બીટેક અને એમબીએ કરીને અભિષેકને એક્ટિંગની ચાનક ચડી
- 'ઇન્ડસ્ટ્રીમાં જૂજ એવા એક્ટરો છે, જેમણે ગ્રેજ્યુએશન અને માસ્ટર્સ સુધીનું શિક્ષણ લીધું હોય. ઘરમાં પણ અંગ્રેજીનું જ ચલણ હોવાથી એમને સરખું હિન્દી બોલવાના પણ ફાંફા હોય છે.'
એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જૂજ એવા એક્ટરો છે, જેમણે ગ્રેજ્યુએશન અને માસ્ટર્સ સુધીનું શિક્ષણ લીધું હોય. ખાસ કરીને સ્ટાર કિડ્સ તો નાનપણથી ટીવી કે ફિલ્મસ્ટાર બનવાના સપના જોતા હોય છે એટલે તેઓ અંગ્રેજી મીડિયમમાં સ્કુલ એજ્યુકેશન લઈને એક્ટિંગમાં કરિયર શરૂ કરી છે. મોટાભાગના ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોવાથી અને ઘરમાં, પણ અંગ્રેજીનું જ ચલણ હોવાથી એમને સરખું હિન્દી બોલવાના પણ ફાંફા હોય છે. જેકી શ્રોફની દીકરી કૃષ્ણા એનો જીવતો જાગતો દાખલો છે. 'ખતરો કે ખિલાડી'માં કૃષ્ણાને હિન્દી બોલતા જોઈને આપણને હસવું કે રડવું એ પણ ન સમજાય. ખેર, ટીવી સ્ટાર અભિષેક શર્મા આ બાબતમાં એક અપવાદ છે. અભિષેક બીટેક અને એમબીએ પૂરું કર્યા બાદ એક્ટર બન્યો છે.
૨૦૧૯માં ટીવી શો 'કુબુલ હૈ સિઝન-ટુ'થી શરૂ કરનાર શર્માને છેક પાંચ વરસે ટીવી સિરિયલમાં લીડ રોલ મળ્યો છે. હાલ, 'વસુધા'માં જોવા મળતા અભિષેકે એક્ટિંગની પોતાના પેશનથી પ્રેરાઈને પૂણેમાં ઊંચા પગારની જોબ છોડી દેવાનું જોખમ ઉઠાવ્યું હતું. 'મારો જન્મ મુઝફ્ફરનગરમાં થયો છે અને હું મેરઠનો વતની છું. મારું ફેમિલી હજુ મેરઠમાં જ રહે છે. મેરઠમાં સ્કૂલિંગ પૂરું કર્યા બાદ મેં અંબાલામાં બેચલર ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનની ડિગ્રી લીધી અને ત્યાર બાદ પૂણેની સિમ્બાયસીસમાં માસ્ટર્સ કર્યું. હું એન્જિનિયર્સ અને ડોક્ટર્સના પરિવારમાંથી આવું છું અને પહેલેથી ભણવામાં હોશિયર હતો. એટલે મારા ફાધરની એવી ઇચ્છા હતી કે હું ભણીગણીને સારી જોબ લઈ લાઇફમાં સેટલ થઈ જાઉં. એટલે પૂણેમાં જ મેં જોબ લીધી અને નાઇન ટુ ફાઇવ ઓફિસમાં કામ કરવા માંડયું. એમાંથી મને અભિનયનું વળગણ થઈ ગયું અને એક્ટિંગમાં મારું નસીબ અજમાવવા હું પૂણેથી મુંબઈ આવી ગયો' એની અંગત વિગતો શર્માજી શેયર કરે છે.
નવાઈની વાત એ છે કે એના પરિવારમાંથી કોઈને એવો અણસાર પણ નહોતો કે એ એક્ટર બનવાના સપનાં જોઈ રહ્યો છે. 'ઉનકો માલુમ નહીં થા કિ મેરે અંદર એક્ટિંગ કા કિડા હૌ, એટલે ફુલ ટાઇમ એક્ટિંગ કરવાનો મારો નિર્ણય જાણી બધાને શોક લાગ્યો હતો. મેં બીટેક અને એમબીએ પૂરું કર્યું હોવાથી ફેમિલીમાં બધાને એવી ધરપત હતી કે ઇસકી લાઇફ તો અબ સેટલ હૈ. એમને એક્ટર તરીકે મારા સફળ થવા વિશે ઘણી બધી શંકા હોવા છતાં મારે કહેવું જોઈએ કે ઘરના બધાએ મને કરિયર બદલવામાં મારા નિર્ણયમાં પૂરેપૂરો સપોર્ટ આપ્યો હતો,' એમ હેન્ડસમ એક્ટર વધુમાં વધુ કહે છે.
જોકે, અભિષેકની ટેલિવિઝનની જર્ની ઘણી સ્મૂથ રહી છે. એનો એકરાર કરતા શર્માજી ઉમેરે છે, '૨૦૧૯માં 'કુબુલ હૈ સીઝન-૨'થી મારું કરિયર શરૂ થયા પહેલાં હું ટીવી કમર્સિયલ્સ અને પ્રિન્ટ મીડિયા માટે મોડલિંગ કરતો ટીવી સિરિયલ 'ઇમલી'માં સમાંતર લીડ રોલ મળ્યા બાદ મારી કરિયરે સ્પીડ પકડી.'