હેલ્લારો પછી વ્યાવસાયિકતા અને કલાત્મકતા વચ્ચે સંતુલન જાળવીને સર્જાતા મનોરંજનનું કમઠાણ!
- 'અશ્વિની ભટ્ટની નવલકથા વાંચતી વખતે જે દ્રશ્યો તમારા માનસપટલ પર ભજવાય છે, એને અમારે ફિલ્મના પડદા પર રજૂ કરવાનાં હતાં.'
ને શનલ ફિલ્મ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ફિલ્મનો સ્વર્ણ કમળ જીતનારી પહેલી ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો'ની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સમાં અને બોક્સ ઓફિસ પર મળેલી સફળતા બાદ બીજી ફિલ્મ લઈને આવી રહ્યું છે હરફનમૌલા ફિલ્મ્સ બેનર.
જેમના વાર્તાવિશ્વએ ગુજરાતી વાચકોની એકાધિક પેઢીઓને ઘેલું લગાડયું એવા પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાકાર અશ્વિની ભટ્ટની અદ્ભૂત નવલકથા 'કમઠાણ' પરથી બની છે હિતુ કનોડિયા, સંજય ગોરડિયા, દર્શન જરીવાલા અને અરવિંદ વૈદ્ય અભિનીત અને નવોદિત ધૃનાદ દ્વારા નિર્દેશિત ગુજરાતી ફિલ્મ - 'કમઠાણ'. પોલીસના ઘેર થયેલી ચોરીની આ વાર્તા ઝૂલે છે રોમાંચ અને રમૂજના સહિયારા દોરડે.
'હેલ્લારો' ફિલ્મ બનાવનાર અભિષેક શાહ, જે 'કમઠાણ'ના નિર્માતા અને સહ-લેખક છે, એ કહે છે, 'અમે અશ્વિની ભટ્ટની નવલકથાને છાજે એવી રીતે માધ્યમાંતર કર્યું છે. મૂળ વાર્તાને ફિલ્મની માંગ મુજબ વધારે ઊંડી કરવાનો પ્રયત્ન કર્યો છે, જ્યારે સંવાદોમાં અશ્વની ભટ્ટની ગરિમા જળવાય અને ફિલ્મના પ્રેક્ષકને પણ હળવું મનોરંજન મળી રહે એનો સભાન પ્રયાસ કર્યો છે. ટૂંકમાં, ખાંડાની ધાર પર ચાલીને સામે પાર આવ્યા છીએ. હવે પ્રેક્ષકો નક્કી કરશે કે અમે આ કામમાં કેટલા અંશે સફળ થયા છીએ.'
પોતાની પહેલી ફિલ્મ બનાવનાર દિગ્દર્શક અને ફિલ્મના સહ-લેખક ધૃનાદ કહે છે, 'ફિલ્મની પાશ્વભૂમિ ચરોતર હોવાના લીધે અમે ફિલ્મને ચરોતરી વાઘા પહેરાવવા માટે ખાસી જહેમત ઉઠાવી છે. ચરોતરી બોલી હોય કે ત્યાંનાં ઘર અને લોકોનાં વસ્ત્ર... અમે દરેકે-દરેક પાસા પર બારીક સંશોધન કર્યું હતું. ફિલ્મ એ નવલકથા કરતાં જુદું માધ્યમ છે. એટલે નવલકથા વાંચતી વખતે જે દ્રશ્યો તમારા માનસપટલ પર ભજવાય છે, એને અમારે ફિલ્મના પડદા પર રજૂ કરવાના હોય છે. વાચકની કલ્પનાશક્તિ જેટલી જ મજબૂત દ્રશ્ય-રચના અને ભજવણી પડદા પર થવી ખૂબ જરૂરી છે.'
બીજી ફેબુ્રઆરીએ રિલીઝ થનારી આ ગુજરાતી ફિલ્મમાં ફરી એક વાર 'હેલ્લારો'ના સંગીતકાર મેહુલ સુરતીનું સુરીલું સંગીત સાંભળવા મળશે. મેહુલ સુરતી કહે છે, ''હેલ્લારો' કરતાં જુદું, આ ફિલ્મમાં ગીતની એક જ સિચ્યુએશન હતી, જે એક સગાઇના પ્રસંગનું ગીત હતું. બાકીનાં બે ગીતો બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ભાગ છે. ત્રેવીસ વર્ષ પહેલાંના એક નાના નગરના દુનિયાનું સંગીત કેવું હોવું જોઈએ, એના વિષે અધ્યયન કરીને ફિલ્મનું આખું સંગીત તૈયાર કરવામાં આવ્યું છે. તમને ક્યાંક બેન્જો વાગતો સંભળાશે તો ક્યાંક સાદા બેન્ડ-વાજાનાં વાંજીત્રો પણ.'
ફિલ્મના ક્રિયેટિવ પ્રોડયુસર મિત જાની કહે છે, 'અમે કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વગર એક પ્રામાણિક ફિલ્મ બનાવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો છે. હું અહીં એવું નથી કહેવાનો કે અમારી ફિલ્મ તમે જો જોઈ નથી તો તમે ગુજરાતી નથી, પણ હું એવું ચોક્કસ કહીશ કે અમારી ફિલ્મ જુઓ, તે નખશિખ ગુજરાતી છે.'