ઐશ્વર્યા રાય પતિદેવ કરતાં ત્રણ ગણી સંપત્તિ ધરાવે છે
- ઐશ્વર્યા વ્યક્તિગત રીતે આજની તારીખે 862 કરોડ રૂપિયાની સંપત્તિની માલિકણ છે. આ ધન એની ફિલ્મો, જાહેરખબરો અને સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટનું પરિણામ છે.
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની કરીઅર જ નહીં, એમનું અંગત જીવન પણ હંમેશા ચર્ચામાં રહે છે. બન્ને વચ્ચે સાવ સારા વાના નથી એવા મતલબની ખબરો છેલ્લે કેટલાક સમયથી સતત કાને પડી રહી છે. સિદ્ધિની દ્રષ્ટિએ જોઈએ તો ઐશ્વર્યા, અભિષેક કરતાં વધારે ઘણી વધારે સફળ છે. એ એક 'આઉટસાઇડર' છે. મોડલિંગથી શરૂઆત કર્યા બાદ એ મિસ વર્લ્ડ બની અને પછી બોલિવુડની ટોપ એક્ટ્રેસ તરીકે પોંખાઈ. એક અંદાજ પ્રમાણે, ઐશ્વર્યા વ્યક્તિગત રીતે આજની તારીખે ૮૬૨ કરોડ રૂપિયાની સંપત્તિની માલિકણ છે. આ ધન એની ફિલ્મો, જાહેરખબરો અને સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટનું પરિણામ છે. એ કેટલીય ઇન્ટરનેશનલ પ્રોડક્ટસની બ્રાન્ડ એમ્બેેસેડર છે. એની આ ભૂમિકા એને પ્રખ્યાતિ ઉપરાંત ધન પણ પુષ્કળ આપે છે.
ઐશ્વર્યા અને અભિષેક એકાધિક જોઈન્ટ મિલકતો ધરાવે છે. જેમ કે, દુબઈના સેન્ક્ચ્યુઅરી ફોલ્સમાં ભવ્ય વિલા અને મુંબઈના બાંદ્રા-ુકુર્લા કોમ્પલેક્સમાં વૈભવી એપાર્ટમેન્ટ. ઐશ્વર્યાની ગાડીઓના રસાલામાં રોલ્સ રોયસ ઘોસ્ટ, લેક્સસ એલએક્સ ૫૭૦ અને ઓડી એ૮એલ સામેલ છે.
સામે પક્ષે, 'નેપો કિડ' અભિષેકની વ્યક્તિગત નેટવર્થ ૨૫૦ કરોડ રૂપિયા છે. પત્નીની નેટવર્થ કરતાં આ આંકડો ત્રીજા ભાગનો પણ નથી. અભિષેક પણ ઐશ્વર્યાની જેમ પ્રત્યેક ફિલ્મના પાંચથી દસ કરોડ ફી વસુલે છે. એ કબડ્ડી ટીમ જયપુર પિન્ક પેન્થર્સનો માલિક છે. એણે કેટલાંક સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કર્યું છે. અભિષેકના નામે બોલતી વૈભવી ગાડીઓ છે ઓડી ફ્લેગશિપ સેડાન, મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસ, મર્સિડીઝ બેન્ઝ ૫૫૦૦ અને બેન્ટલે કોન્ટિનેન્ટલ જીટી.
વચ્ચે અભિષેકે સોશિયલ મીડિયા પર છૂટાછેડાના પડકારો વિશેની એક પોસ્ટને 'લાઈક' કર્યું. અધૂરામાં પૂરું, અનંત અંબાણીનાં લગ્નમાં બીબી-બેટી બનીઠનીને પહોંચી ગઈ, પણ અભિષેક ગેરહાજર હતો. પત્યું. મીડિયા અને જનતાએ બે અને બે ભેગા કરીને બાવીસ કરી નાખ્યા અને બન્નેના ડિવોર્સ પાક્કા જ છે એવું માની લીધંું. પતિ-પત્નીએ જોકે આ અફવાની સદંતર અવગણના કરી છે. હાલ એક જૂનો વીડિયો વાયરલ થયો હતો જેમાં અભિષેક વડીલની જેમ રણબીર કપૂર અને કાર્તિક આર્યનને લગ્ન વિશે સલાહ આપી રહ્યો છે. જો અભિષેક ખુદ આ સલાહોને પોતાના જીવનમાં અમલમાં મૂકતો હશે તો એનું લગ્નજીવન હેમખેમ રહેશે એમ કહેવામાં ખાસ કંઈ વાંધો નથી.