સફળ હિરોઇન બન્યા પછી જ્યોતિકા હવે ફિલ્મનિર્માત્રી
- જ્યોતિકાએ તમિલ ફિલ્મોમાં કારકિર્દી મધ્યાહ્ને હતી ત્યારે જ સુરિયા સાથે લગ્ન કરી લીધા ંહતાં. જ્યોતિકાએ પુરવાર કર્યું કે પરણ્યા પછી પણ કારકિર્દી સોળે કળાએ ખીલી શકે છે
બો મ્બેમાં જન્મેલી જ્યોતિકાએ પોતાનું જીવન ભરપૂર માણ્યું છે. તે જીવનમાં કોઇ બાંધછોડ કરવામાં માનતી નથી. તમિલ ફિલ્મો અને મલયાલમ ફિલ્મોમાં મોટી સફળ હિરોઇન તરીકે નામ અને દામ કમાઇ સ્ટારડમની ટોચે હતી ત્યારે જ જ્યોતિકાએ સુરિયા સાથે લગ્ન કરી લીધાં હતા. ૨૦૦૬માં લગ્ન કર્યા બાદ જ્યોતિકાએ ફિલ્મ ઉદ્યોગને બાય બાય કરી દીધું હતું. એ પછી તે તેના પારિવારિક જીવનમાં વ્યસ્ત બની ગઇ હતી. લગ્ન બાદ તે બે સંતાનો પુત્રી દિયા અને પુત્ર દેવની માતા બની. દિયા અને દેવનો જન્મ અનુક્રમે ૨૦૦૭ અને ૨૦૧૦માં થયો હતો. એક માતા તરીકે પોતાની જવાબદારી નિભાવવા માટે જ્યોતિકાએ પોતાના બેઝ ચેન્નાઇને છોડીને મુંબઇ વસવાનું નક્કી કર્યું અને તેમનાં સંતાનોના શાળા જીવનમાં સતત સંગાથે રહી.
જ્યોતિકા કહે છે, બં સંતાનોની માતાની ભૂમિકા મારા માટે આરામદાયક બની રહી છે અને હું ંતેનાથી સંતુષ્ઠ છું. હું શરૂઆતના વર્ષોમાં હું તેમની સાથે જ રહેવા માંગતી હતી. લોકો ગમે તે કહે પણ માતાએ પોતાના સંતાનોને પુરેપુરો સમય આપવો જ પડે. એક માતા બન્યા પછી તેની અસર મારી એક્ટિંગ પર પણ પડશે તેનો મને અંદાજ નહોતો. પોતે કેમેરાથી આઠ વર્ષ અળગી રહી છે તેનું વાસ્તવભાન થાય તે પહેલાં જ તેને તમિલ ફિલ્મ ૩૬ વયાધિનીલેમાં પુનરાગમન કરવાની તક મળી. જ્યોતિકાએ પોતાનું પુનરાગમન પણ પોતાની શરતે કર્યું છે. જ્યોતિકાએ પુરવાર કર્યું છે કે જે ફિલ્મ ઉદ્યોગમાં ત્રીસી અને ચાળીસીમાં ફિલ્મોમાં હિરોઇન્સને કામ મળવાનું બંધ જાય છે ત્યાં ફરી પોતાની શરતે કામ કરવાનું શક્ય છે.
મુંબઇમાં પરત આવી ફરી કામ શરૂ કરનારી જ્યોતિકા કહે છે, મને મારા મૂળ ભણી પાછાં ફરવાનો આનંદ છે. ફિલ્મ ઉદ્યોગ બદલાયો છે પણ હવે મને મારી માતૃભાષા હિન્દીમાં કામ કરવાની તક મળી છે. એક એક્ટરતરીકે તેનાથી મને મોટી સ્વતંત્રતા મળી છે. જ્યોતિકાએ ૧૯૯૮માં પ્રિયદર્શનની ફિલ્મ ડોલી સજા કે રખનામાં કામ કરી ફિલ્મ ઉદ્યાગમાં પ્રવેશ કર્યો હતો. આ ઘટનાના બરાબર ૨૪ વર્ષ બાદ તે ૨૦૨૪માં હિન્દી ફિલ્મ શૈતાનમાં જોવા મળી. વિકાસ બહલ નિર્દેશિત આ ફિલ્મ વર્ષ ૨૦૨૪માં ચોથા ક્રમની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની રહી હતી. મૂળ ગુજરાતી ફિલ્મ વશ પરથી હિન્દીમાં બનેલી શૈતાન ફિલ્મને કુલ ૨૦૦ કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. આ જ વર્ષે આવેલી શ્રીકાન્ત ફિલ્મમાં જયોતિકાએ રાજકુમાર રાવની માર્ગદર્શિકાની ભૂમિકા ભજવી હતી.
જ્યોતિકાની ગ્રે પાત્ર કરવાની ઇચ્છા નેટફલિક્સની સિરિઝ ડબ્બા કાર્ટેલમાં પુરી થઇ. આ ફિલ્મમાં જ્યોતિકાએ દેવામાં ડૂબેલી અપર ક્લાસ મહિલા વરૂણાની ભૂમિકા ભજવી છે. જ્યોતિકા કહે છે, આ એક સંકુલ પાત્ર છે. જીવનના વિવિધ તબક્કે પોતાના જીવનમાં થયેલા અનુભવોને આધારે આ પાત્ર ઘડાયેલું છે. આ સિરિઝની મજા એ હતી કે તેમાં વિવિધ પશ્ચાદભૂમાંથી આવતી મહિલાઓની વાત હોઇ તેમાં નારી શક્તિનો અલગ જ અહેસાસ થતો હતો. જ્યોતિકાને ડબ્બા કાર્ટેલ સિરિઝ માટે ઓટીટી પ્લેનો એવોર્ડ પણ ૨૦૨૫માં મળ્યો છે.