલ'નું પાત્ર ભજવ્યું છે. પરંતુ રખે એમ માનતા કે ફિલ્મમાં 'કાહિલ' એકમાત્ર ગ્રે પાત્ર છે. વાસ્તવમાં આ સિનેમાના દિગ્દર્શક રિક રોમન વૉગે બધા કિરદારને ગ્રે જ રાખ્યાં છે. અભિનેતા વધુમાં કહે છે કે પ્રત્યેક વ્યક્તિ વત્તાઓછા અંશે ગ્રે હોવાનો જ. મને એમ કબૂલવામાં પણ જરાય સંકોચ નથી થતો કે વ્યક્તિગત રીતે હું પણ થોડો ગ્રે છું. મને ગુસ્સો આવે છે એ મારું ગ્રે પાસું છે. તદુપરાંત હું લોકોને એટલી મદદ નથી કરી શકતો જેટલી કરવા ઇચ્છું છું. હું મારા માદરેવતન લખનઉ કે મુંબઈના પડોશીઓની પૃચ્છા કરવા જેટલો સમય નથી કાઢી શકતો. આ બધા મારા ગ્રે પાસાં છે.

'કંધાર' એક્શન થ્રિલર મૂવી છે. આવી ફિલ્મ કરવા કોઈપણ કલાકારને પોતાનું કમ્ફર્ટ લેવલ છોડવું જ પડે. અલીએ પણ આ સિનેમા માટે પોતાનું કમ્ફર્ટ કિનારે મૂકી દીધું હતું. અભિનેતા કહે છે કે મેં ખરેખર મારા કમ્ફર્ટને હાંસિયામાં ધકેલીને સખત પરિશ્રમ કર્યો હતો. એક્શનની તાલીમ લેવા હું શૂટિંગ શરૂ થવાના ૨૦ દિવસ પહેલા વિદેશ પહોંચી ગયો હતો. 'કાહિલ' દુબળો-પાતળો, છતાં ફિટ એન્ડ ફાઈન કિરદાર છે. મને આ પાત્ર માટે રણમાં બાઈક ચલાવવાની હતી. મેં આખી ફિલ્મમાં રણમાં ડર્ટ બાઈક ચલાવી હતી. આ રાઈડ ખરેખર અત્યંત મુશ્કેલ હતી. એકાદ-બે વખતે મારી બાઈક લસરી પડી હતી. પરંતુ નસીબજોગે તેમ જ સલામતીના પૂરતાં પગલાં લેવાયા હોવાથી મને ઈજા નહોતી થઈ.

અલીને હિન્દી ફિલ્મોદ્યોગ કરતાં હૉલીવૂડમાં વધુ સારું કામ મળ્યું છે. તેણે 'ફ્યુરિયસ ૭', 'વિક્ટોરિયા એન્ડ અબ્દુલ', 'ડેથ ઓન ધ નાઇલ', 'કંધાર'માં મહત્વના કિરદાર અદા કર્યાં છે. અલીને પ્રારંભિક તબક્કે એ વાતનો રંજ પણ રહેતો હતો કે વિદેશી ફિલ્મોદ્યોગે તેની કળાની જેટલી કદર કરી છે એટલી દેશી ફિલ્મોદ્યોગે નથી કરી. પણ ધીમે ધીમે તેણે મન મનાવી લીધું. હવે તે એમ કહે છે કે હું કૂવામાંથી નીકળીને દરિયામાં આવી ગયો છું. અલબત્ત, હવે તેને બૉલીવૂડમાં પણ ટોચના ફિલ્મ સર્જકો સાથે કામ કરવા મળી રહ્યું છે. અભિનેતા કહે છે કે હમણાં હું વિશાલ ભારદ્વાજ સાથે 'ખુફિયા' અને અનુરાગ બાસુ સાથે 'મેટ્રો' કરી રહ્યો છું. મેં મારું પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું છે. અલી 'ફુકરે-૩'માં કામ નથી કરવાનો તેથી ઘણાંને આશ્ચર્ય થયું હતું. પરંતુ અભિનેતા તેના વિશે સ્પષ્ટતા કરતાં કહે છે કે કોરોનાની બીજી લહેર આવવાને કારણે આ મૂવી વિલંબમાં પડી ત્યાં સુધી મારા અન્ય ઘણાં પ્રોજેક્ટ સાગમટે શરૂ થઈ જવાથી હું સમય ન ફાળવી શક્યો. છેવટે મને 'ફુકરે-૩' અથવા 'મિર્ઝાપુર'માંથી એકની પસંદી કરવાની નોબત આવી ત્યારે મેં 'મિર્ઝાપુર' પર પસંદગીનો કળશ ઢોળ્યો. અને હવે મારી બૉલીવૂડની ફિલ્મોની તુલના મારી હૉલીવૂડ મૂવીઝ સાથે થવા લાગી છે તેથી હું બહુ સમજીવિચારીને ફિલ્મોનું ચયન કરું છું.

હૉલીવૂડ ફિલ્મો કરવાને પગલે અલીને વિદેશમાં રહેવાનું ઝાઝું બને છે. અને જ્યારે કોઈ પોતાના દેશ, પોતાના ઘરથી દૂર હોય ત્યારે તેને તેની ખરી કદર થાય. અલી પણ તેમાંથી બાકાત નથી. અભિનેતા કહે છે કે મેં હૉલીવૂડમાં કામ શરૂ કર્યું ત્યાર પછી કેટલીય ભૂમિકાઓ ભજવી, કંઈ કેટલીય જગ્યાઓએ ફર્યો.  અને તે વખતે જ મને આપણી સંસ્કૃતિની કદર થઈ. મને એમ લાગતું જાણે હું મારા મૂળિયાંથી દૂર જઈ રહ્યો છું. અને આવી ભીતિ મને સતત યાદ અપાવતી રહી છે કે મારાં મૂળિયાં ક્યાં છે. હું વિદેશમાં હોઉં ત્યારે મને મારા આપ્તજનો અને ઘરના ભોજનની ખોટ સાલે છે.

અલી ફઝલે બૉલીવૂડ અદાકારા રીચા ચઢ્ઢા સાથે લગ્ન કર્યાં છે. તે કહે છે કે રીચા મારું સર્વસ્વ છે. અમે એક જ ક્ષેત્રે કામ કરતાં હોવાથી ફિલ્મોદ્યોગોની સઘળી બાબતો વિશે વાતચીત, ચર્ચાવિચારણા કરી શકીએ છીએ. અમે એકમેકના કામની ટીકા પણ કરીએ છીએ, તેવી જ રીતે એકબીજાના વિકાસમાં પણ સહભાગી બનીએ છીએ. 


Google NewsGoogle News